Get The App

ઓમાન સાથે દ્વિપક્ષીય વેપાર-રોકાણના ઐતિહાસિક નિર્ણયના પડઘા દાયકાઓ સુધી સંભળાશે : મોદી

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
ઓમાન સાથે દ્વિપક્ષીય વેપાર-રોકાણના ઐતિહાસિક નિર્ણયના પડઘા દાયકાઓ સુધી સંભળાશે : મોદી 1 - image

- ભારતની નિકાસ 100 ટકા ટેક્સ ફ્રી ભારત-ઓમાન વચ્ચે મુક્ત વેપાર કરાર

- જેમ્સ-જ્વેલરી, કપડાં, એન્જિનિયરિંગ, ફાર્મા, ઓટોમોબાઈલ્સ જેવા ભારતના શ્રમ આધારિત સેક્ટર્સને ડયુટીમાં સંપૂર્ણ છૂટ 

- ભારતના ડેરી, કૃષિ ઉત્પાદનો, સોના-ચાંદી બુલિયન, ઝવેરાત, ફૂટવેર જેવા સેક્ટર્સનો કરારમાં સમાવેશ નહીં 

મસ્કત : ભારતે મધ્ય-પૂર્વના મુસ્લિમ દેશ ઓમાન સાથે ગુરુવારે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ ઓમાનમાં ભારતના ૯૮ ટકા સામાનની નિકાસ પર શૂન્ય ડયુટી લાગશે, જેમાં કાપડ, કૃષિ સહિતના ઉત્પાદનોનો સમાવેશ થાય છે. બીજીબાજુ ઓમાનથી આવતા ખજૂર, માર્બલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર ભારત ડયૂટીમાં કાપ મૂકશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારતીય સામાન પર ૫૦ ટકાનો જંગી ટેરિફ નાંખ્યો છે ત્યારે આ કરારથી ભારતના એન્જિનિયરિંગ ગૂડ્સ અને ટેક્સટાઈલ જેવા શ્રમ આધારિત સેક્ટર્સના નિકાસકારોને યુરોપ અને આફ્રિકાના પ્રવેશ દ્વાર સમાન મધ્ય-પૂર્વના ઓમાનમાં ડયુટી મુક્ત પ્રવેશની સુવિધા મળશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારિકની હાજરીમાં ભારત અને ઓમાન વચ્ચેના મુક્ત વેપાર કરાર કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઈપીએ) પર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ તથા ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રોત્સાહન  મંત્રી  કૈસ બિન મોહમ્મદ અલ યૂસુફે હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર આગામી વર્ષના પહેલા ત્રિમાસિકથી લાગુ થવાની આશા છે. આ કરાર અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ કરારથી દ્વિપક્ષીય વેપાર અને રોકાણની બાબતમાં નવી ઊર્જાનો સંચાર થશે અને પારસ્પરિક વિકાસની તકો વધશે.

આ કરાર મારફત ઓમાને તેની ૯૮ ટકાથી વધુ ટેરિફ લાઈનો અથવા પ્રોડક્ટ કેટેગરી પર શૂન્ય ડયુટીની દરખાસ્ત કરી છે, જે અખાતના દેશોમાં ભારતની નિકાસના ૯૯.૩૮ ટકા સામાનને આવરી લે છે. આ કરાર હેઠળ રત્નો અને આભૂષણ, કપડાં, ચામડાં, ફૂટવેર, રમતોના સાધનો, પ્લાસ્ટિક, ફર્નિચર, કૃષિ ઉત્પાદનો, એન્જિનિયરિંગ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઈસીસ અને ઓટોમોબાઈલ્સ, મેડિકલ ડિવાઈસીસ અને ઓટોમોબાઈલ જેવા ભારતના શ્રમ આધારિત સેક્ટર્સના ઉત્પાદનોને ડયુટીમાં છૂટ મળશે, તેમાં ૯૭.૯૬ ટકા ઉત્પાદન શ્રેણીઓ પર તુરંત ટેરિફ સમાપ્ત કરાશે. હાલ ઓમાનમાં આ વસ્તુઓ પર પાંચ ટકાથી ૧૦૦ ટકા જેટલી ઈમ્પોર્ટ ડયુટી લાગુ પડે છે. બીજીબાજુ ભારત પોતાની કુલ ૧૨,૫૫૬ ટેરિફ લાઈનોમાંથી ૭૭.૭૯ ટકા સામાન પર ડયુટીમાં ઢીલ આપશે, જે મૂલ્યની દૃષ્ટિએ ઓમાનથી ભારતના ૯૪.૮૧ ટકા આયાતને કવર કરે છે. ઓમાનના નિકાસ હિતવાળા અને ભારત માટે સંવેદનશિલ ઉત્પાદનો જેમ કે ખજૂર, માર્બલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો માટે ભારતે ટેરિફ-રેટ ક્વોટા આધારિત છૂટ આપવાની દરખાસ્ત કરી છે.

જોકે, ભારતે પોતાના હિતોની સુરક્ષા માટે ડેરી, ચા, કોફી, રબર, તમાકુ જેવા કૃષિ ઉત્પાદનો, સોના-ચાંદી બુલિયન, ઝવેરાત, ફૂટવેર, રમતના સાધનો અને અન્ય અનેક બેઝ મેટલ્સના સ્ક્રેપનો કરારમાં સમાવેશ કર્યો નથી. વધુમાં સેવા ક્ષેત્રમાં ઓમાનની વૈશ્વિક સેવા આયાત ૧૨.૫૨ અબજ ડોલરની છે, જેમાં ભારતની ભાગીદારી માત્ર ૫.૩૧ ટકા છે. આ કરારથી ભારતીય સર્વિસ પ્રોવાઈડર્સને ઘણો લાભ થશે.

ઓમાન ભારતનું મહત્વપૂર્ણ રણનીતિક ભાગીદાર છે અને મધ્ય પૂર્વ તથા આફ્રિકામાં ભારતીય વસ્તુઓ અને સેવાઓ માટે પ્રવેશ દ્વાર સમાન છે. ઓમાનમાં લગભગ ૭ લાખ ભારતીય નાગરિક રહે છે અને અંદાજે વાર્ષિક બે અબજ ડોલરનું રેમિટન્સ ભારત મોકલે છે. ઓમાનમાં ૬,૦૦૦થી વધુ ભારતીય કંપનીઓ વિવિધ ક્ષેત્રોમાં સક્રિય છે. એપ્રિલ ૨૦૦૦થી સપ્ટેમ્બર ૨૦૨૫ વચ્ચે ભારતને ઓમાનમાંથી ૬૧૫.૫૪ મિલિયન ડોલરની એફડીઆઈ મળી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારત અને ઓમાનનો દ્વિપક્ષીય વેપાર અંદાજે ૧૦.૫ અબજ ડોલર રહ્યો, જેમાં ભારતની નિકાસ ૪ અબજ ડોલર અને આયાત ૬.૫૪ અબજ ડોલર રહી.

ઓમાન સાથે એફટીએની હાઈલાઈટ્સ

ઓમાનમાં કંપનીઓ 50 ટકા સ્ટાફ ભારતીય રાખી શકાશે

- ટ્રમ્પના ટેરિફ નિયંત્રણો વચ્ચે ભારતનો છ મહિનામાં બ્રિટન પછી બીજો મોટો એફટીએ

મસ્કત : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર સૌથી વધુ ૫૦ ટકા ટેરિફ નાંખી ભારતીય અર્થતંત્રને રુંધવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ભારતે વિવિધ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવાની વ્યૂહરચના અપનાવીને દેશના ઉત્પાદનો માટે નવા નિકાસ બજારો શોધવાની તક ઝડપી લીધી છે. આ સંદર્ભમાં ભારતે છેલ્લા છ મહિનામાં બ્રિટન પછી ઓમાન સાથે બીજો મોટો મુક્ત વેપાર કરાર કર્યો છે.

- અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને હથિયાર બનાવી ભારતને ઝુકાવવાનો અને રશિયા સાથે સંબધો તોડવાની ફરજ પાડવા માટે દુનિયામાં સૌથી વધુ ૫૦ ટકા ટેરિફ નાંખ્યા હતા. 

- જોકે, ટ્રમ્પના ટેરિફ સામે લડવા ભારતે મુક્ત વેપાર કરાર (એફટીએ)ને મોટું હથિયાર બનાવ્યું. ભારતે અનેક દેશો સાથે વેપાર સમજૂતીઓ પર ભાર મૂક્યો. 

- છેલ્લા છ મહિનામાં બ્રિટન પછી ઓમાન સાથે મોટો મુક્ત વેપાર કરાર કર્યો. આ સિવાય ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુરોપીયન સંઘ, ચીલી સાથે ભારતની વાટાઘાટો એડવાન્સ તબક્કામાં છે. એટલે કે આ દેશો સાથે સમજૂતીઓ નજીકના સમયમાં થઈ શકે છે.

- ઓમાન સાથે સીઈપીએ મારફત ભારતીય પ્રોફેશનલ્સ માટે ઓમાનમાં રોજગારીની તકો ખુલશે. ઓમાન પહેલી વખત મોડ-૪ અંગે નિયમો સરળ કરશે.

- આ સમજૂતી હેઠળ એકાઉન્ટન્સી, ટેક્સેશન, આર્કિટેક્ચર, મેડિકલ અને આઈટી સેવાઓના ક્ષેત્રોમાં પ્રોફેશનલ વ્યાવસાયિકો માટે નોકરીની તકો વધશે.

- ભારતીય કંપનીઓ માટે ઈન્ટ્રા-કોર્પોરેટ ટ્રાન્સફરનો ક્વોટા ૨૦ ટકાથી વધારીને ૫૦ ટકા કરાયો છે. સાથે જ કોન્ટ્રાક્ટ આધારિત સર્વિસ સપ્લાયર્સ માટે રહેવાનો સમય ૯૦ દિવસથી વધારીને બે વર્ષનો કરાયો છે, જેને વધુ બે વર્ષ વધારી શકાશે.

- ભારતીય કંપનીઓને મહત્વના સેવા ક્ષેત્રોમાં ૧૦૦ ટકા એફડીઆઈની મંજૂરી મળશે, જેથી ભારતના સેવા ઉદ્યોગનું વિસ્તરણ થઈ શકશે.

- ઓમાન સાથે વેપાર કરાર સાથે ભારત માટે દુનિયાના ચાર મોટા બજારના દ્વાર ખુલશે. ઓમાન ભારતનું નવું ગ્લોબલ ગેટવે બનશે.

- ઓમન સાથે કરાર મારફત સાઉદી અરબ, કતર જેવા જીસીસી દેશોમાં સીધો વેપાર શક્ય બનશે. ઓમાનના આધુનિક પોર્ટ મારફત પૂર્વીય યુરોપ સુધી માલ પહોંચાડી શકાશે. 

- ઓમાન સાથે કરારથી કઝાખસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા મધ્ય એશિયાના લેન્ડલોક દેશો સુધી ભારતીય ઉદ્યોગોની નવી અને સુરક્ષિત પહોંચ વધશે. આફ્રિકાના બજારો માટે ઓમાન ભારતનું વિશ્વસનીય ટ્રાન્ઝિટ હબ બનીને ઊભરશે.