Get The App

તબાહીના 77 વર્ષ: ‘લિટલ બોય’એ હિરોશિમાને ક્ષણભરમાં બનાવી દીધું કબ્રસ્તાન

Updated: Aug 6th, 2022

GS TEAM

Google News
Google News
તબાહીના 77 વર્ષ: ‘લિટલ બોય’એ હિરોશિમાને ક્ષણભરમાં બનાવી દીધું કબ્રસ્તાન 1 - image


નવી મુંબઇ, તા.6 ઓગસ્ટ 2022, શનિવાર

માનવ ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોની વાત કરવામાં આવે છે ત્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અમેરિકા દ્વારા ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બનો ઉલ્લેખ અવશ્ય કરાય છે. 

6 ઓગષ્ટ, 1945 – વિશ્વના ઈતિહાસનો એ કાળો દિવસ, જે કોઈ દેશ કે આ પૃથ્વીનો કોઇપણ નાગરિક જોવા નહિ ઈચ્છતો હોય. આ એ સમય હતો જ્યારે માનવજાતને આ વિનાશકારી શક્તિનો પ્રથમ વખત અહેસાસ થયેલો.

શા માટે થયો પરમાણુ હુમલો? 

બીજા વિશ્વયુદ્ધ સમયે પોતાની ધાક જમાવવા માટે અને યુદ્ધ જીતવા માટે અમેરિકાએ જાપાન પર પરમાણુ હુમલો કર્યો હતો. 77 વર્ષ અગાઉ આજના જ દિવસે એટલે 6 ઓગસ્ટ, 1945ના રોજ અમેરિકાએ જાપાનના મહત્વના શહેર ગણાતા હિરોશીમા પર ન્યુક્લિયર બોમ્બ વડે હુમલો કરીને માનવજાતને શર્મસાર કરી હતી. અમેરિકાએ 8 દાયકા અગાઉ કરેલ આ હુમલાના દૂષપરિણામે અસર હજી જાપાનીઝ લોકો ભોગવી રહ્યા છે અને આજદિન સુધી ત્યાં માનવજાત ફરી બેઠી નથી થઈ શકી. 

77 વર્ષ અગાઉનો એ ગોઝારો દિવસ...

6 ઓગસ્ટ, 1945ના રોજ, જાપાનના હિરોશિમા પર પ્રથમ પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જેના કારણે હિરોશિમામાં 13 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં અકલ્પનિય અને ભયંકર વિનાશ સર્જાયો હતો. 

જાપાનનાં 67 શહેરો પર સતત છ મહિનાઓ સુધી સઘન વ્યૂહાત્મક અગન-ગોળાઓના વરસાદ બાદ પણ, જાપાન સરકાર પોટ્સડેમ ઘોષણાપત્ર દ્વારા આપવામાં આવેલા આખરી ચેતવણીને અવગણી રહી હતી. રાષ્ટ્રપ્રમુખ હૅરી એસ. ટ્રુમૅનના વહીવટી આદેશથી, ઑગસ્ટ 6, 1945ના, સોમવારના રોજ અમેરિકાએ હિરોશિમા શહેર પર "લિટલ બૉય" નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો. આ તબાહીના ત્રીજા દિવસ અમેરિકા એ ફરી 9, ઓગસ્ટ, 1945ના રોજ નાગાસાકી પર "ફૅટ મૅન" નામનો પરમાણુ બોમ્બ ઝીંક્યો હતો. 

હિરોશિમા પર જ્યારે વરસી આકાશી આફત 

તબાહીના 77 વર્ષ: ‘લિટલ બોય’એ હિરોશિમાને ક્ષણભરમાં બનાવી દીધું કબ્રસ્તાન 2 - image

સવારે 8:09 વાગ્યે યુએસ એરફોર્સના કર્નલ પોલ ટિબેટ્સે તેમના B-29 એરક્રાફ્ટ 'એનોલા ગે'ના ઇન્ટરકોમ પર જાહેરાત થઈ 'તમારા ગોગલ્સ લગાવો. આ વિમાનની અંદર વાદળી-સફેદ રંગનો 3.5 મીટર લાંબો, 4 ટન વજન ધરાવતો એટમ બોમ્બ 'લિટલ બોય' હતો.

બરાબર સવારે 8:13 વાગ્યે 'એનોલા ગે'ના બોમ્બાર્ડિયર મેજર ટોમસ ફ્રેબીના હેડફોન પર કર્નલ પોલ ટિબેટ્સનો સંદેશ આવ્યો કે, 'હવે બધું તમારું છે.' સવારે 8:15 વાગ્યે 'લિટલ બોય' નામનો પરમાણુ બોમ્બ હિરોશિમા શહેર પર ફેકવામાં આવ્યો હતો. લિટલ બોયને એનોલા ગેમાંથી નીચે આવવામાં 43 સેકન્ડ લાગી હતી. જોકે તે જ સમયે જોરદાર પવનને કારણે, તેની ચોક્કસ સ્થિતિ બદલાઈ ગઇ અને તે તેના લક્ષ્ય 'Aoi બ્રિજ'થી લગભગ 250 મીટર દૂર 'શીમા સર્જિકલ ક્લિનિક' પર પડ્યો. એકાએક થયેલા આ ભયાનક વિસ્ફોટને કારણે ત્યાંનું તાપમાન અચાનક 10 લાખ સેન્ટિગ્રેડની નજીક પહોંચી ગયું હતું.

20,000 લોકોના મોત, એક જ ક્ષણમાં પૃથ્વી પરની દરેક વસ્તુ અદૃશ્ય 

એક જ ક્ષણમાં, ત્યાંની ઇમારતો સિવાય પૃથ્વી પરની દરેક વસ્તુ અદૃશ્ય થઈ ગઈ. વિસ્ફોટની અસર એટલી ગંભીર હતી કે, ગ્રાઉન્ડ ઝીરોથી 15 કિમી સુધી દરેક બિલ્ડિંગની બારીઓ તુટી ગઈ હતી. હિરોશિમા શહેરમાં લગભગ બે તૃતીયાંશ ઈમારતો એક જ સેકન્ડમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. 

આ ઘટનામાં ક્ષણભરમાં એટલે કે ગણતરીની સેકન્ડોમાં જ 22,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને બૉમ્બ ફેંકાયાના પ્રથમ બેથી 4 મહિનાઓ દરમ્યાન, તેની સીધી અસરથી હિરોશિમામાં અંદાજે 90,000–166,000 લોકો અને નાગાસાકીમાં 60,000–80,000 લોકો મૃત્યુ પામ્યા હતા. જે સ્થળ પર બોમ્બ પડ્યો હતો તેના 3 સ્ક્વેર માઈલના વિસ્તારનો સંપૂર્ણપણે નાશ થઈ ગયેલો.

ન્યુક્લિયર બોમ્બના હુમલાનો નિર્ણય કોણે લીધો..?

૬૮ વર્ષના હેન્રી ટ્રૂમેન, ૧૯૪૫થી ૧૯૫૩ વચ્ચે અમેરિકાના પ્રમુખ હતા. બીજા વિશ્વયુદ્વમાં હાર ભાળી જતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હેન્રી ટ્રૂમેને અને લેસલી ગ્રોવસે ઇંગ્લેન્ડ સાથે રહીને બનાવેલા અણુબોમ્બનો ઉપયોગ કરવાની મંજુરી આપી હતી.    

અમેરિકાના રાષ્ટ્રપતિએ આ પ્રથમ બૉમ્બિંગને પોતાના સ્ટેટમેન્ટમાં ચેતવણી ગણાવી હતી. લેફટનન્ટ જનરલ લેસલી ગ્રોવસ (Lt. Gen. Leslie Groves) જે તે સમયના એટમિક ટોપ સિક્રેટ મેનહેટ્ટન પ્રોજેક્ટના ડાયરેક્ટર હતા.

તબાહીના 77 વર્ષ: ‘લિટલ બોય’એ હિરોશિમાને ક્ષણભરમાં બનાવી દીધું કબ્રસ્તાન 3 - image

જાપાન બીજા વિશ્વયુદ્વ દરમિયાન  કોઇને પણ  ગાંઠતું ન હતું. ટ્રૂમેને જાપાનને ચેતવ્યું પણ હતું. ટ્રૂમેનના સલાહકારોને ચિંતા હતી કે જાપાન પર આક્રમણ કરીશું તો ૫,૦૦,૦૦૦ અમેરિકન સૈનિકોનો જીવ જશે. એ અંદાજને ધ્યાનમાં રાખીને ટ્રૂમેને જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ઝીંકવાની પરવાનગી આપી હતી. એમાં 4,૦૦,૦૦૦ લોકો માર્યા ગયા હતા અને અંતે જાપાને હથિયાર નીચે મૂકી દીધાં.

જાપાન પર જીવલેણ પરમાણું બોમ્બનો હુમલો એ અમેરિકાનું સૌથી ઘાતકી અને વિવાદાસ્પદ કૃત્ય હતું, ટ્રૂમેને તેના બચાવમાં ત્યારે કહ્યું હતું, "યુદ્ધની લાંબી યાતનાને ટૂંકાવવા માટે અને લાખો અમેરિકનોનો જીવ બચાવવા એ જરૂરી હતું. જાપાનની યુદ્ધ કરવાની ક્ષમતા ખતમ ન થાય ત્યાં સુધી અમે આવા પગલા ભરતા રહીશું."

અમેરિકા-જાપાનના વિરોધની પટકથા ક્યાંથી રચાઈ ?

આજના ગાઢ સમયના મિત્ર ગણાતા જાપાન અને અમેરિકાના સૌથી કડવા અનુભવ હિરોશીમા અને નાગાસાકી, બીજા વિશ્વયુદ્ધના મૂળીયા 7 ડિસેમ્બર, 1941ના રોજ રોપાયા હતા. આ દિવસે જાપાને અમેરિકાના હવાઈ દ્વિપ સ્થિત પર્લ હાર્બરના નેવી બેઝ પર હુમલો કર્યો હતો અને તે અમેરિકાની આંખમાં ખુંચતો જ રહ્યો જેનો બદલો, 4 વર્ષે અમેરિકાએ પરમાણુ હુમલા થકી લીધો હતો. 

જાપાન અને અમેરિકાએ પર્લ હાર્બર વિરુદ્ધ હિરોશિમામાંથી બોધપાઠ શીખ્યા. બરાક ઓબામાએ તેમના જાપાનના પ્રવાસ દરમિયાન હિરોશિમાની મુલાકાત લીધી હતી. તેમણે અણુબોમ્બ ફેંકવાની ઘટના અંગે માફી પણ માંગી હતી. તેના જવાબમાં જાપાનના વડાપ્રધાન શીજો આબેએ મહિને પર્લ હાર્બરની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ આ યાત્રાથી દુનિયાને સંદેશો આપવા માંગે છે કે યુદ્ધનું પુનરાવર્તન ન થવું જોઈએ. ઘણા અમેરિકનો આજે પણ માને છે કે અમેરિકાનો જાપાન પરનો પરમાણુ હુમલો ખોટો હતો પરંતુ જગત જમાદાર બનવાની તૃષ્ણાએ અમેરિકા આજની તારીખ પણ સુધર્યુ નથી. કોઇ પણ દેશ અમેરિકા સામે લાલ આંખ કરે તો પોતાની સૈન્ય શક્તિનો બળપ્રયોગ કરવાની ધમકી આપે છે. 

જાપાન હજી પણ અમેરિકાના કબજા હેઠળ..!

તબાહીના 77 વર્ષ: ‘લિટલ બોય’એ હિરોશિમાને ક્ષણભરમાં બનાવી દીધું કબ્રસ્તાન 4 - image

રસપ્રદ વાત એ છે કે, આજની તારીખે પણ જાપાન દ્વારા લેવાતા ડિફેન્સ નિર્ણયોમાં અમેરિકાની મંજૂરી- નામંજૂરી ઘણું મહત્વ ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ બોમ્બના ઘાતક પરિણામો સહન કર્યા બાદ જાપાને અમેરિકા સામે શરણાગતિ સ્વીકારતા બંને દેશો વચ્ચે ‘સિક્યોરિટી ટ્રિટી’ થઇ હતી. જે અંતર્ગત અમેરિકાએ જાપાન ખાતે મોટી સૈન્ય હાજરી જાળવવાના બદલામાં, શાંતિવાદી બંધારણ અપનાવવાની સાથે સુરક્ષા કરવાનું વચન આપ્યું હતું. અમેરિકા જાપાન ખાતે 80 થી વધુ યુએસ લશ્કરી સુવિધાઓ છે. જે અન્ય કોઈપણ વિદેશી દેશ કરતાં વધુ યુએસ સર્વિસ મેમ્બરો જાપાનમાં કાયમી ધોરણે તૈનાત છે.  

તબાહીના 77 વર્ષ: ‘લિટલ બોય’એ હિરોશિમાને ક્ષણભરમાં બનાવી દીધું કબ્રસ્તાન 5 - image

જાપાનના બંધારણની કલમ 9 જાપાનને લશ્કરની સ્થાપના કરવા અથવા કોઈપણ પ્રકારના યુદ્ધ કે હિંસા દ્વારા આંતરરાષ્ટ્રીય તકરાર ઉકેલવા પર પ્રતિબંધ મૂકે છે. જોકે સામે પક્ષે અનુચ્છેદ-5 હેઠળ અમેરિકા  જાપાનનું રક્ષા કરવા માટે બંધાયેલો છે. જો અન્ય કોઇ દેશ દ્વારા દ્વારા હુમલો કરવામાં આવે તો કલમ 6 સ્પષ્ટપણે  અમેરિકાને જાપાનની ધરતી પર સૈનિકો મોકલવાનો અધિકાર આપે છે.

Tags :