- અર્ધ સૈન્ય દળ અંસારના બૃજેન્દ્રની હત્યાથી હિન્દુઓમાં ભય વધ્યો
- કટ્ટરવાદીઓ દ્વારા બે સપ્તાહમાં ત્રણ હિન્દુઓની હત્યા દીપુની હત્યા કરી સળગાવ્યો ત્યાં જ વધુ એક હત્યાકાંડ
ઢાકા : બાંગ્લાદેશમાં હિન્દુઓની ખુલ્લેઆમ હત્યાઓ થવા લાગી છે. અગાઉ બે હિન્દુ યુવકોને ટોળા દ્વારા ઢોર માર મરાતા બન્નેના મોત નિપજ્યા હતા. ત્યારે હવે તાજેતરની ઘટના મયમનસિંહ જિલ્લામાં સામે આવી છે. બાંગ્લાદેશના ગ્રામીણ અર્ધ સૈન્ય દળના સભ્ય બૃજેન્દ્ર બિસ્વાસની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ જ જિલ્લામાં અગાઉ દીપૂ દાસની ઢોર માર મારી હત્યા કરીને મૃતદેહને જાહેરમાં લટકાવીને આગ લગાવાઇ હતી.
બાંગ્લાદેશના મીડિયાના જણાવ્યા મુજબ ૪૦ વર્ષના બૃજેન્દ્રને સુલ્તાના સ્વેટર્સ લિ. ફેક્ટરીમાં સાંજે છ વાગ્યા બાદ ગોળી મારવામાં આવી હતી. આ ફેક્ટરીની સુરક્ષા માટે ૨૦ જવાન તૈનાત હતા જેમાં બૃજેન્દ્રનો પણ સમાવેશ થાય છે. આ હત્યાકાંડને નોમાન મિયાં નામના એક સહકર્મી દ્વારા અંજામ આપવામાં આવ્યો છે જેની બાદમાં બાંગ્લાદેશ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ઘટનાને નિહાળનારા એપીસી મોહમ્મદ અઝહર અલીએ કહ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે હું પણ ત્યાં હાજર હતો.નોમાન મિયાંએ અચાનક બૃજેન્દ્ર સામે પોતાની બંદુક તાકી હતી અને કહ્યું હતું કે ગોળી મારી દઇશ અને બાદમાં તેણે ટ્રિગર દબાવી દીધુ અને બૃજેન્દ્રની હત્યા કરી નાખી. બૃજેન્દ્ર બાંગ્લાદેશમાં એક સુરક્ષાકર્મી તરીકે સેવા આપી રહ્યા હતા. આ અર્ધ સૈન્ય દળને અંસાર તરીકે ઓળખવામાં આવે છે જે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં અને ફેક્ટરીઓમાં સુરક્ષા પુરી પાડે છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની ખુલ્લેઆમ હત્યા હવે સામાન્ય બાબત બનતી જાય છે. તાજેતરના આ હત્યાકાંડને અંજામ આપનારા મુસ્લિમ કટ્ટરવાદીને કોઇ જ અફસોસ પણ નથી, તેણે કહ્યું હતું કે હું તો મજાક કરી રહ્યો હતો એવામાં ગોળીબાર થઇ ગયો. બે સપ્તાહમાં આ ત્રીજા હિન્દુની હત્યાની ઘટનાએ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓમાં ભય વધાર્યો છે. બાંગ્લાદેશના નિસહાય હિન્દુઓ હાલ મદદ માગી રહ્યા છે.


