ઢાકામાં જાહેરમાં હિન્દુ વેપારીની ક્રૂરતાથી હત્યા, મૃતદેહ પાસે નાચ્યા
- વેપારીની હત્યા બાદ નાચતા હત્યારાઓનો વીડિયો વાયરલ
- ખંડણી આપવાની ના પાડતા હત્યા કરાઇ હોવાનો પોલીસનો દાવો : 30ની સામે ફરિયાદ, સાતની ધરપકડ
ઢાકા: બાંગ્લાદેશમાં જૂના ઢાકામાં હિન્દુ વેપારીની જાહેરમાં ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી હતી, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં હુમલાખોરો કોંક્રિટના સ્લેબથી માર મારીને હત્યા કરતા નજરે પડયા હતા. અહીંના એક કબાડી પાસે ખંડણી ઉઘરાવવા ગયેલાઓને ખંડણી નહીં આપતાં ખંડણી ઉઘરાવનારાઓએ મારી મારીને હત્યા કરી હતી. હદ તો તે છે કે મિટફોર્ડ હોસ્પિટલ જેવા વિસ્તારમાં આ નૃશંસ હત્યા થઈ હતી. હત્યા કરી હત્યારાઓ નાસી છૂટયા હતા.
આરસીસી સ્લેબના ટુકડાથી માર મારીને હત્યા કરાઇ, ઢાકા સહિતના શહેરોમાં વિદ્યાર્થીઓ-હિન્દુઓ રસ્તા પર ઉતર્યા
આ અતિ શરમજનક ઘટનાનો વિરોધ કરવા ઢાકા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ સડક પર ઉતરી આવ્યા હતા. આ પછી પોલીસે ઝડપભેર કાર્યવાહી હાથ ધરી હતી અને આ ઘટનામાં સંડોવાયેલા મનાતા ૭ જણની ધરપકડ પણ કરવામાં આવી હતી. બાંગ્લાદેશ સરકારના આંતરિક બાબતો અંગેના યુનુસ સરકારના ગૃહ મંત્રાલયના સલાહકાર લેફ્ટે. જનરલ (નિવૃત્ત) જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે તે હત્યા અત્યંત ક્રૂરતાથી કરવામાં આવી હતી. તેમાં કોંક્રીટના (આરસીસીના) ટુકડાઓ લઇ કબાડ વ્યાપારી લાલચંદ ચોહાણની હત્યા કરવામાં આવી હતી.
આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ કહેતાં જહાંગીર આલમ ચૌધરીએ જણાવ્યું હતું કે તે અંગે સાત જણાની તો ધરપકડ કરાઈ જ છે. બીજાઓની શોધ ચાલે છે. કોઈપણ ગુનેગારને છોડવામાં નહીં આવે. દરમિયાન ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ ઘટનાના વિરોધમાં શનિવારે ઠેર ઠેર સરઘસો કાઢ્યાં હતાં અને હત્યારાઓને પકડી પાડવા સરકારને અનુરોધ કર્યો હતો. મુખ્ય હકીકતે તે છે કે બાંગ્લાદેશમાં લઘુમતિ હિન્દૂઓ યુનુસ સરકારમાં સલામત નથી તેવી ભીતિ વ્યાપક બની રહી છે. આ હત્યાકાંડનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં હત્યારાઓ હત્યાને અંજામ આપ્યા બાદ મૃતદેહની પાસે નાચતા પણ જોવા મળ્યા હતા.
બીજી તરફ હત્યાના વિરોધમાં હિન્દુઓ રસ્તા પર ઉતર્યા હતા અને ઢાકામાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે લોકોનો રોષ ઠારવા માટે પોલીસે આ હત્યાકાંડમાં સામેલ ૧૯ લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે જ્યારે અજાણ્યા ૧૫થી ૨૦ લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. જે આરોપીઓની ધરપકડ કરાઇ છે તેમાંથી કેટલાક પાસે હથિયાર પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ તેઓ ખંડણી માગવા માટે કરતા હોવાની શક્યતા છે. હાલમાં આ હત્યાના વિરોધમાં વિદ્યાર્થીઓ પણ રસ્તા પર ઉતરી રહ્યા છે. બીઆરએસી યુનિ, એનએસયુ, ઇસ્ટ વેસ્ટ યુનિ. ઢાકા યુનિ.ના વિદ્યાર્થીઓએ પણ પ્રદર્શન કર્યું હતું.