Get The App

એ ડૉગ અમારું સંતાન છે... પાલતુ શ્વાનને ભારતથી ઓસ્ટ્રેલિયા લઈ જવા માટે દંપતીએ ₹15 લાખ ખર્ચ્યા

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
એ ડૉગ અમારું સંતાન છે... પાલતુ શ્વાનને ભારતથી ઓસ્ટ્રેલિયા લઈ જવા માટે દંપતીએ ₹15 લાખ ખર્ચ્યા 1 - image


image 'Kahaani of Tales



Relocate Pet Dog To Australia: કહેવાય છે કે શ્વાન અને માણસની મિત્રતા અતૂટ હોય છે. હૈદરાબાદના એક દંપતીએ આ વાતને સાબિત પણ કરી દીધી છે. હૈદરાબાદથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા જઈ રહેલા દિવ્યા અને જોન નામના દંપતીએ પોતાના વહાલા પાલતુ શ્વાન 'સ્કાય'ને સાથે લઈ જવા માટે મસમોટી રકમ અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. આ માટે તેમણે રૂ. 15 લાખનો જંગી ખર્ચ કર્યો છે. 

કેમ આટલો મોટો ખર્ચ થયો?

ઓસ્ટ્રેલિયાના કડક નિયમો અનુસાર, ભારત જેવા 'નોન-એપ્રુવ્ડ' (હડકવા મુક્ત ન હોય તેવા) દેશોમાંથી સીધા પાલતુ પ્રાણીઓ લાવી શકાતા નથી. આ માટે શ્વાનને પહેલા કોઈ પણ હડકવા મુક્ત દેશમાં 6 મહિના રાખવો પડે છે. આ જ કારણસર દંપતીએ અંદાજે ₹14 થી 15 લાખ જેટલો માતબર ખર્ચ કરવો પડ્યો હતો.

પાલતુ શ્વાનના વિરહમાં વીતાવ્યા 6 મહિના 

આ અંગે જોન અને દિવ્યા નામના આ દંપતીએ જણાવ્યું કે, આ મુસાફરી આર્થિક અને માનસિક રીતે ખૂબ જ પડકારજનક હતી. અમારા શ્વાનને ઓસ્ટ્રેલિયા લઈ જવા માટે પહેલા તેને દુબઈ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં અમે એક મહિના સુધી તેની સાથે રહ્યા હતા, જેથી તે નવા વાતાવરણમાં સેટ થઈ શકે. ત્યાર પછી 5 મહિના સુધી 'સ્કાય'ને ત્યાં જ એક બોર્ડિંગ ફેસિલિટીમાં રાખવો પડ્યો હતો. આ 190 દિવસો દરમિયાન અમે રોજ વીડિયો કોલ કરીને તેના ખબર-અંતર પૂછતા હતા. 

પેપર વર્ક, વેક્સિનેશન અને ક્વૉરેન્ટાઈન ફી 

આ સમગ્ર પ્રક્રિયામાં જોન અને દિવ્યા પુષ્કળ પેપર વર્ક તૈયાર કરવા પણ હોંશે હોંશે તૈયાર થઈ ગયા હતા. આ ઉપરાંત બીજા પણ ઘણાં ખર્ચ થયા, જેમાં વેક્સિનેશન, મેડિકલ ટેસ્ટ અને ક્વૉરેન્ટાઇન ફી વગેરે સામેલ છે. આ અંગે જોન અને દિવ્યા કહે છે કે, ‘લોકો અમને પૂછતા કે એક શ્વાન પાછળ 15 લાખ કેમ ખર્ચો છો? નવો શ્વાન ખરીદી લો. પણ અમારા માટે સ્કાય માત્ર એક પ્રાણી નથી, તે અમારું સંતાન છે. તેની સાથે રહેવા માટે અમે આ બધું ફરીથી કરવા પણ તૈયાર છીએ.’ 

અંતે અમારા ત્રણનો પરિવાર એક થયો

આ માટે જોન અને દિવ્યાએ 6 મહિનાની લાંબી રાહ જોઈ અને અંતે 'સ્કાય' ઓસ્ટ્રેલિયા પહોંચ્યો, ત્યારે દંપતીની આંખોમાં હર્ષના આંસુ હતા. સોશિયલ મીડિયા પર આ સ્ટોરી વાઇરલ થયા બાદ લોકો આ દંપતીના પ્રાણીપ્રેમની અને સમર્પણની ભારે પ્રશંસા કરી રહ્યા છે.