અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદ - પૂર : 29ના મોત
- ત્રણથી છ ઇંચની આગાહી સામે 10 ઇંચ વરસાદ પડતા આખી કેમ્પ સાઇટ ડૂબી ગઈ : હિલ કાઉન્ટી વિસ્તારમાં હોનારત સર્જાઈ
- ગૌડલ્યુપ નદીમાં પૂરથી ફક્ત ૪૫ મિનિટમાં જ જળસ્તર ૨૬ ફૂટ વધી ગયું, લાપતા છોકરીઓની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ થતાં કરૂણાંતિકાની જાણ થઈ
- ધસમસતા પૂર બાદ 25 છોકરીઓ ગુમ, 237 લોકોને બચાવાયા
કેરવિલ, ટેક્સાસ (અમેરિકા): અમેરિકાના ટેક્સાસના હિલ કાઉન્ટી વિસ્તારમાં આવેલા ભારે વરસાદ અને તેના પગલે આવેલા વિનાશક પૂરના કારણે નવ બાળકો સહિત ૨૯ના મોત છે થયા છે અને હજી પણ ૨૫ છોકરીઓ ગુમ છે, જ્યારે ૨૩૭ને બચાવવામાં આવ્યા છે. હજી પણ બચાવ અભિયાન જારી છે. ફસાયેલા લોકોને બચાવવા માટે, ઈમરજન્સી ટીમો પૂરી તાકાત સાથે બોટ અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને સતત શોધ કરી રહી છે.
ટેક્સાસમાં ગૌડલ્યુપ નદીના કિનારે લાગેલા કેમ્પમાં મુખ્યત્વે છોકરીઆ કેમ્પમાં મોટાભાગે છોકરીઓ જ આવી હતી. તેમના માબાપે આ છોકરીઓના ગુમ થયેલા ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતની સોશિયલ મીડિયા સાઇટ પર મોકલવા માંડતા આખા અમેરિકામાં આ કરૂણાંતિકાની જાણ થતાં તે સ્તબ્ધ થઈ ગયું છે.
આ બનાવના પગલે આખા અમેરિકામાં ચકચાર મચી ગઈ છે. અમેરિકામાં હવામાન વિભાગની સેવાએ ત્રણથી છ ઇંચ વરસાદની આગાહી કરી હતી, તેના બદલે આ સ્થળે દસ ઇંચ વરસાદ ગણતરીના કલાકોમાં ખાબક્યો હતો.
તેના કારણે ગૌડલ્યુપ નદીમાં પૂર આવતા ફક્ત ૪૫ મિનિટમાં જ પાણીનું સ્તર ૨૬ ફૂટ જેટલું વધા જતાં આખા હિલ કાઉન્ટી વિસ્તારમાં ચોમેર પાણી-પાણી જ થઈ ગયું હતું. તેના કારણે નદી કિનારે આવેલી કેટલીય કેમ્પ સાઇટ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આના કારણે હવે હવામાન વિભાગની આગાહી પર કેટલા આધારિત રહેવું તેવો સવાલ કેટલાય અમેરિકનો પૂછવા લાગ્યા હતા.
સદનસીબે કેટલીક સાઇટવાળા તરવાનું જાણતા હતા તે બચી ગયા હતા અને તેમણે બીજાને પણ બચવામાં મદદ કરી હતી. તેમા પણ મિસ્ટિક નામના આખા સમર કેમ્પનો જ પતો ગયો નથી. આ કેમ્પની બધી જ ૨૫ છોકરીઓ ગુમ છે.
ઉલ્લેખનીય છે કે ટેક્સાસમાં હિલ કાઉન્ટી લગભગ એક સદી જૂની સમર કેમ્પની લોકપ્રિય સાઇટ છે. ફક્ત ટેક્સાસમાંથી જ નહીં અમેરિકામાંથી પણ ઘણા રાજ્યોના સમર કેમ્પમાં છોકરીઓ અહીં આવે છે. હવે આ દસથી બાર વર્ષની છોકરીઓની ભાળ માટે આખુ ટેક્સાસનું તંત્ર ખડેપગે લાગ્યુ છે. પાણીના આ જબરદસ્ત વહાવમાં તેની કેવી સ્થિતિ થઈ હશે. આ છોકરીઓના માબાપ આઘાતના માર્યા ગાંડાની જેમ તેમને શોધી રહ્યા છે. કેટલાય લોકોએ ઝાડ પર ચઢી જઈને, કેટલાય લોકોએ વૃક્ષની ડાળીઓ પકડીને જીવ બચાવ્યા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ ઉપરાંત હેલિકોપ્ટરથી ચાલતા બચાવ કાર્યના વિડીયો પણ વાઇરલ થયા છે.
ટેક્સાસ લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિક અને કેર કાઉન્ટીના અધિકારીઓએ પીડિતોને ઓળખવામાં અંધાધૂંધી અને અનિશ્ચિતતા પર ભાર મૂકતાં મૃત્યુની અલગ અલગ સંખ્યા જણાવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે કેટલાક મૃતકોને તો અમે ઓળખતા પણ નથી. અનેક મૃતકો ઓળખપત્ર વિનાના હોવાથી સમગ્ર પ્રક્રિયા જટિલ બની હતી.
બમ્બલ બી હિલ્સની એક રહેવાસીએ તેના ઘરમાં આવેલા પૂરથી બચવાનો હૃદયસ્પર્શી કિસ્સો સંભળાવ્યો. તે અને તેનો પુત્ર જીવ બચાવવા માટે એક વૃક્ષને વળગી રહ્યા હતા જેમનો આખરે બચાવીને તેના બોયફ્રેન્ડ અને શ્વાન સાથે મેળાપ કરાવી અપાયો. તેના અનુભવમાં અનેક લોકોએ સહન કરવા પડેલા પીડાદાયક અનુભવોનો પડઘો પડે છે.
નદી કિનારે રહેલી કેમ્પ મીસ્ટીક જેવી કેમ્પોએ પણ ભારે પૂરની જાણકારી આપી. કેટલીક કેમ્પોએ તેમાં હાજર રહેલાની સલામતિની પુષ્ટી કરી જ્યારે કેટલીક કેમ્પે ચૂપકીદી સેવતા વાલીઓની ચિંતામાં વધારો થયો હતો. પ્રશાસને પર્યાપ્ત ચેતવણી યંત્રણાના અભાવની કબૂલાત કરી.