- પેટ્રો પાવલોવસ્ક - કાલ્મિકીઆ શહેરમાં ઇમર્જન્સી
- શહેરમાં શૂન્યથી નીચે 21 સેલ્સિયસ સુધી ઉષ્ણતામાન નીચું ગયું છે : બરફનાં તોફાનમાં બેનાં મોત નોંધાયા : હજી વધુ મોત થયા હોવાની આશંકા
નવી દિલ્હી : રશિયાના ફાર-ઇસ્ટમાં કાલ્મિકીઆ છેલ્લા ૩૦ વર્ષમાં ન નોંધાઈ હોઈ તેવી હિમવર્ષા થઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્યાં ૧૩ ફીટ સુધી બરફ પડયો છે. નગરજનોએ તે બરફ એકત્રિત કરી એક ટાવર બનાવી દીધો છે.
આ પ્રચંડ વાવાઝોડાએ મુખ્ય શહેર પેટ્રો પાવરલોવસ્ક સ્થિત શહેરમાં કરફયૂની સ્થિતિ કરી દીધી છે.
મેયર વેલ્યાએ દરેક નગરજનોને છત ઉપરથી બરફ દૂર કરવા આદેશ આપી દીધો છે. કારણ કે, છત ઉપર બરફ પડવાથી ઇમારત ધસી પડવાની ભીતી રહેલી છે. આ બરફ ના થર ઉપર બાળકો સરકી રહ્યા છે, તો બીજી તરફ વૃદ્ધો ઠુઠવાઈ રહ્યા છે. તેઓ પોતાના ઘરોમાં કેદ છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટ તદ્દન બંધ છે. કેટલાએ વિસ્તારોમાં વીજળી બંધ છે. આ હિમપ્રપાતથી કારો દબાઈ ગઈ છે. શહેરોમાં તથા ગામોમાં જીવન ઠરી ગયું છે. બચાવ કર્મીઓ બરફમાં ફસાયેલા વૃદ્ધોને બચાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. હજી સુધીમાં હિમપ્રપાતથી બેના મોત નિપજયા છે પરંતુ મૃત્યુઆંક ઘણો ઉંચો જવાની આશંકા સેવાઈ રહી છે.


