જાપાનમાં હીટવેવનો કહેર, સેંકડોના મોત, AC હોવા છતાં તેનો ઉપયોગ કેમ નથી કરી શકતા?
Japan Record Break Heatwave: જાપાને બીજા વિશ્વયુદ્ધ બાદ વીજળીની ગતિએ પ્રગતિ કરી. તેણે વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી ક્ષેત્રે વર્ચસ્વ સ્થાપિત કર્યું. વિકાસની આ ઝડપી ગતિએ રાષ્ટ્ર અને સમાજને ઘણું પાછળ છોડી દીધુ છે. આજે જાપાનમાં ક્લાઈમેટ ચેન્જ અને વૃદ્ધની વધતી વસ્તી એક નવું સંકટ ઉભું કરી રહ્યું છે. 84 વર્ષીય તોશિયાકી મોરિયોકા જ્યારે પણ ઘરે હોય ત્યારે પોતાની સાથે એક એલાર્મ ડિવાઇસ રાખે છે. તાપમાન અને ભેજ વધતાં જ તે એક બટન દબાવે છે, જેના કારણે ઈમરજન્સી ટીમ તેમની મદદે આવે છે. આ ટીમ તોસિયાકી મોરિયોકાને નવડાવે છે અને ગરમીથી બચાવે છે.
જાપાનના દર ચોથા કે પાંચમા ઘરની આ એક સામાન્ય વાર્તા છે, કારણ કે હજારો લોકો જાપાનમાં હીટસ્ટ્રોકથી પ્રભાવિત થઈ રહ્યા છે. ઉનાળામાં રેકોર્ડબ્રેક ગરમીના કારણે હજારો લોકો ડિહાઈડ્રેટ થયા હતા. જાપાનની આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં સરકારે કટોકટીનો સામનો કરવા માટે એલાર્મ ડિવાઇસનો આશરો લીધો છે. જાપાનના આબોહવા સંકટ વચ્ચે, દેશની ઝડપથી વધતી વૃદ્ધ વસ્તીએ પણ જોખમ ઉભુ કર્યું છે. જાપાનમાં વૃદ્ધોની સંભાળ રાખવા માટે યુવા વર્ગ ખૂબ ઓછો છે.. જાપાનમાં એકલતા અને અન્ય સાંસ્કૃતિક પરિબળોનો સામનો કરતાં વૃદ્ધો માટે આ હિટસ્ટ્રોક વધુ સંવેદનશીલ બન્યો છે.
જાપાનમાં અંગ દઝાડતી ગરમી
જાપાનમાં લાખો વૃદ્ધ વસે છે. જેમની સંભાળ રાખવા માટે કોઈ નથી. જાપાનમાં રહેતાં તોશિયાકી મોરિયોકા પણ આ જ સમસ્યાનો સામનો કરે છે. તે પોતાના ઘરમાં એકલા છે અને સતત ચિંતા કરે છે કે જો તે બીમાર પડશે તો તેની સંભાળ કોણ રાખશે. એવામાં જાપાનમાં અંગ દઝાડતી ગરમીના કારણે તેઓ હીટસ્ટ્રોકનો સામનો પણ કરી રહ્યા છે. નોંધનીય છે, જાપાન એકમાત્ર એવો દેશ નથી જે આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. દક્ષિણ કોરિયા અને ચીનમાં પણ તાજેતરમાં રેકોર્ડ હીટવેવનો અનુભવ થયો છે. યુરોપના મોટાભાગના ભાગોમાં જંગલમાં લાગેલી આગને કારણે અત્યંત ગરમ હવામાનનો અનુભવ થયો છે.
જાપાનમાં સૌથી ભયાવહ હીટવેવ
જાપાનની સત્તાવાર હવામાન એજન્સી અનુસાર, જાપાને આ વર્ષે સૌથી ભયાવહ હીટવેવનો અનુભવ કર્યો છે. ઓગસ્ટમાં, જાપાને અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન, 41.8 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું. આ વર્ષે, જાપાને તેનો સૌથી લાંબો આકરો ઉનાળો અનુભવ્યો છે. જૂનમાં શરૂ થયેલી ઉનાળાની સીઝન સપ્ટેમ્બર સુધી ચાલુ રહી. ઓગસ્ટના અંતમાં મધ્ય ટોક્યોમાં સતત નવ દિવસ સુધી તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયુ હતું. મે અને ઓગસ્ટ દરમિયાન 90,000 લોકોને હીટસ્ટ્રોક માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના વૃદ્ધો હતા.
એસીનો ઉપયોગ ટાળવાથી થઈ રહ્યો છે હિટ સ્ટ્રોક
ગરમીનો સામનો કરવા માટે સૌથી અસરકારક સાધન એર કન્ડીશનર છે, પરંતુ જાપાનમાં વૃદ્ધ લોકોની મોટી વસ્તી તેનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. તાજેતરના ડેટા દર્શાવે છે કે ટોક્યોમાં હીટસ્ટ્રોકના 101 મૃત્યુમાંથી, 66 એવા રૂમમાં મૃત્યુ પામ્યા હતા જ્યાં એસી હતું, પણ તેનો ઉપયોગ થતો ન હતો. વૃદ્ધો એસીથી ટેવાયેલા નથી, તેમજ તેમના હાથ-પગ એસીની હવામાં જકડાઈ જવાની ફરિયાદો પણ થતી હોવાથી તેઓ એસીનો ઉપયોગ કરવાનું ટાળતાં હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં કેટલાક તેને પર્યાવરણ માટે હાનિકારક માને છે, અને મોટાભાગના વૃદ્ધ લોકો ઊંચા વીજ બિલથી બચવા માટે એર કંડિશનરનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેના બદલે, તેઓ પંખા અથવા કુદરતી એર વેન્ટ્સ પર આધાર રાખે છે, જે વર્તમાન ગરમી સામે બિનઅસરકારક છે.
જાપાનમાં વૃદ્ધોની વધતી સંખ્યા ચિંતાનું કારણ
જાપાનમાં વૃદ્ધોની સંખ્યા સતત વધી રહી છે. તેમાં તેમની સારસંભાળ લેનારૂ પણ કોઈ નથી. 2020માં 65 વર્ષથી વધુ ઉંમરના 13 ટકા લોકો ઘરમાં એકલા રહેતા હતાં. આ સંખ્યા 2050 સુધી વધી દર પાંચમાંથી એક ઘર સુધી પહોંચશે. સેકડોં વૃદ્ધોના શબ મૃત્યુ બાદ મહિનાઓ સુધી ઘરમાં સડી રહ્યા હોય છે. આજુ-બાજુના લોકોને શંકા જાય ત્યારે તેમની અંતિમવિધિ કરવામાં આવે છે. વધુમાં ઘણા વૃદ્ધો આવકના સાધનના અભાવે ચોરી લૂંટ-ફાટ તરફ વળ્યા હોવાના કિસ્સા પણ જોવા મળે છે. જાપાન સરકારે આ સમસ્યાને ધ્યાનમાં લેતાં મિનિસ્ટર ઓફ લોનલીનેસ બનાવ્યું છે. જેમાં વરિષ્ઠોની સારસંભાળ અને જીવ બચાવવા માટેના અનેક પ્રયાસો સામેલ છે.