- સૈકાઓ સુધી બીજાનું લૂંટીને જીવતા અફઘાનોની કરૂણ હાલત
- દેશની 2 કરોડ 30 લાખની વસ્તીમાં અર્ધોઅર્ધ, આરોગ્ય સેવાઓ અને ખાદ્ય પદાર્થો તેમજ શુદ્ધ પાણીની પણ પારાવાર તંગી ભોગવે છે
કાબુલ : સૂકા પર્વતીય પ્રદેશ અફઘાનિસ્તાનમાં આરોગ્ય સેવાઓ તદ્દન પડી ભાંગવાની અણીએ છે. તાલિબાનોએ સત્તા હાથમાં લીધા પછી વિદેશી સહાય લગભગ બંધ થઈ ગઈ છે. આ વિદેશી સહાયને લીધે જ ત્યાં આરોગ્ય સેવા ચાલતી હતી.
અત્યારે તો અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ તેવી છે કે તેની ૨ કરોડ ૩૦ લાખ જેટલી વસ્તી પૈકી અર્ધોઅર્ધ વસ્તી આરોગ્ય સેવાઓ, ખાદ્ય પદાર્થો અને શુદ્ધ પાણીની પણ તંગી અનુભવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (વ્હુ)ના જણાવ્યા પ્રમાણે દેશમાં ૪૨૫ થી વધુ આરોગ્ય કેન્દ્રો બંધ થઈ ગયા છે. તેથી લોકોને આરોગ્ય સેવા માટે નજીકથી નજીકનાં આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલ પહોંચવા કલાકોની મુસાફરી કરવી પડે છે.
દેશમાં હજી અંદરો-અંદર મારામારી થતી રહે છે. પતિઓને પત્નીઓને મારવાનો હક્ક છે, તેમ માને છે. કાયદો વ્યવસ્થા જેવું કશું દેખાતું નથી, તેથી સામસામી છરાબાજી રોજીંદી ઘટના છે. માર્ગો તદ્દન બિસ્માર છે. તેથી માર્ગ અકસ્માત થઈ રહ્યા છે. આથી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ, યુવતીઓ છરાબાજીથી ઘાયલ થયેલાઓ અને માર્ગ અકસ્માતોની પેશન્ટસની સારવાર કરવામાં જ સ્થાનિક આરોગ્ય કેન્દ્રો, કે હોસ્પિટલોના તબીબી, નર્સોનો સમય વ્યતિત થાય છે. દુ:ખદ તે છે કે આરોગ્ય કેન્દ્રો પૈકી અનેક બંધ થયા છે. હોસ્પિટલો પૈકી કેટલીએ બંધ છે.
આથી તબીબોએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસે દવાઓ, પાટા-પિંડી માટેની દવાઓ વગેરે માટે અરજ કરી છે. પરંતુ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના માનવતા હીન કાયદાઓ જોઈ વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ, ઔષધો વગેરે આપવામાં ઠાગા-ઠૈય્યા કરે છે. નિરીક્ષકો કહે છે કે, અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમયે હતી લગભગ તેવી જ પરિસ્થિતિ હજી પ્રવર્તે છે. ત્યાં દવાઓની તો ખેંચ છે જ પરંતુ દેશની અર્ધોર્ધથી વધુ જનતા દવાઓ ઉપરાંત ખાદ્ય પદાર્થો અને પાણીની પણ તંગી ભોગવે છે. અફઘાનિસ્તાન પોએટિક-જસ્ટિસ અનુભવે છે. સૈકાઓ સુધી બીજાનું લૂંટીને જ પોતાની તિજોરીઓ ભરનારા અફઘાનિસ્તાનની તિજોરીઓ તો ક્યારનીય તળીયા-ઝાટક થઈ ગઈ છે. પરંતુ હવે તો દવાઓ ઉપરાંત, ખાદ્ય પદાર્થો અને પાણીનાં પણ તેને ફાંફાં પડે છે. તેમની હાલત કરૂણ થઈ ગઈ છે.


