Get The App

'વિદેશી વિદ્યાર્થીઓ વિના હાર્વર્ડ, હાર્વર્ડ નહીં રહે...', ટ્રમ્પના ફરમાનને યુનિવર્સિટીનો ખુલ્લો પડકાર

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
'વિદેશી વિદ્યાર્થીઓ વિના હાર્વર્ડ, હાર્વર્ડ નહીં રહે...', ટ્રમ્પના ફરમાનને યુનિવર્સિટીનો ખુલ્લો પડકાર 1 - image


Harvard University : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓ મુદ્દે આકરી કાર્યવાહી કર્યા બાદ હાર્વર્ડ યુનિવર્સિટીએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ટ્રમ્પના ફરમાર મુદ્દે યુનિ.એ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, હાર્વર્ડ વિદેશી વિદ્યાર્થીઓ મુદ્દે કોઈપણ પ્રકારની સમજૂતી નહીં કરે. અમેરિકન સરકારે યુનિવર્સિટીમાં ચાલી રહેલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામ 2025-26 શૈક્ષણિક વર્ષ માટે બંધ કરી દીધો છે, જેનો યુનિવર્સિટીએ કડક શબ્દોમાં વિરોધ કર્યો છે. અમેરિકન સરકારના નિર્ણયના કારણે વિદેશી વિદ્યાર્થીઓ અને સ્કૉલર્સ માટેનો F અને J વિઝા સ્પોન્સર્ડ કરવાનો હાર્વર્ડનો અધિકાર છિનવાઈ ગયો છે.

સરકારના નિર્ણયે હજારો વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં મૂક્યું : હાર્વડ

હાર્વર્ડના પ્રમુખ એલન એમ.ગાર્બરે સરકારના નિર્ણયને ગેરકાયદે અને અયોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, નિર્ણયનો હેતુ યુનિવર્સિટીની શૈક્ષણિક સ્વતંત્રતા પર અંકુશ લગાવવાનો છે. સરકારની કાર્યવાહીના કારણે હજારો વિદેશી વિદ્યાર્થીઓ અને સ્કોલર્સનું ભવિષ્ય ખતરામાં મુકાયું છે. તેમણે સરકારના નિર્ણયને આખા અમેરિકાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે ચેતવણી સમાન ગણાવ્યો છે.

કેમ્પસમાં યહૂદી વિરોધી ભાવના વધવાનું કારણ

હાર્વર્ડ કેમ્પસમાં યહૂદી વિરોધી ગતિવિધિઓને ધ્યાનમાં લેતાં ટ્રમ્પ સરકારે આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે. કેમ્પસમાં યહૂદી વિરોધી ભાવના વધી રહી હોવાનો આરોપ છે. ટ્રમ્પ સરકારે હાર્વર્ડને પોતાના પ્રાંગણમાં હિંસા, યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપવા તેમજ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સાથે સમન્વય કરવા જવાબદાર ઠેરવી છે. વિશ્વની ટોચની યુનિવર્સિટી પૈકી એક હાર્વર્ડ યુનિવર્સિટીમાં 6793 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે તેના કુલ વિદ્યાર્થીઓના 27 ટકા છે. જેમાં ભારતના 788 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે ચીનના 2126 વિદ્યાર્થીઓ હાર્વર્ડમાં અભ્યાસ કરી રહ્યા છે. યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો હિસ્સો સતત વધી રહ્યો છે. એવામાં ટ્રમ્પ સરકારનો આ નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટ ઉભું કરી શકે છે.

આ પણ વાંચો : હાર્વર્ડમાં તમામ વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર રોક, યુનિવર્સિટીએ 72 કલાકમાં માનવી પડશે 6 શરતો

‘સરકારના દાવાને ગણાવ્યા, જરૂર પડશે તો કાયદાકીય કાર્યવાહી કરીશું’

અમેરિકન સરકારે દાવો કર્યો છે કે, હાર્વર્ડે હોમલેન્ડ સુરક્ષા વિભાગની સૂચનાઓનું પાલન કર્યું નથી. જોકે હાર્વર્ડે સ્પષ્ટ કહ્યું છે કે, તેણે તમામ કાયદાનું પાલન કર્યું છે અને સરકારના દાવાને પાયાવિહોણા ગણાવ્યા છે. ગાર્બરે કહ્યું કે, સરકારની કાર્યવાહી એ હાર્વર્ડની શૈક્ષણિત સ્વતંત્ર પર હુમલા સમાન છે. સરકાર અભ્યાસક્રમ, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાર્વર્ડે કહ્યું છે કે, તેઓ વિદ્યાર્થીઓ અને વિદ્વાનોના હિતોનું રક્ષણ કરવા માટે શક્ય તેટલું બધું કરશે અને કાનૂની ઉપાય પણ અપનાવશે.

વિવાદનું કારણ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ગુરૂવારે (22 ને) હાર્વર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેથી હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે નહીં. ટ્રમ્પ સરકારની શરતો પર ચાલવાનો ઈનકાર હાર્વર્ડ યુનિવર્સિટીને ભારે પડી રહ્યો છે. અગાઉ તેનું ફંડિંગ બંધ કર્યા બાદ હવે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામ બંધ કરી દીધો છે. જો કે, ટ્રમ્પ સરકારે યુનિવર્સિટી સમક્ષ અમુક શરતો મૂકી છે. જો યુનિવર્સિટી આ શરતો 72 કલાકની અંદર સ્વીકારી લે, તો ત્યાં અભ્યાસ કરતાં લગભગ 6800 જેટલા વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે. 

ટ્રમ્પ સરકારનો આ શરતોનું પાલન કરવા આદેશ

1. હાર્વર્ડ યુનિવર્સિટીના એવા વિદેશી વિદ્યાર્થીઓનો ઈલેક્ટ્રોનિક, ઓડિયો-વીડિયો રેકોર્ડ કે, જે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ વિદેશી વિદ્યાર્થી-વિદ્યાર્થિની દ્વારા પરિસરમાં કે પરિસરની બહાર સત્તાવાર કે ઔપચારિક રૂપે ગેરકાયદે ગતિવિધિઓ સાથે સંકળાયેલા હોય.

2. છેલ્લા પાંચ વર્ષમાં યુનિવર્સિટીની અંદર કે બહાર કોઈ વિદેશી વિદ્યાર્થી દ્વારા હાથ ધરવામાં આવેલી હિંસક કે જોખમી ગતિવિધિઓનો રેકોર્ડ રજૂ કરવો.

3. છેલ્લા પાંચ વર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના પ્રાંગણમાં કે બહાર અન્ય વિદ્યાર્થીઓ કે યુનિવર્સિટીના કર્મચારીઓને આપવામાં આવેલી ધમકીના ઉપલબ્ધ તમામ રેકોર્ડ રજૂ કરો.

4. હાર્વર્ડ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા પરિસરમાં કે બહાર અન્ય કોઈની પણ સાથે થયેલી મારામારી કે ઝઘડા સંબંધિત તમામ રેકોર્ડ.

5. છેલ્લા પાંચ વર્ષમાં પ્રવેશ લેનારા તમામ વિદેશી વિદ્યાર્થીઓના તમામ રેકોર્ડ.

6. છેલ્લા પાંચ વર્ષમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં કોઈપણ પ્રકારનો વિરોધ કે આંદોલનમાં સામેલ વિદેશી વિદ્યાર્થી સંબંધિત ઓડિયો-વીડિયો રેકોર્ડ.

આ પણ વાંચો : બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન ભંગારનો વેપારી..., જાસૂસી કાંડમાં 14માં આરોપીની ધરપકડ

Tags :