Get The App

અમેરિકામાં ‘ભારતીય દાદી’ની પોલીસે અટકાયત કરતા હોબાળો, ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ સામે લોકોમાં આક્રોશ

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં ‘ભારતીય દાદી’ની પોલીસે અટકાયત કરતા હોબાળો, ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ સામે લોકોમાં આક્રોશ 1 - image


USA Indian Origin Harjeet Kaur Detained: અમેરિકાની એજન્સી ‘ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ’ (ICE) માં રુટિન હાજરી નોંધાવવા ગયેલાં એક 73 વર્ષીય ભારતીય મૂળના શીખ મહિલા હરજીત કૌરને અચાનક અટકાયતમાં લેવામાં આવ્યા બાદ ત્યાંના ભારતીય સમુદાયમાં તીવ્ર નારાજગી અને ચિંતા ફેલાઈ છે. કેલિફોર્નિયાના ઇસ્ટ બે વિસ્તારના હર્ક્યુલસ શહેરમાં ત્રણ દાયકાથી વસવાટ કરનારાં હરજીત પર કોઈ ગુનાનો આરોપ નથી, છતાં એમને અટકાયતમાં લેવાતાં ઉશ્કેરાયેલા શીખ સમુદાયે 'અમારી દાદીને છોડો' અને 'દાદીને ઘરે લાવો' જેવા નારા લખેલા પ્લેકાર્ડો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઘટનાક્રમ શું હતો?

8 સપ્ટેમ્બરના રોજ, હરજીત કૌર સાન ફ્રાન્સિસ્કો સ્થિત ICE કાર્યાલયમાં તેમની રુટિન હાજરી નોંધાવવા ગયા હતાં. તેમના પરિવારના મતે, આ નિયમિત ચેક-ઇન દરમિયાન જ તેમને અણધારી રીતે હિરાસતમાં લેવામાં આવ્યાં. બીજા દિવસે તેમને બેકર્સફિલ્ડ ખાતેના એક અટકાયત કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં. પરિવાર જણાવે છે કે છેલ્લા 13 વર્ષથી હરજીત દર છ મહિને ICEને તેમની હાજરીની માહિતી વિશ્વાસપૂર્વક આપતા આવ્યાં છે અને તેમનો કોઈ ગુનાઇત ઇતિહાસ નથી.

હરજીતની સંઘર્ષપૂર્ણ જીવનયાત્રા 

હરજીત કૌર 1992માં ભારતથી અમેરિકા ગયા હતાં. સિંગલ પેરેન્ટ તરીકે તેમણે એકલે હાથે બે પુત્રોને મોટા કર્યા. 2012માં તેમની આશ્રય અરજી નકારાત્મક ઠર્યા બાદથી તેઓ ICEની દેખરેખ હેઠળ છે. બર્કલે શહેરમાં એક પારિવારિક દુકાનમાં બે દાયકાથી વધુ સમય સુધી સીવણકામ કરીને તેમણે પોતાના પરિવારનું ભરણપોષણ કર્યું. તેમની પુત્રવધૂ મનજીત કૌરે જણાવ્યું હતું કે, હરજીત હંમેશાં કાયદાનું પાલન કરતા આવ્યાં છે.

આ પણ વાંચોઃ 20 હજાર લોકોએ રાતોરાત ગાઝા છોડ્યું: ઈઝરાયલ મોટો હુમલો કરે તેવો ફફડાટ; અનેકના મોત

સમુદાયનો એકસૂત્રે વિરોધ અને આંદોલન

હરજીતની અટકાયતથી સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે. શુક્રવારે એલ સોબ્રાન્ટે ખાતે લગભગ બસો લોકોનો એક મોટો સમૂહ પ્રદર્શન માટે એકઠો થયો હતો. આ પ્રદર્શનનું આયોજન હરજીતના પરિવાર, સ્થાનિક ‘શીખ સેન્ટર’ અને 'ઈન્ડિવિઝિબલ વેસ્ટ કોન્ટ્રા કોસ્ટા' નામક હિમાયતી જૂથ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકર્તાઓએ હરજીતની મુક્તિ માટે નારા લગાવ્યા હતા. 

અમેરિકામાં ‘ભારતીય દાદી’ની પોલીસે અટકાયત કરતા હોબાળો, ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ સામે લોકોમાં આક્રોશ 2 - image

રાજકીય નેતાઓનો ટેકો અને હસ્તક્ષેપ

આ મુદ્દે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરના રાજકીય નેતાઓનું ધ્યાન પણ આકર્ષાયું છે. કેલિફોર્નિયાના સેનેટર જેસી એરેગ્યુઇને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘ICE દ્વારા ધરપકડ કરાયેલા 70%થી વધુ લોકો પર કોઈ ગુનાનો આરોપ નથી. સત્તાવાળા હવે શાંતિપ્રિય દાદાઓ-દાદીઓ પાછળ પડી ગયા છે.’ કોંગ્રેસમેન જોન ગારામેન્ડીએ હરજીતની અટકાયતને ટ્રમ્પ પ્રશાસનની ‘ખોટી પ્રાથમિકતા’ ગણાવી છે અને ICEને ‘વધુ જોખમી’ લોકોને અટકાયતમાં લેવાની વિનંતી કરી છે. 

સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ અને અનિશ્ચિત ભવિષ્ય

પરિવારે હરજીત કૌરના સ્વાસ્થ્યને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેઓ થાઇરોઇડ, ઘૂંટણના દુખાવા, માઇગ્રેન અને તણાવ જેવી સમસ્યાઓથી પીડાય છે. પરિવારનો આરોપ છે કે અટકાયત દરમિયાન તેમને તેમની જરૂરી દવાઓ સમયસર નથી મળી રહી. પરિવારે કહ્યું હતું કે, ‘ફોન પર વાત થઈ ત્યારે હરજીત રડતા હતાં અને મદદ માટે વિનંતી કરતા હતાં.’ હરજીતની મુક્તિ માટે પ્રયત્નશીલ પરિવાર અને સમુદાય કાનૂની રીતે લડત લડવા અને ફેડરલ સરકાર પર દબાણ બનાવવા માટેની કોશિશ કરી રહ્યા છે. આ કિસ્સો અમેરિકાની વિવાદાસ્પદ ઇમિગ્રેશન નીતિઓ પર ફરી એકવાર પ્રશ્ન ઊભો કરે છે.

અમેરિકામાં ‘ભારતીય દાદી’ની પોલીસે અટકાયત કરતા હોબાળો, ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ સામે લોકોમાં આક્રોશ 3 - image

Tags :