World

હમાસ અડીને અટક્યું : શસ્ત્રો સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો : હવે ડોનાલ્ડ ટ્રમ્પ શું પગલું ભરશે ?

By GS TEAM
9 Feb 20262 mins read
હમાસ અડીને અટક્યું : શસ્ત્રો સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો : હવે ડોનાલ્ડ ટ્રમ્પ શું પગલું ભરશે ?

- હમાસના વિદેશ મંત્રી, ખાલીદ મશાવે કહ્યું : 'નિ:શસ્ત્રીકરણ એ કોઈ વિકલ્પ નથી : શસ્ત્રો મુકી દઈએ તો અમે ઈઝરાયલના સરળ શિકાર બની જઈશું'

દોહા : એક તરફ ગાઝામાં યુદ્ધ વિરામ છે તેમ કહેવાય છે. તો બીજી તરફ ઈઝરાયલે ગાઝાપટ્ટી પર કબજો જમાવી દીધો છે. તે ગાઝાપટ્ટીમાંથી હઠે તેવી કોઇ નિશાની પણ મળતી નથી. તેવામાં હમાસના વિદેશ મંત્રી ખાલીદ મશાવે અહીં (દોહામાં) અલ-જજીરા ફોરમમાં બોલતાં નિ:શસ્ત્રીકરણની માગણી મૂળથી ફગાવી દીધી હતી. તેઓએ કહ્યું કે, એક તરફ ઈઝરાયલનો કબજો છે, તેવામાં અમે શસ્ત્રો છોડી દઈએ તો અમે ઈઝરાયલના સરળ-શિકાર બની જઈએ.

મશાલે આ વિરોધને રાષ્ટ્રોનો અધિકાર કહેતાં કહ્યું હતું કે, જ્યાં સુધી ગાઝાપટ્ટી ઉપર ઈઝરાયલનો કબજો ચાલુ રહેશે ત્યાં સુધી તેનો સામનો થતો જ રહેશે.

મશાલે આ નિવેદન તેવે સમયે કર્યું છે કે, જ્યારે અમેરિકા અને ઈઝરાયલ ગાઝામાં હમાસનાં નિ:શસ્ત્રીકરણ ઉપર ભાર મુકી રહ્યા છે. જ્યારે હમાસ લાંબા સમયનો યુદ્ધ વિરામ (૫ થી ૧૦ વર્ષ)નો સૂચવવા સાથે શસ્ત્રો જાહેર કરવા સામે પણ વિરોધ કર્યો છે.

ખાલીદ મશાલે કહ્યું કે, 'અમારા અનેક લોકો તેમના (ઈઝરાયલના) કબજા નીચે છે ત્યારે નિ:શસ્ત્રીકરણની વાત કરવી તે અમારા લોકોને ઈઝરાયલ દ્વારા સરળતાથી ખત્મ કરવાનો પરવાનો જ આપી દે છે.

આ યુદ્ધ ફરિવાર ન થાય તે માટે પ્રયાસો ચાલે છે. હમાસે કતાર, તુર્કી અને ઇજીપ્ત જેવા માધ્યમથી તથા અમેરિકાના અધિકારીઓ સાથે, અપ્રત્યક્ષ સંવાદ દ્વારા પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. પરંતુ કાયમી શાંતિ સ્થાપવા માટે હજી ઘણા પ્રયાસો કરવા પડશે. તેમ પણ મશાલે કહ્યું હતું. સાથે તેવી સ્પષ્ટતા કરી હતી કે, તે માટે નિ:શસ્ત્રીકરણનો દ્રષ્ટિકોણ જ બિન જરૂરી છે.