World

ઓક્ટો. 7, 2003ના દિવસે હમાસે યુવતીઓના પણ અપહરણ કર્યા : તેઓને શિકાર બનાવી તે કૃત્ય યુદ્ધ-શસ્ત્ર ગણતા

By GS TEAM
9 Jul 20252 mins read
ઓક્ટો. 7, 2003ના દિવસે હમાસે યુવતીઓના પણ અપહરણ કર્યા : તેઓને શિકાર બનાવી તે કૃત્ય યુદ્ધ-શસ્ત્ર ગણતા

- હમાસ ઉપર ઈઝરાયલનો એક વધુ આક્ષેપ

- આવા દુષ્કૃત્યો તેઓની પરંપરા છે : અપહૃત પુરૂષોને નગ્ન કરી બેસુમાર માર મારવામાં આવતો હતો : મુક્ત થયેલા પુરૂષે કહ્યું

તેલ અવીવ (ઈઝરાયલ) : હમાસ-ઈઝરાયલ વચ્ચે શાંતિ મંત્રણા શરૂ કરવાના માહોલ વચ્ચે ઈઝરાયલે આંચકાજનક રીપોર્ટ રજૂ કર્યો છે તેમાં જણાવ્યું છે કે, ૭, ઓક્ટો. ૨૦૨૩ના દિવસે હમાસે અપહૃત કરેલા ૧૨૦૦ ઈઝરાયલી નાગરિકો પૈકી મોટા ભાગની યુવતીઓનાં જ અપહરણ કર્યા હતા અને તેઓ ઉપર ગુજારાતા અત્યાચારોને તેઓ યુદ્ધનું એક શસ્ત્ર જ ગણતા હતા.

આ માહિતી ઈઝરાયલી અને યુએનની આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાએ તેના 'દીનાહ પ્રોજેક્ટ' નામક કાર્યક્રમ દ્વારા રજૂ કરાયો હતો. તેમાં બચી ગયેલાઓનાં નિવેદનો, મુક્ત થયેલા બંદીવાનોના સૌથી પહેલાં પ્રત્યાઘાતો, તેઓની મુલાકાત સમયે તેમણે આપેલા નિવેદનો ટાંકવામાં આવ્યાં છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ૭મી ઓક્ટો. ૨૦૨૩ના દિવસે દક્ષિણ ઈઝરાયલમાં ચાલતા એક કાર્યક્રમ દરમિયાન આશરે ૧૨૦૦ જેટલા ઈઝરાયલી નાગરિકોના મૃત્યુ થયા હતા. ૨૫૦ જેટલાને બંદીવાન બનાવી દેવાયા હતા. આ બંદિવાનોમાં મોટાભાગની યુવતીઓ હતી જેમની ઉપર અમાનુષ બળાત્કાર થતા હતા. અનેક વખત ચાર-ચાર બળાત્કારો થતા હતા. તેવું લાગતું હતું કે, હમાસ આ દુષ્કૃત્ય પરંપરાને 'યુદ્ધ-શસ્ત્ર' તરીકે વાપરવા માંગતા હતા, તો બીજી તરફ અપહૃત પુરૂષોને નગ્ન કરી બેસુમાર માર મારતા હતા.

નિરીક્ષકો કહે છે કે એક તરફ હમાસ-ઈઝરાયલ યુદ્ધ બંધ કરવા શાંતિ મંત્રણાની વાત ચાલે છે ત્યારે જ પ્રસિદ્ધ થયેલો આ રીપોર્ટ આંચકાજનક જરૂર છે.