World

ગાઝામાં શાંતિ સ્થપાશે ? યુદ્ધ વિરામ પ્રસ્તાવ સ્વીકારવા હવે હમાસ તૈયાર છે : દડો નેતન્યાહૂના કોર્ટમાં છે

By GS TEAM
19 Aug 20253 mins read
ગાઝામાં શાંતિ સ્થપાશે ? યુદ્ધ વિરામ પ્રસ્તાવ સ્વીકારવા હવે હમાસ તૈયાર છે : દડો નેતન્યાહૂના કોર્ટમાં છે

- ગાઝાપટ્ટીમાં તો બાળકો ખોરાક માટે વલખા મારી રહ્યાં છે

- અમેરિકાના સમર્થનથી ઇજીપ્ત અને કટાર તે યુદ્ધમાં શાંતિ સ્થાપવા મધ્યસ્થી બની રહ્યા છે : તે બંને શાંતિ માટે સતત પ્રયત્નશીલ છે

નવી દિલ્હી : દુનિયામાં બે મોરચા ઉપર યુદ્ધ ચાલી રહ્યા છે. એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે, તો બીજી તરફ ઇઝરાયલ-હમાસ વચ્ચે. તેનો ભોગ બંને તરફ આમ જનતા બની રહી છે. ટ્રમ્પ તે બંને યુદ્ધો અટકાવવા સતત પ્રયત્નો કરે છે. દરમિયાન ગાઝામાંથી મહત્વના સમાચાર આવ્યા છે કે, હમાસે નવા યુદ્ધ વિરામ પ્રસ્તાવ સ્વીકાર્યો છે. એએફપી ન્યૂઝ જણાવે છે કે, હમાસના એક સિનિયર નેતાએ ૧૮ ઓગસ્ટ અને સોમવારે આ માહિતી આપી હતી.

ગાઝા યુદ્ધ વિરામ માટે ઇજીપ્ત અને કટાર મધ્યસ્થી બન્યા છે. તેમને અમેરિકાનું સમર્થન છે. તેઓ તેવો માર્ગ શોધી રહ્યા છે કે ત્યાં સ્થાયી યુદ્ધ વિરામ થઈ શકે. જો કે તેમના તે પ્રયત્નો હજી સફળ થયા નથી. આથી ગાઝાપટ્ટીમાં અતિકરૂણ માનવીય સ્થિતિ ઉપસ્થિત થઈ છે. પરંતુ હવે માર્ગ નીકળવાની આશા છે.

મધ્યસ્થીઓનો નવો પ્રસ્તાવ મળ્યા પછી હમાસના એક વરિષ્ટ નેતા વાસીમ નઇમે ફેસબુક પર લખ્યું, અમારા આંદોલને મધ્યસ્થીના નવા પ્રસ્તાવ અંગે સહમતિ દર્શાવી છે. આ યુદ્ધની આગ બુઝાવવા માટે અમે અલ્લાહને પ્રાર્થના કરીએ છીએ કે, તેમાં કોઈ સંશોધન (ફેરફાર) સિવાય સ્વીકારવામાં આવે.

ઇજીપ્તે કહ્યું : તેણે અને કટારે ઇઝરાયલને નવો પ્રસ્તાવ મોકલી આપ્યો છે. હવે દડો તેના પટમાં છે. જો કે ઇઝરાયેલે હજી તે પ્રસ્તાવની સ્વીકૃતિ માટે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ઇજીપ્તના સત્તાવાર મીડીયા આઉટલેટ અલ કાહીરાના એક રિપોર્ટ પ્રમાણે આ સમજૂતી નીચે ૬૦ દિવસનો યુદ્ધ-વિરામ  અમલી કરવો. દરમિયાન ઇઝરાયલે ગાઝામાં હુમલા ન કરવા. ગાઝામાં બંદીવાન રખાયેલા ઇઝરાયલી બંધકો પૈકી કેટલાકને મુકત કરવામાં આવે તે સામે ઇઝરાયેલે પેલેસ્ટાઇની કેદીઓને મુક્ત કરે.

તે સર્વવિદિત છે કે હમાસે ૭ ઓકટોબર ૨૦૨૩ના દિવસે દક્ષિણ ઇઝરાયલમાં ચાલી રહેલા એક ઉત્સવ દરમિયાન ઓચિંતો હુમલો કરી, આશરે ૧૨૦૦ જેટલા યહુદીઓની હત્યા કરી હતી અને ૨૫૧ જેટલા ઇઝરાયલીઓને બંધક બનાવ્યા હતા જે સાથે કેટલાક અમેરિકનો અને યુરોપીયનો પણ હતા. હજી સુધીમાં છેલ્લે ૪૯ બંધકો રહ્યા હતા. જે પૈકી ૨૭ના મૃત્યુ પણ થયા હતા.

આ પછી ઇઝરાયલના પ્રચંડ હુમલા સાથે બીજા જ દિવસથી યુદ્ધ શરૂ થયું. ઇઝરાયલને સોંપેલા વર્તમાન શાંતિ પ્રસ્તાવ અંગે ઇઝરાયલે કહ્યું હતું કે તે યુદ્ધ ત્યારે જ બંધ કરશે કે, જ્યારે હમાસ તમામ બંદીવાનોને મુક્ત કરે, શસ્ત્રો ત્યાગી દે અને ગાઝાનું વિસૈન્યીકરણ કરે.

આમ છતાં, દુનિયાની નજર નેતન્યાહૂ અને ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર છે. ટ્રમ્પ ત્યાં શાંતિ સ્થાપવા માટે નેતન્યાહૂને સમજાવી, પોતાને શાંતિદૂત તરીકે દર્શાવવા અને યુદ્ધ-વિરામ પછી યુદ્ધ-સમાપ્તિ સુધીની ક્રેડિટ લેવા શા પગલાં લેશે ? નેતન્યાહૂ યુદ્ધ-બંધ કરવા તૈયાર થશે ?

એક તરફ વિશ્લેષકો આ પ્રશ્નો ચર્ચી રહ્યા છે, ત્યાં બીજી તરફ ગાઝાપટ્ટીમાં અનેક લોકો, અનેક બાળકો, ભૂખ્યા પેટે જે કૈં ખાદ્ય-પદાર્થો, અમેરિકા અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી મળે તે મેળવવા વલખા મારી રહ્યા છે.