Get The App

ઓબામા, નેતાન્યાહૂ, બિલ ગેટ્સ, બેઝોસ, મસ્ક, જેક ડોર્સી સહિતની સેલિબ્રિટીના ટ્વીટર એકાઉન્ટ્સ હેક

- હેકિંગ પછી ટ્વીટર ડાઉન થયું, પાસવર્ડ રીસેટ કરવામાં મુશ્કેલી

- હેકર્સે સેલિબ્રિટીઝના એકાઉન્ટમાંથી બિટકોઈન્સમાં દાનની યુઝર્સ પાસે માગણી

Updated: Jul 16th, 2020

GS TEAM

Google News
Google News
ઓબામા, નેતાન્યાહૂ, બિલ ગેટ્સ, બેઝોસ, મસ્ક, જેક ડોર્સી સહિતની સેલિબ્રિટીના ટ્વીટર એકાઉન્ટ્સ હેક 1 - image


ટ્વીટર માટે ખૂબ જ ખરાબ દિવસ રહ્યો, અમે બધા આઘાતમાં છીએ : ટ્વીટરના સીઈઓ જેકની પ્રતિક્રિયા

(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા. 16 જુલાઇ, 2020, ગુરૂવાર

હેકર્સે વિખ્યાત લોકોના ટ્વીટર અકાઉન્ટ્સ હેક કર્યા હતા. પૂર્વ પ્રમુખ બરાક ઓબામા, ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર જોઈ બિડેન, માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ, ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂ, ઉદ્યોગપતિ વોરેન બફેટ, ટ્વીટરના સીઈઓ જેક ડોર્સી ઉપરાંત એપલ, ઉબેર સહિતના જાણીતા ટ્વીટર અકાઉન્ટ્સ હેક થયા હતા અને હેકર્સે એ એકાઉન્ટ્સમાંથી જ ટ્વીટ કરીને બિટકોઈન્સમાં ખંડણી માગી હતી.

હેકર્સે બિટકોઈન્સમાં ખંડણીની માગણી કરી હતી. એ માટે હેકર્સે જે તે સેલિબ્રિટીના અકાઉન્ટમાંથી ટ્વીટ કરી હતી. બિલ ગેટ્સના અકાઉન્ટમાંથી ટ્વીટ થયું હતું : 'બધા મને નાણા પાછા આપવાનું કહે છે, તો હવે એનો સમય થઈ ગયો છે. જે મને નીચેના બિટકોઈન્સ એડ્રેસમાં 30 મિનિટમાં એક હજાર ડોલર આપશે, તેને હું બે હજાર ડોલર આપીશ.' એ પછી નીચે બિટકોઈન્સમાં પેમેન્ટ કરવાની લિંક પણ અપાઈ હતી.

ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર જોઈ બિડેનના અકાઉન્ટમાંથી ટ્વીટ કરીને કહેવાયું હતું : 'હું સમાજને પાછું આપી રહ્યો છું. નીચેની લિંકમાં જે મને 1000 ડોલર આપશે તેને હું 2000 ડોલર પાછા મોકલીશ. આ માત્ર 30 મિનિટ માટે જ હશે.' ટ્વીટની નીચે લિંક મૂકાઈ હતી.

પૂર્વ પ્રમુખ બરાક ઓબામા, ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂ, ઉદ્યોગપતિ વોરેન બફેટ સહિતની સેલિબ્રિટિઝના અકાઉન્ટમાંથી પણ આવી જ ટ્વીટ થઈ હતી. ટ્વીટ કર્યા પછી થોડી મિનિટોમાં જ હેકર્સે ટ્વીટ ડિલિટ કરી નાખી હતી, પરંતુ એવો અંદાજ છે કે ત્યાં સુધીમાં સેલિબ્રિટિઝના અસંખ્ય ફોલોઅર્સે બિટકોઈન્સની લિંકમાં નાણા ટ્રાન્સફર કરી દીધા હતા.

તમામ અકાઉન્ટ્સમાં એક સરખી પેટર્ન હતી. બધામાંથી એક હજાર ડોલરને બદલે 2000 ડોલરના બિટકોઈન્સ ટ્રાન્સફર કરવાનો જૂઠો વાયદો કરાયો હતો. મોટાભાગના એવા અકાઉન્ટ્સને નિશાન બનાવાયા હતા, જેમના ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં હતી. જે અકાઉન્ટથી ટ્વીટ થાય તો એક મિનિટમાં કરોડો યુઝર્સ સુધી પહોંચે તેને ખાસ નિશાન બનાવાયા હતા.

ટ્વીટરના સીઈઓ જેક ડોર્સી ખુદ પણ હેકર્સના નિશાના પર આવ્યા હતા. જેક ડોર્સીના અકાઉન્ટમાંથી પણ આવી જ ટ્વીટ થઈ હતી. એ પછી તુરંત ટ્વીટરની સપોર્ટ ટીમે ટ્વીટ કરીને સુરક્ષાની દેખરેખ રાખી રહ્યા હોવાનું જણાવ્યું હતું અને સાવધાન રહેવાની સલાહ આપી હતી. ઘટના પછી તુરંત ટ્વીટરે થોડા કલાકો માટે રીટ્વિટનું ફંકશન ડિસેબલ કરી દીધું હતું.

ટ્વીટરના સીઈઓ જેક ડોર્સીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અમારા માટે આજનો દિવસ ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો. અમે ખુદ આ ઘટનાને સમજી શક્યા નથી. તેની તપાસ થઈ રહી છે. અમારી આખી ટીમ આઘાતમાં છે. ઘટના કેવી રીતે બની તે અંગે જે માહિતી મળશે તેની બધી જ જાણકારી તમામ યુઝર્સ સાથે શેર કરાશે. હેકિંગ પછી એકાએક ટ્વીટર ડાઉન થઈ ગયું હતું. એટલું જ નહીં, નવો પાસવર્ડ રિસેટ પણ થઈ શકતો ન હતો. ટ્વીટ કરવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ પણ દુનિયાભરના યુઝર્સે કરી હતી.

કોના અકાઉન્ટ્સ હેક થયા હતા?

બરાક ઓબામા, અમેરિકન સિંગર કેન્યે વેસ્ટ, કિમ કાર્દાશિયન, વોરેન બફેટ, જેફ બેઝોસ, માઈકલ બ્લૂમબર્ગ, જોઈ બિડેન, બિલ ગેટ્સ, જેક ડોર્સી, ઈલોન મસ્ક, નેતાન્યાહૂ ઉપરાંત એપલ અને ઉબર જેવી કંપનીઓના ઓફિશ્યિલ એકાઉન્ટ્સ હેક થયા હતા.

અગાઉ પણ એક સાથે અસંખ્ય ટ્વીટર અકાઉન્ટ્સ હેક થયા હતા  

જેક ડોર્સીના અકાઉન્ટમાંથી હેકર્સે 2016માં ટ્વીટ કર્યું હતું : 'તમારી સુરક્ષા તપાસો' 

વૉશિંગ્ટન, તા. 16

યુઝર્સની સિક્યુરિટી મુદ્દે ટ્વીટરની ટીકા થઈ રહી છે. ખાસ તો ટ્વિટરના વેરિફાય અકાઉન્ટ્સ હેક થતાં હોય એવા બનાવો વધ્યા છે. છેલ્લાં વર્ષોમાં અસંખ્ય અકાઉન્ટ્સ હેક થઈ ચૂક્યા છે. જાન્યુઆરી-2020માં નેશનલ ફૂટબોલ લીગની ટીમના અસંખ્ય અકાઉન્ટ્સ હેક થયા હતા. હેકર્સે એક મેસેજ મૂક્યો હતો : અમે એ તપાસ કરતા હતા કે બધું જ અહીં હેક થઈ શકે છે.

ટ્વીટરે બચાવ કરતા કહ્યું હતું કે થર્ડ પાર્ટીના પ્લેટફોર્મ પરથી ટ્વીટર એકાઉન્ટ્સ હેક થયા હતા. એ પહેલાં 2019ના ઓગસ્ટ માસમાં જેક ડોર્સીના અકાઉન્ટમાંથી જ વાંધાજનક અને રંગભેગને લગતી ટ્વીટ્સ થઈ હતી. એ પછી અડધા કલાક સુધી ટ્વિટર ડાઉન રહ્યું હતું. ટ્વીટરે બચાવમાં કહ્યું હતું કે અકાઉન્ટ સાથે જે મોબાઈલ નંબર જોડયો હતો તે ટેલિકોમ કંપનીની બેદરકારીને લીધે લીક થયો હોવાથી અકાઉન્ટ હેક થયું હતું.

2016માં પણ ડોર્સીનું અકાઉન્ટ્સ હેક થયું હતું. જેમાં ઓવરમાઈન નામના હેકર્સના ગુ્રપે લખ્યું હતું : તમારી સુરક્ષા ચેક કરો. 2016માં જ હેકર્સે 3.2 કરોડ યુઝર્સના પાસવર્ડ ડાર્ક વેબમાં વેંચવા મૂક્યા હતા.જોકે, ટ્વીટરે એનો ઈનકાર કર્યો હતો અને તેમની સુરક્ષા બરાબર હોવાનું કહ્યું હતું.

2015માં અમેરિકાના લશ્કરી અકાઉન્ટ્સમાં આઈએસના મેસેજ ટ્વીટ થયા હતા. આતંકવાદી સંગઠન આઈએસના સમર્થનમાં થયેલી પોસ્ટને તુરંત ડિલિટ કરી દેવામાં આવી હતી. ટ્વીટરે ત્યારે પણ એવો બચાવ કર્યો હતો કે જે તે અકાઉન્ટ્સ માટે વપરાયેલા ડિવાઈઝને હેક કરાયા હતા. તેમનું સર્વર સુરક્ષિત છે.

Tags :