Get The App

એચ-1બી વિઝા ફી વાર્ષિક નહીં એક જ વખત આપવાની : વ્હાઇટ હાઉસ

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
એચ-1બી વિઝા ફી વાર્ષિક નહીં એક જ વખત આપવાની : વ્હાઇટ હાઉસ 1 - image


- ટેરિફ બાદ હવે વિઝા ફી મુદ્દે ટ્રમ્પે ફેરવી તોળ્યું

- અગાઉ ટ્રમ્પની હાજરીમાં વાણિજ્ય મંત્રી હોવર્ડે દર વર્ષે ફી વસુલવાની જાહેરાત કરતા કંપનીઓ દોડતી થઇ ગઇ હતી

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં અમેરિકાએ ટેરિફ બાદ વધુ એક વિવાદ મુદ્દે યુટર્ન લીધો છે. અગાઉ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકામાં નોકરી માટે આવતા લોકોને કામ પર રાખવા હોય તો કંપનીઓએ પ્રત્યેક એચ-૧બી વિઝા અરજીએ વર્ષે એક લાખ ડોલર ચુકવવા પડશે. જોકે આ મુદ્દે ભારે વિવાદ બાદ અંતે વ્હાઇટ હાઉસે પલટી મારી છે અને કહ્યું છે કે એચ-૧બી વિઝા ફી એક જ વખત વસુલવામાં આવશે. અને તે પણ નવા અરજદારોને લાગુ રહેશે, હાલના એચ-૧બી વિઝાધારકોને લાગુ નહીં રહે. 

નવી ફી આગામી લોટરી રાઉન્ડમાં લાગુ રહેશે, તાજેતરના વિઝાધારકો કે રિન્યૂઅલ કરાવનારા ચિંતા ના કરે ઃ પ્રવક્તા કેરોલીન લેવિટ્ટ

અમેરિકાના પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પ અને વાણિજ્ય મંત્રીએ સાથે મળીને વ્હાઇટ હાઉસથી વિઝા અંગેના નવા આદેશ જારી કર્યા હતા. મીડિયા સામે જ ટ્રમ્પે આ આદેશ પર સહી કરી હતી અને તે અંગે ખુલાસા પણ કર્યા હતા. તે સમયે પત્રકારોના સવાલના જવાબમાં કોમર્સ મંત્રી હોર્વર્ડ લુટનિકે કહ્યું હતું કે છ વર્ષ સુધી દર વર્ષે કંપનીએ પ્રત્યેક વિદેશી કર્મચારી દીઠ એચ-૧બી વિઝાની ફી ચુકવવી પડશે જે એક લાખ ડોલર હશે. બાદમાં વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલીન લેવિટ્ટે કહ્યું હતું કે આ વાર્ષિક ફી નથી, આ માત્ર એક વખત ચુકવવા પાત્ર થતી ફી છે જે માત્ર કંપની દ્વારા થતી પિટિશન સમયે ચુકવવાની હોય છે. પિટિશન કંપનીઓ દ્વારા સારી કુશળતા ધરાવતા કર્મચારીઓને રાખવા માટેની એક વિનંતી હોય છે. 

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે હાલમાં જે પણ વ્યક્તિ એચ-૧બી વિઝા ધરાવે છે અને અમેરિકાની બહાર છે તેની પાસેથી અમેરિકા પરત ફરે ત્યારે એક લાખ ડોલર વસુલવામાં નહીં આવે. આ પહેલા અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડે કહ્યું હતું કે આ વાર્ષિક ફી રહેશે જોકે તેને લઇને હાલ પણ વિચારણા ચાલી રહી છે. જ્યારે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલીને વધુમાં કહ્યું હતું કે એચ-૧બી વિઝાધારકો અગાઉની જેમ જ અમેરિકાની બહાર જઇ શકશે અથવા પરત આવી શકશે. નવી ફી માત્ર આગામી એચ-૧બી લોટરી રાઉન્ડમાં લાગુ રહેશે, તાજેતરના વિઝાધારકો કે રિન્યૂઅલ કરાવનારાને લાગુ નહીં પડે. અગાઉ જ્યારે વાણિજ્ય મંત્રીએ વાર્ષિક એક લાખ ડોલર વસુલવાની વાત કરી ત્યારે અમેરિકાની કંપનીઓમાં દોડધામ થઇ ગઇ હતી. હવે ભિસમાં આવેલી અમેરિકન સરકારે યુટર્ન લેતા કહ્યું છે કે આ કોઇ વાર્ષિક ફી નથી. એક વખત જ ચુકવવાની રહેશે. આગામી લોટરી રાઉન્ડમાં તેનો અમલ કરાશે.  

Tags :