Get The App

નાઇજીરિયાના ગામ પર બંદૂકધારીઓએ કર્યો હુમલો, 30 લોકોના મોત, અનેકનું અપહરણ

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
નાઇજીરિયાના ગામ પર બંદૂકધારીઓએ કર્યો હુમલો, 30 લોકોના મોત, અનેકનું અપહરણ 1 - image


Gunmen Attack On Nigeria : નાઈજીરિયાના ઉત્તરી નાઈજર રાજ્યમાં હિંસા અને અસુરક્ષાની એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. ભારે હથિયારોથી સજ્જ બંદૂકધારીઓએ એક ગામ પર હુમલો કરી ઓછામાં ઓછા 30 ગ્રામજનોને મોતને ઘાટ ઉતારી દીધા છે, જ્યારે અનેક લોકોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ વિસ્તાર લાંબા સમયથી ગુનાખોરી અને સશસ્ત્ર જૂથોની હિંસા ચાલી રહી છે.

રહેવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો

મીડિયા રિપોર્ટ મુજબ, આ હુમલો શનિવારે સાંજે નાઈજર રાજ્યના બોરગુ સ્થાનિક સરકારી વિસ્તારમાં આવેલા કસુવાન-દાજી ગામમાં થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરો અચાનક ગામમાં ત્રાટક્યા હતા અને રહેવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જીવ બચાવવા માટે લોકો આમ-તેમ ભાગવા લાગ્યા હતા, પરંતુ આતંકીઓએ કોઈને છોડ્યા નહોતા.

બજાર અને અનેક ઘરોમાં આગ ચાંપી

હુમલાખોરોએ માત્ર ગોળીબાર જ નહીં, પણ ગામના સ્થાનિક બજાર અને અનેક ઘરોને પણ આગ લગાડી દીધી હતી. આ ભીષણ આગજનીમાં ગામમાં ભારે તબાહી સર્જાઈ છે અને અનેક પરિવારો બેઘર થઈ ગયા છે. હુમલા બાદ આખા ગામમાં માત્ર ધુમાડો અને બળી ગયેલી ઇમારતોના અવશેષો જ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ટ્રમ્પે વેનેઝુએલામાં અફઘાનિસ્તાન જેવી ભૂલ કરી ? આ પાંચ પડકારો વધારશે અમેરિકાનું ટેન્શન

અપહરણ કરાયેલા લોકોની શોધખોળ

નાઈજર રાજ્ય પોલીસના પ્રવક્તા વાસિયુ અબિયોદુને જણાવ્યું કે, સુરક્ષા દળોને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે અને અપહરણ કરાયેલા લોકોની શોધખોળ માટે અભિયાન શરૂ કરાયું છે. જોકે, સ્થાનિક ગ્રામજનોએ પોલીસના આ દાવાઓને પોકળ ગણાવ્યા છે. લોકોનો આરોપ છે કે રવિવાર સુધી ગામમાં કોઈ સુરક્ષા બળ પહોંચ્યું નહોતું અને હુમલા બાદ તેમને અસહાય છોડી દેવામાં આવ્યા હતા.

મૃત્યુઆંક વધવાની આશંકા 

પોલીસે અત્યાર સુધીમાં 30 લોકોના મોતના સમાચારને પુષ્ટિ આપી છે, પરંતુ સ્થાનિકોના મતે આ આંકડો 37થી વધુ હોઈ શકે છે. હજુ પણ ઘણા લોકો લાપતા છે. અપહરણ કરાયેલા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હોવાની આશંકા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ટ્રમ્પની ધમકી બાદ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ટેન્શનમાં, શરૂ કરી કાર્યવાહી