Get The App

પાકિસ્તાની સેના પર અફઘાનિસ્તાનના હુમલાથી ખાડી દેશોમાં ખળભળાટ, જાણો ભારતે શું કહ્યું

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાની સેના પર અફઘાનિસ્તાનના હુમલાથી ખાડી દેશોમાં ખળભળાટ, જાણો ભારતે શું કહ્યું 1 - image

Pakistan Afghanistan Border Tension: પાકિસ્તાન અને તાલિબાનના નેતૃત્ત્વ હેઠળના અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. પાકિસ્તાને કાબુલ પર હવાઈ હુમલો કર્યા બાદ અફઘાનિસ્તાનની સેનાએ ડ્યુરન્ડ લાઇન (Durand Line) પર પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કરીને વળતો જવાબ આપ્યો છે. આ હિંસા કુનાર અને હેલમંડ પ્રાંતોમાં ફેલાઈ ગઈ છે. ભારત સહિત ઘણાં ખાડી દેશોએ સરહદ પર તાત્કાલિક શાંતિ સ્થાપિત કરવા માટે અપીલ કરી છે.

પાકિસ્તાનનો તર્ક અને ભારત પર ખોટા આરોપો

અફઘાનિસ્તાન પર હુમલા પાછળનું કારણ સમજાવતા પાકિસ્તાની સેનાએ કહ્યું કે, 'પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાનમાં ઘણા ઠેકાણા બનાવવામાં આવી રહ્યા છે, જેના પુરાવા પણ મળી આવ્યા છે. અમે જાન અને માલની સુરક્ષા માટે આ જરૂરી પગલું ભર્યું છે.' જો કે, આ તણાવ વચ્ચે પાકિસ્તાને ભારત પર રાજકીય નિવેદનબાજી કરીને અફઘાનિસ્તાનને ટેકો આપવાનો આરોપ લગાવ્યો છે.

ભારતે આપ્યો સ્પષ્ટ જવાબ

ભારતે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. નવી દિલ્હીએ ભારપૂર્વક કહ્યું છે કે, 'અમે અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં દખલ કરતા નથી.' ભારતે સતત પ્રાદેશિક સાર્વભૌમત્વ અને શાંતિના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. આ તણાવને કારણે સમગ્ર પ્રદેશમાં અસ્થિરતાનો ભય વધી ગયો છે. આંતરરાષ્ટ્રીય સમુદાય બંને દેશોને સંયમ જાળવવા અને વાટાઘાટો દ્વારા આ મુદ્દાને ઉકેલવા માટે સતત અપીલ કરી રહ્યો છે.

પાકિસ્તાનના 58 સૈનિકો ઠાર

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકના જવાબમાં તાલિબાને પાકિસ્તાની સેના પર ભીષણ હુમલો કર્યો છે. APના અહેવાલ અનુસાર તાલિબાનનો દાવો છે કે અફઘાનિસ્તાનની સેનાએ લીધેલા બદલામાં પાકિસ્તાનના 58 સૈનિકો ઠાર થયા છે જ્યારે 30 ઈજાગ્રસ્ત છે. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહનો દાવો છે કે અફઘાનિસ્તાનની સેનાએ પાકિસ્તાનની 25 ચોંકી પર કબજો કરી લીધો છે.