અમેરિકામાં એફબીઆઇના ડિરેક્ટર પદે ગુજરાતી મૂળના કાશ પટેલની નિમણૂક
- સેનેટમાં ભારે વિરોધ વચ્ચે 51-49થી મંજૂરી મળી
- એફબીઆઇના ડિરેક્ટરના હોદ્દા પર પહેલી વખત અશ્વેત અને ભારતીય અમેરિકનને નીમવામાં આવ્યા
વોશિંગ્ટન : ભારત વંશીય કાશ પટેલને એફ.બી.આઈ.ના ડીરેક્ટર તરીકે સેનેટે ગુરૂવારે મંજૂરી આપી હતી. સેનેટે આપેલી આ મંજૂરી માટે સેનેટનો અને પ્રમુખ ટ્રમ્પનો તેઓએ હૃદયપૂર્વક આભાર માન્યો છે. તે પછી તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જેઓ અમેરિકાને આઘાત પહોંચાડવા માગે છે તેમને મારી સંસ્થા દુનિયાના કોઈ પણ ભાગમાંથી શોધી કાઢી બરોબરની સજા ફટકારશે.
ન્યૂયોર્ક પોસ્ટે જણાવ્યું હતું કે સેનેટમાં મતદાન સમયે તમામ ડેમોક્રેટએ તેઓની વિરૂદ્ધ મત આપ્યા હતા છતાં ૫૧-૪૯ મતથી તેઓની એફ.બી.આઈ.ના ડીરેક્ટર પદની વરણી નિશ્ચિત થઈ ગઈ હતી. કાશ પટેલ પ્રમુખ ટ્રમ્પના નિકટવર્તીઓ પૈકીના એક છે.
પોતાની આ જવાબદારી સ્વીકારતાં તેઓએ સૌથી પહેલો આભાર અમેરિકાની જનતા, સેનેટ અને પ્રમુખનો માન્યો હતો. સાથે કહ્યું હતું કે, હું આ સંસ્થાને એવી પારદર્શક અને એટલી સક્ષમ બનાવવા માગું છું કે અમેરિકાના નાગરિકો તે અંગે ગર્વ લઈ શકે. કાશ પટેલ અમેરિકાની આંતરિક જાસૂસી સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફ.બી.આઈ.)ના પહેલા અશ્વેત વડા છે. તેઓ તે પદ સ્વીકારતાં આપેલાં ટૂંકા વક્તવ્યમાં કહ્યું હતું કે મારી ટીમ નિર્દોષ અને નિર્ધનનું રક્ષણ કરશે. પરંતુ ગુડા તત્ત્વને પૂરેપૂરી નશ્યત કરશે. તેઓએ કહ્યું મારા માટે મને સોંપેલી જવાબદારી સૌથી પહેલું કર્તવ્ય બની રહેશે. તે હંમેશાં અમેરિકાનાં હિતને જ લક્ષ્યમાં રાખશે. બસ ! હવે કાર્યરત બની જઈએ.
કાશ પટેલે આ વિખ્યાત જાસૂસી સંસ્થામાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા અને તેને આળસમાંથી ઢંઢોળી સક્રિય બનાવવા નિશ્ચય કર્યો છે. કાશ પટેલનું મૂળ નામ કશ્યપ પટેલ છે. તેઓના માતા પિતા મૂળ ગુજરાતી છે.
કાશ પટેલને બોલિવૂડ સ્ટાઇલમાં અભિનંદન
વોશિંગ્ટન : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ સહયોગી અને સહયોગીઓમાં સામેલ ભારતીય મૂળના કાશ પટેલ એફબીઆઇના ડાયરેક્ટર બનતા વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કૈવિનોએ તેમને બોલિવૂડ સ્ટાઇલમાં અભિનંદન આપ્યા હતા. તેમનો અભિનંદન આપવાનો અંદાજ સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. તેમનોઆ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે. ૪૭ સેકન્ડના વિડીયોને ૩૦ લાખથી વધુ વ્યુ મળી ચૂક્યા છે તથા દસ હજારથી વધુ લાઇક મળી ચૂકી છે. આ વિડીયોમાં બાજીરાવ મસ્તાનીના ગીતમાં રણવીરના સ્થાને વિડીયો મિક્સિંગથી કાશ પટેલનો ચહેરો મૂકી દેવામાં આવ્યો છે.