'ટ્રમ્પ ગમે તે કહે કે કરે, ભારતે ઝૂકવાનું નથી', ભારતીય થિંક ટેન્ક GTRIએ જણાવ્યું કોણ સાચું કોણ ખોટું?
India US Tariff Updates: ભારત અને અમેરિકા વચ્ચે વેપારને લઈને ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઊંચો ટેરિફ લાદવાનો આરોપ મૂક્યો અને ભારતને 'ટેરિફ કિંગ' પણ કહ્યું હતું. ત્યારે બીજી તરફ ભારતીય થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) એ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતની ટેરિફ પોલીસી સંપૂર્ણપણે વૈશ્વિક વેપાર નિયમો અનુસાર છે.
ભારતનો ટેરિફ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમો હેઠળ
GTRIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતે અમેરિકન સરકાર સમક્ષ મજબૂતીથી પોતાનો વિચાર રજૂ કરવો જોઈએ કારણ કે ભારતનો ટેરિફ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન એટલે કે WTOના નિયમો હેઠળ છે, 1995માં WTO કરારને અમેરિકા સહિત તમામ દેશોએ મંજૂરી આપી હતી.
1995માં જ્યારે WTOની રચના થઈ ત્યારે વિકસિત દેશોએ વિકાસશીલ દેશોને ઊંચા ટેરિફમાંથી મુક્તિ આપી. બદલામાં, ભારત જેવા દેશોએ બૌદ્ધિક સંપદા અધિકારો અને કૃષિ નિયમો પર કરાર કર્યા હતા. આમ છતાં ટ્રમ્પે ભારતને ટેરિફનો દુરુપયોગ કરનાર દેશ ગણાવ્યો છે. GTRIએ કહ્યું કે આ નિયમોથી માત્ર સમૃદ્ધ દેશોને જ ફાયદો થયો છે અને ટ્રમ્પ આની અવગણના કરી રહ્યા છે.
અમેરિકા ભારત પાસેથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની માંગ કરી શકે છે
હવે વર્તમાન પરિસ્થિતિમાં અમેરિકા ભારત પાસેથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTAની માંગ કરી શકે છે. આ અંતર્ગત સરકારી ખરીદી, ડેટા નિયમો અને કૃષિ સબસિડીની શરતોમાં ફેરફાર થઈ શકે છે. ભારત દાયકાઓથી આ માંગણીઓનો વિરોધ કરી રહ્યું છે.
અમેરિકા શું ઈચ્છે છે?
GTRIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા સાથે FTA વાટાઘાટો આસાન નહીં હોય. અમેરિકા ઈચ્છે છે કે ભારત તેની સરકારી ખરીદી અમેરિકન કંપનીઓ માટે ખોલે, કૃષિ સબસિડી ઓછી કરો અને ડેટા નિયમો હળવા કરે. પરંતુ ભારત હજુ આ માટે તૈયાર નથી. આથી યુએસ ભારત પર વધુ ટેરિફ વડે બદલો લઈ શકે છે.
GTRIએ ભારતને બે વિકલ્પો સૂચવ્યા
આ મામલે GTRIએ ભારતને બે વિકલ્પો સૂચવ્યા છે. જેમાં પ્રથમ છે, મોટાભાગના ઔદ્યોગિક માલ પર અમેરિકાને શૂન્ય ટેરિફ ઓફર કરવામાં આવે. જયારે બીજો વિકલ્પ એ છે કે પ્રત્યાઘાતી પગલાં લીધા વિના અમેરિકાના નવા ટેરિફને સ્વીકારી લેવું.
પરંતુ FTA પર વાતચીત સૌથી ખરાબ વિકલ્પ હોવાનું કહેવાય છે. રિપોર્ટ મુજબ, વાટાઘાટોમાં સમય લાગશે અને ત્યાં સુધીમાં ટ્રમ્પ ટેરિફમાં વધારો કરી શકે છે, જેથી આ કરારનો કોઈ મતલબ નહી રહે. આવી સ્થિતિમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરવી પડશે. જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વેપાર સંતુલન પ્રભાવિત થઈ શકે છે.
ટેરિફ પર સંઘર્ષ
જો કે, આ રિપોર્ટએ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ રેસિપ્રોકલ ટેરિફની ભારત પર ઓછી અસર જોવા મળશે, કારણ કે વૈશ્વિક વેપારમાં ભારતની ભાગીદારી ખૂબ જ ઓછી છે. હાલમાં, ભારત દ્વારા અમેરિકા પર લાદવામાં આવેલ ટેરિફ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ કરતા 6.5% વધારે છે. આ તફાવત ખાસ કરીને ખાદ્યપદાર્થો, જૂતા-ચપ્પલ, કપડાં, વાહનો અને રોજિંદા વસ્તુઓમાં વધુ છે.
જો કે અમેરિકન ગ્રાહકોને ઊંચા ટેરિફથી સૌથી વધુ નુકસાન થશે કારણ કે અમેરિકા $3.3 ટ્રિલિયનના માલની આયાત કરે છે. જો ટેરિફ 5% વધે છે, તો તે ભારતની નિકાસને $6-7 બિલિયનની અસર કરી શકે છે. પરંતુ જો અમેરિકા ભારત કરતાં અન્ય દેશો પર વધુ ટેરિફ લાદે તો ભારતને પણ ફાયદો થઈ શકે છે.