જિરાફભૂમિ ઘણાતા આફ્રીકામાં ધટતા જતા જિરાફથી વધતી જતી ચિંતા
સદીઓથી જિરાફ ભૂમિ ગણાતા આફ્રીકામાં ૪૦ ટકા જિરાફ ઘટયા
સહારા આસપાસના વિસ્તારોમાં માત્ર ૯૫૭૦૦ જેટલા જિરાફ બચ્યા
જોહાનિસબર્ગ,13 ડિસેમ્બર,2021,સોમવાર
છેલ્લા કેટલાક વર્ષોથી જંગલના પ્રાણીઓ અને જીવ જંતુઓની સંખ્યા ઘટતી જાય છે તેમાં હવે જિરાફનો પણ ઉમેરો થયો છે. આફ્રીકામાં જીરાફ પર કામ કરતી વાઇલ્ડ સંસ્થાઓના સ્ટડી મુજબ દુનિયામાં જિરાફની સંખ્યા પણ ઘટી રહી છે. જિરાફની ભૂમિ ગણાતા આફ્રીકા ખંડમાં છેલ્લા ૧૫ વર્ષમાં જિરાફની સંખ્યા ૪૦ ટકા ઘટી છે. એક સમયે કેન્યાના મેદાની વિસ્તારોમાં જિરાફ ટહેલતા જોવા મળતા હતા જ હવે ઓછા થઇ ગયા છે. લેંગોલોનની વિસ્તારમાં જિરાફનો શિકાર કરીને તેના માંસનો ભોજન તરીકે ઉપયોગ કરવામાં આવે છે.આ લેંગોલોની લોકો સદીઓથી જિરાફનો શિકાર કરવાના નિષ્ણાત મનાય છે.
ઇન્ટરનેશનલ યૂનિયન ફોર કન્જર્વેશન ઓફ નેચર (આઇયૂસીએન)ના આંકડા અનુસાર પણ ૧૯૮૫ થી ૨૦૧૫ સુધીમાં આફ્રીકામાં જિરાફની સંખ્યામાં ૮૦ હજારનો ઘટાડો થયા છે. સહારાની આસપાસ આફ્રીકા વિસ્તારોમાં માત્ર ૯૫૭૦૦ જેટલા જિરાફ બચ્યા છે. એમાં પણ મધ્ય આફ્રીકામાં કોર્દોફોન પ્રજાતિના જિરાફની સંખ્યા ૮૫ ટકા જેટલી ઘટી છે. જિરાફ આફ્રીકાના ઉત્તરમાં ચાડથી માંડીને દક્ષિણમાં દક્ષિણ આફ્રીકા તથા પશ્ચિમમાં નાઇજરથી પૂર્વમાં સોમાલિયા સુધી મળે છે. આફ્રીકાના જંગલોમાં વિશેષ જોવા મળતા આ શાકાહારી જીવના અંગોનો અમેરિકામાં સૌથી વધુ ગેરકાયદેસર વેપાર ધમધમે છે. આથી આફ્રીકાના કેટલાક દેશોએ જિરાફના અંગોની તસ્કરી સામે વિરોધ પણ ઉઠાવ્યો છે.
આફ્રીકા જ નહી જિરાફની વસ્તી ઘટવાનો ક્રમ એશિયા અને પૂર્વ તરફ પણ જોવા મળે છે. શિકાર, ઘટતા જતા રહેઠાણ, ખોરાકની તંગીના કારણે શાંત પ્રાણીનું જીવન અશાંત બની ગયું છે તેમ છતાં જિરાફને આંતરરાષ્ટ્રીય મંચ પર સુરક્ષિત જીવોની યાદીમાં સામેલ કરવા અંગે મતભેદ જોવા મળે છે. જિરાફ સુરક્ષિત વન્ય અભ્યારણોમાં સરળતાથી જોવા મળતા હોવાથી વાઘ ,ગેંડા કે સિંહની જેમ ચિંતા કરવા જેવું નથી એવું માનવાવાળો વર્ગ પણ છે. જો કે જિરાફ પ્રેમીઓનું માનવું છે કે પ્રાણીઓમાં સૌથી ઉંચું અને વાગોળ કરતા આ પ્રાણીને કોઇ જ ખતરો નથી એ ભૂલભરેલી માન્યતા છે. જિરાફ પાણી પીવા માટે પગ પહોળા કરીને લાંબી ગરદન ઝુકાવે ત્યારે શિકારીઓ મોકાનો ફાયદો ઉઠાવે છે. જિરાફને પણ જો બચાવવામાં નહી આવે તો થોડાક વર્ષોંમાં તેની સંખ્યા પણ ઘટતી જવાની છે.