Greta Thunberg Treated Like Animal In Israel: ગાઝામાં પેલેસ્ટિનિયનો માટે રાહત સામગ્રી લઈને જઈ રહેલા ફ્લોટિલા જહાજમાંથી અટકાયત કરી લેવામાં આવેલા ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ અંગે એક મોટો દાવો કરવામાં આવ્યો છે. મલેશિયાની એક્ટિવિસ્ટ હાજવાની હેલમી અને વાઈન્ડફીલ્ડ બેવરે દાવો કર્યો છે કે અમે ખુદ ગ્રેટા થનબર્ગ સાથે દુર્વ્યવહાર થતા જોયો છે. તેમણે કહ્યું કે, ગ્રેટાને ધક્કો મારવામાં આવ્યો અને બળજબરીથી ઈઝરાયેલી ધ્વજમાં લપેટવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલી નૌકાદળે ફ્લોટિલામાંથી લગભગ 137 એક્ટિવિસ્ટની ધરપકડ કરી હતી. હવે તેમને ડિપોર્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે.
ગ્રેટાને વાળ પકડીને ઢસેડવામાં આવી
એક અન્ય એક્ટિવિસ્ટ એરસિન સીલિકે કહ્યું કે, 'ગ્રેટાને વાળ પકડીને ઢસેડવામાં આવી હતી અને તેને અપશબ્દો બોલવામાં આવ્યા હતા. અમારી આંખો સામે ગ્રેટાને વાળ પકડીને ઢસેડવામાં આવી હતી. તેને બળજબરીપૂર્વક ઈઝરાયલી ધ્વજને ચુંબન કરાવ્યું.' બીજી તરફ વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, 'અટકાયતમાં લેવામાં આવેલા લોકો સાથે દુર્વ્યવહારના અહેવાલો ખોટા છે.'
36 એક્ટિવિસ્ટને ડિપોર્ટ કરાયા
અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 36 એક્ટિવિસ્ટને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ એક્ટિવિસ્ટ પહેલા ઈસ્તંબુલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમાં અમેરિકા, યુએઈ, અલ્જેરિયા, મોરોક્કો, ઈટાલી, કુવૈત, લિબિયા, મલેશિયા, મૉરિટાનિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, ટ્યુનિશિયા અને જોર્ડનના નાગરિકો સામેલ છે. હાજવાની હેલમી અને વાઈન્ડફીલ્ડ બેવરે કહ્યું કે, 'ગ્રેટા થનબર્ગને આતંકવાદી જેવું વર્તન કરવાનું કહેવામાં આવ્યું હતું. આ ભયાનક હતું. તેની સાથે પ્રાણી જેવું વર્તન કરવામાં આવ્યું હતું. ઈઝરાયેલી સેનાએ એક્ટિવિસ્ટને સ્વચ્છ પાણી અને સ્વચ્છ ખોરાક પણ નહોતો આપ્યો.'
'ધ ગ્લોબલ સમુદ ફ્લોટિલા' નામના આ કાફલામાં લગભગ 50 નાના જહાજો સામેલ હતા, જેમાં લગભગ 500 લોકો સવાર હતા. આ કાફલો ગાઝાના ઘેરાબંધી વાળા વિસ્તારમાં ફસાયેલા પેલેસ્ટિનિયનો માટે માનવતાવાદી સહાય લઈને જઈ રહ્યા હતા, જેમાં મુખ્યત્વે ખોરાક અને દવા સામેલ છે. ઈઝરાયલે આ હુમલો એ સમયે કર્યો જ્યારે હમાસે લગભગ બે વર્ષ લાંબા યુદ્ધને સમાપ્ત કરાવવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવની કેટલીક શરતો સ્વીકારી લીધી છે.


