- નાટોના નેતા નાટોના સભ્ય રાષ્ટ્ર પર હુમલો કરી શકે ?
- ગ્રીનલેન્ડ સંકટ નિર્ણાયક મોડ ઉપર : ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ગ્રીનલેન્ડે કહ્યું : 'ટાપુનું સંરક્ષણ નાટો' ગઠબંધન નીચે રહેશે
નવી દિલ્હી : ગ્રીનલેન્ડ સંકટ નિર્ણાયક મોડ પર પહોંચ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે, અમેરિકા ગ્રીનલેન્ડ ઉપર છેલ્લાં પગલાંરૂપે લશ્કર દ્વારા પણ કબ્જો જમાવશે.
આ સામે ગ્રીનલેન્ડના પી.એમ.ઓ. દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ ટાપુ રાષ્ટ્રનું સંરક્ષણ 'નાટો' સૈન્ય ગઠબંધનનાં માળખામાં જ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે થોડા સમય પૂર્વે જ એરફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'અમેરિકા કોઈને કોઈ રીતે ગ્રીનલેન્ડ પર કબ્જો જમાવશે જ પછી તે મંત્રણા દ્વારા થઈ શકે કે પછી અન્ય સાધનો દ્વારા'
ટ્રમ્પે લીઝ કે ટૂંક સમયની વ્યવસ્થા ફગાવી દેતાં સંપૂર્ણ અધિગ્રહણ (કબ્જા) ઉપર જ ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે, 'રાષ્ટ્રીય સલામતી માટે અમેરિકાએ તેમ કરવું અનિવાર્ય છે કારણ કે રશિયા અને ચાયના ત્યાં ઘૂસી જવા આર્કિટકમાં સક્રિય થયા છે.'
ટ્રમ્પે નાટો દેશો ઉપર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વાસ્તવમાં મેં જ આ ગઠબંધનને બચાવ્યું હતું પરંતુ અમેરિકાને જરૂર પડે ત્યારે તે તેને સાથ આપતું નથી.
બીજી તરફ ગ્રીનલેન્ડ તથા ડેન્માર્ક બંનેએ કહ્યું કે, 'આ ટાપુ દેશ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ કે તેની ઉપર કબ્જો જમાવવાની કોશીશ ચલાવી લેવાશે નહીં તેનો કટ્ટર સામનો કરવામાં આવશે.'
આમ અત્યારે તો ગ્રીનલેન્ડ કોકડું ઘણું વધુ ગૂંચવાયું છે. ડેન્માર્ક સાથે ગ્રીનલેન્ડ પણ 'નાટો' ગઠબંધનનું સભ્ય છે. અમેરિકા નાટો ગઠબંધનનું અગ્રીમ રાષ્ટ્ર છે. પ્રશ્ન તે છે કે, એક નાટો રાષ્ટ્ર બીજાં નાટો રાષ્ટ્ર ઉપર હુમલો કરી શકે ? બીજી તરફ ટ્રમ્પનાં આ વલણ સામે યુરોપીય રાષ્ટ્રો ડેન્માર્ક અને ગ્રીનલેન્ડની સાથે ઉભા છે.
તેઓ સ્પષ્ટ કહે છે કે, ટ્રમ્પના કહેલા પ્રમાણે રશિયન અને ચાઇનીઝ યુદ્ધ જહાજો ગ્રીનલેન્ડ ફરતા ફરે છે પરંતુ તેવું કશું દેખાતું નથી. યુરોપીય દેશો કહે છે કે તે કથન ટ્રમ્પના મનનો તુક્કો જ છે, હકીકત નથી.


