અમેરિકામાં ગ્રીનકાર્ડધારકો માટે જૂના ક્રિમિનલ કેસમાં પણ દેશનિકાલનું જોખમ

- નીચલા ગૃહમાં બિલ પસાર, સેનેટ મંજૂરી આપશે તો કાયદો બનશે
- સૂચિત કાયદા હેઠળ દારૂ પીને વાહન ચલાવવાના કેસમાં પણ કાર્યવાહી થશે : વર્ક-સ્ટૂડન્ટ વિઝા ધરાવતા વિદેશી નાગરિકોમાં ફફડાટ
વૉશિંગ્ટન : અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકોની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. ટ્રમ્પની સરકારે એક નવું બિલ નીચલા ગૃહમાં પસાર કરાવી દીધું છે અને હવે એ બિલ સેનેટમાં મૂકાયું છે. જો સેનેટમાં પણ એ બિલ પસાર થઈ જશે તો અમેરિકામાં દારૂ પીને વાહન ચલાવતા વિદેશી નાગરિકોને દેશનિકાલ કરી શકાશે. આ કાર્યવાહી નવા કેસમાં જ નહીં, જૂના કેસમાં પણ થઈ શકે એવી જોગવાઈ કરવામાં આવી છે.
અમેરિકાના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ડ્રાઈવિંગ અંડર ઈન્ફ્લુઅન્સ (ડીયુઆઈ)ના કાયદામાં ફેરફારનું બિલ રજૂ થયું હતું. એ બિલને અમેરિકન સાંસદોએ મંજૂરી આપી દેતા હવે સેનેટમાં ગયું છે. સેનેટના ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ વિભાગે પણ એનું સમર્થન કરતાં આ બિલ સેનેટમાંથી પાસ થઈ જાય એવી પૂરી શક્યતા છે.
બિલમાં જે જોગવાઈ થઈ છે તેના કારણે અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બિલ પ્રમાણે દારૂ પીને વાહન ચલાવવાના કેસમાં ટ્રમ્પની સરકાર વિદેશી નાગરિકોને દેશનિકાલ કરશે. દારૂ પીને વાહન ચલાવવાના નવા કેસમાં સ્ટૂડન્ટ વિઝાથી લઈને એચ-૧બી કે એવી કોઈ પણ કેટેગરી સહિત ગ્રીનકાર્ડ ધારકોને આવરી લેવાયા છે. ત્યાં સુધી તો ઠીક, એનાથી આગળ વધીને ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે બિલમાં એવી જોગવાઈ કરી છે કે દારૂ પીને વાહન ચલાવવાનો મહિના જૂનો કે વર્ષો જૂનો કેસ હશે તો પણ દેશનિકાલની કાર્યવાહી કરી શકાશે. એ પણ તમામ પ્રકારની વર્ક પરમીટ ધરાવતા વિદેશી નાગરિકો, સ્ટૂડન્ટ્સ વિઝાધારકોથી લઈને ગ્રીનકાર્ડધારકો સુધી તમામને લાગુ પડશે. આ બિલ પછી ગ્રીનકાર્ડ કે જે અમેરિકામાં રહેવા માટે વિદેશી નાગરિકોને મળતો કાયમી પરવાનો છે તે ધરાવતા લોકોને પણ જો દેશનિકાલ કરવા હશે તો તેમની સામે દારૂ પીને વાહન ચલાવવાનો જૂનો કેસ શોધીને તેમને પોતાના મૂળ દેશમાં મોકલી દેવામાં આવશે.
અમેરિકામાં વર્તમાન જોગવાઈ પ્રમાણે દારૂ પીને વાહન ચલાવતા પકડાતા તમામ નાગરિકો સામે દંડથી લઈને અમુક સમય સુધી ડ્રાઈવિંગ લાઈસન્સ કેન્સલ કરવાની સજા ફટકારવામાં આવે છે, પરંતુ એ કેસમાં કોઈ પણ કેટેગરીના વિઝા ધરાવતા વિદેશી નાગરિકોને દેશનિકાલ કરવામાં આવતા નથી.








