મહાન દેશ દર વખતે અલ્ટિમેટમ આપતા નથી પૂર્વ વિદેશ મંત્રી જહોન કેરીએ ટ્રમ્પની ટીકા કરી
- ટેરિફની મંત્રણામાં ભારતની બહુ મજબૂત રજૂઆત
- વાતચીત માટે પારસ્પરિક સન્માન અને સહકારની જરૂર હોય છે : દર વખતે લોકોને અલ્ટિમેટમ આપ્યા ન કરાય
વૉશિંગ્ટન : અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી જ્હોન કેરીએ ટેરિફ વિવાદ અંગે કહ્યું કે વાતચીત માટે આપસી સન્માન અને સહકારની જરૂર હોય છે. મહાન દેશ દર વખતે લોકોને અલ્ટીમેટમ આપતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા પછી તેમણે વિદેશ નીતિમાં કરેલાં પરિવર્તનો અંગે કેટલાએ પૂર્વઅધિકારીઓને પોતાનો અવાજ ઊઠાવવો શરૂ કર્યો છે. અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી જ્હોન કેરીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે ટ્રેડ અને ટેરિફ સંબંધે ચાલી રહેલી તંગદિલીને દુર્ભાગ્યપૂર્ણ જણાવી હતી.
ઓબામાના કાર્યકાળ દરમિયાન ૨૦૧૩થી ૨૦૧૭ સુધી અમેરિકાના વિદેશ મંત્રી પદે રહેલા જ્હોન કેરીએ ઈટીના વર્લ્ડ વીડર ફોરમમાં આપેલાં વક્તવ્યમાં કહ્યું : મહાન દેશ હંમેશાં લોકોને અલ્ટીમેટમ આપી, પોતાની મહાનતાનું પ્રદર્શન કરતા નથી. તેને બદલે તેઓ વાસ્તવિક કૂટનીતિનો પ્રયાસ કરે છે, જેથી સર્વમાન્ય સહમતિ બનાવવામાં અને સામાન્ય કામકાજ કરવામાં સરળતા રહે.
અમેરિકા અને ભારત વચ્ચે ચાલતા ટેરિફ તણાવો વિષે વાત કરતાં કેરીએ કહ્યું કે કોઈપણ બે દેશ વચ્ચે વાતચીત આપસી સહકાર અને સન્માનના માર્ગે ચાલતી હોય છે. તમો કોઇને પરાણે મંત્રણા કરવા મજબૂર ન કરી શકો.
પી.એમ. મોદીને પોતાના મિત્ર કહેતાં કેરીએ કહ્યું કે, ભારત દ્વારા અમેરિકા સાથે વાતચીત કરવા માટેના તેઓના પ્રયાસો પ્રશંસનીય છે. પીયુષ ગોયેલ પણ મારા સારા મિત્ર છે અને આશા છે કે તેઓ આ વિવાદનો સરળતાથી ઉકેલ લાવી શકશે. સાચું કહું તો તે વિષેની મંત્રણામાં ભારતે બહુ મજબૂત રજૂઆત કરી હતી. તમો જાણો છો કે ૬૦ ટકા ચીજો ઉપર કોઈ ટેરિફ નહીં, બાકીની ચીજો વિષે પણ ઝડપભેર કામ થઇ શકશે. આ એક બહુ મોટું પરિવર્તન છે.
ઉલ્લેખનીય છે કે જ્હોન કેરીએ ટ્રમ્પ પ્રશાસનનું નામ લીધા સિવાય જ આ પ્રમાણે જણાવી અમેરિકી વિદેશ નીતિમાં થયેલા ફેરફાર અંગે ઇશારો કર્યો હતો. ટ્રમ્પે સત્તા ઉપર આવ્યા પછી ભાગ્યે જ કોઈ દેશ એવો હશે કે જેને ટ્રમ્પે ધમકી ન આપી હોય. ભલે તે કેનેડા જેઓ પાડોશી દેશ હોય કે યુરોપીય સાથી દેશો હોય, ભારત જેવો તટસ્થ દેશ હોય કે ચીન અને રશિયા હોય. છેલ્લા છ મહિનામાં કોઇને કોઈ રીતે ટ્રમ્પે ધમકીઓ આપ્યા કરી છે. તેથી અમેરિકાની વિદેશ નીતિની ટીકા થઇ રહી છે.