World

દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જાપાન સામેની 80મી જયંતિ નિમિત્તે બૈજિંગમાં ભવ્ય મિલિટરી પરેડ યોજાઈ

By GS TEAM
3 Sep 20252 mins read
દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જાપાન સામેની 80મી જયંતિ નિમિત્તે બૈજિંગમાં ભવ્ય મિલિટરી પરેડ યોજાઈ

- દ્વિતીય વિશ્વ યુદ્ધમાં યુ.એસ.નું પ્રદાન 'શી' સ્વીકારશે  ખરા : ટ્રમ્પ

- પરેડ સમયે શીની જમણી બાજુ પુતિન, ડાબી બાજુ ઊન ઉભા હતા, શી એ હજ્જારો સૈનિકો અને આધુનિક શસ્ત્રો સાથેની પરેડની સલામી લીધી

બૈજિંગ : ચીનમાં બુધવારે (૩જી સપ્ટેમ્બરે) તાઈનામેન્ટ સ્કવેર (મહાન શાંતિના ચોક)માં દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમ્યાન, જાપાન પર ચીને મેળવેલા વિજયની ૮૦મી જયંતિએ ભવ્યાતિભવ્ય પરેડ યોજવામાં આવી હતી. આ પરેડમાં ચીને તેની પ્રચંડ પ્રહાર શક્તિનું પણ પ્રદર્શન કર્યું હતું, સાથે તેની લશ્કરી તાકાત પણ દર્શાવી હતી અને તેની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ પ્રદર્શિત કરી હતી.

આ પ્રસંગે આપેલા પ્રવચનમાં પ્રમુખ શી જિનપિંગે કહ્યું હતું કે, આપણે યુદ્ધને બદલે શાંતિ પ્રસરે તેમ ઇચ્છીએ છીએ. અને સંઘર્ષના સ્થાને સંવાદ ઇચ્છીએ છીએ. આ સાથે તેઓએ ઇતિહાસનું પરિવર્તન ન થાય તે માટે સંઘર્ષનું મૂળ દૂર કરવા પણ એલાન કર્યું હતું.

ચીનના પ્રમુખે, આ વિજય દિન નિમિત્તે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા સૈનિકોને સ્મરણાંજલિ અર્પી હતી.

આ પરેડના પ્રારંભ પૂર્વે શી જિનપિંગે ચીનનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે તેને ૨૧ તોપની સલામી આપવામાં આવી હતી. પછી પરેડના પ્રારંભે પહેલા હજ્જારો સૈનિકોએ માર્ચ પાસ્ટ કરી હતી. તે પછી ચીનનાં આધુનિક શસ્ત્રો જેવા કે હાઇપર સોનિક મિસાઇલ્સ, આઇ.સી.બી.એ.સી. મ્- ૨ બોમ્બર જેવું સ્લીથ ડ્રોન આધુનિક આર્ટિયરી વગેરેનું પ્રદર્શન યોજાયું હતું.

આ પરેડ સમયે શી જિનપિંગની જમણી બાજુ રશિયાના પ્રમુખ પુતિન ઊભા હતા, ડાબી બાજુ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉન ઉભા હતા. ઉપરાંત વિશ્વના કેટલાએ દેશોના પ્રતિનિધિઓ રાજદૂતો વગેરે પરેડ સમયે ઉપસ્થિત હતા. તેમાં ઇરાનના વડાપ્રધાનની અગ્રીમ ઉપસ્થિતિ ધ્યાનાકર્ષક બની રહી હતી. કેટલાક નિરિક્ષકો કહે છે કે, હવે ચીન- ઉ. કોરિયા- રશિયા- ઇરાનની ધરી યોજાઈ રહી છે.

આ પરેડને ટીવી પર થોડો સમય જોયા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓના ટ્રુથ સોશ્યલ પર લખ્યું : દ્વિતીય વિશ્વ યુદ્ધમાં અમેરિકાનું પ્રદાન શી જિનપિંગ સ્વીકારશે ખરા ?'

(વાસ્તવમાં અમેરિકાને લીધે જ સાથી રાષ્ટ્રો તે યુદ્ધ જીતી શક્યા તે નિર્વિવાદ છે.)