Get The App

ઈજિપ્તમાં ખૂલ્યું દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ: 57 હજાર કલાકૃતિ, ત્રણ હજાર વર્ષ તૂતનખામનની કબર અને ખજાનો મૂકાયો

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
ઈજિપ્તમાં ખૂલ્યું દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ: 57 હજાર કલાકૃતિ, ત્રણ હજાર વર્ષ તૂતનખામનની કબર અને ખજાનો મૂકાયો 1 - image

World's Grand Egyptian Museum: સિંગલ સિવિલાઈઝેશન પર આધારિત વિશ્વનું ટોચનું મ્યુઝિયમ ગ્રાન્ડ ઈઝિપ્શિયન મ્યુઝિયમ (GEM) શરૂ થઈ ચૂક્યું છે. આરબ દેશ મિસ્રએ આ ગ્રાન્ડ મ્યુઝિયમ બનાવ્યું છે. જેને વિશ્વની અજાયબી કહી શકાય અને તે પ્રાચીન વિશ્વની સાત અજાયબી પૈકી એક ગ્રેટ પિરામિડ નજીક બનાવવામાં આવ્યું છે.

શનિવારે, 1 નવેમ્બરના રોજ મિસ્રની રાજધાની કાહિરા નજીક ગિઝા પઠારમાં તૈયાર આ ગ્રાન્ડ ઈઝિપ્શિયન મ્યુઝિયમનું ઉદ્ગાટન થયું હતું. જેમાં મિસ્રના પ્રમુખ અબ્દેલ ફતહ અલ-સીસી ઉપરાતં વિશ્વના 79 દેશોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન સમારોહ 39 દેશોના રાજા, મહારાજા અને પ્રમુખના મેળાવડા સાથે એક ઐતિહાસિક પળનો સાક્ષી બન્યો હતો.

પ્રાચીન ઈજિપ્તનો ઈતિહાસ એક જ છત નીચે

ઇજિપ્ત ટુડે અનુસાર, એક જ સભ્યતા પર આધારિત ગ્રાન્ડ ઈજિપ્શિયન મ્યુઝિયમ વિશ્વનું સૌથી મોટું પુરાતત્વીય સંકુલ છે. તે સંપૂર્ણપણે એક જ સભ્યતા 'પ્રાચીન ઇજિપ્તીયન સંસ્કૃતિ'ને સમર્પિત છે. તે પ્રાચીન ઇજિપ્તના ઇતિહાસનું પ્રદર્શન કરે છે, જેમાં 700,000 બીસીથી 394 પૂર્વે સુધીનો સમયગાળો એક જ છત નીચે આવરી લેવામાં આવ્યો છે. સંગ્રહાલયમાં 57,000 થી વધુ કલાકૃતિઓ છે, જેમાંથી સૌથી પ્રમુખ છે, રાજા તુતનખામુનનો સંપૂર્ણ ખજાનો છે. 1922માં 'બોય કિંગ' તુતનખામુનની કબરની શોધ પછી આ પહેલી વાર બનશે કે તેમનો આખો ખજાનો એકસાથે જોવા મળશે.

ઈજિપ્તમાં ખૂલ્યું દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ: 57 હજાર કલાકૃતિ, ત્રણ હજાર વર્ષ તૂતનખામનની કબર અને ખજાનો મૂકાયો 2 - image

GEM પિરામિડ સાથે જોડવામાં આવ્યું

મ્યુઝિયમથી ગીઝાના પિરામિડ સુધી 1.27 કિલોમીટર લાંબો પ્રવાસી માર્ગ બનાવવામાં આવ્યો છે, જે બંને સ્થળોને જોડે છે. આ જોડાણ પ્રવાસીઓને પ્રાચીન ઇજિપ્તીયન સંસ્કૃતિનો નજીકથી અનુભવ કરવાની મંજૂરી આપશે. નેશનલ જિયોગ્રાફિક અનુસાર, ગ્રેટ પિરામિડ પ્રાચીન વિશ્વના સાત અજાયબી પૈકી એક છે. આ મ્યુઝિયમ ગ્રેટ પિરામિડની નજીક બનાવવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ 490,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. તેના મુખ્ય પ્રવેશદ્વાર, 7,000 ચોરસ મીટર, રામસેસ II ની વિશાળ પ્રતિમા ધરાવે છે.



અનેરી ડિઝાઈનથી સજ્જ

GEM આયર્લેન્ડના હેનેઘન પેંગ આર્કિટેક્ટ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેની ડિઝાઇન ગીઝા પઠારની ભૂમિતિથી પ્રેરિત છે. આ ઇમારત પ્રાચીન ઇજિપ્શિયન વારસા અને આધુનિક ઇજિપ્ત વચ્ચેના ઊંડા જોડાણને દર્શાવે છે. મ્યુઝિયમમાં 6,000 ચોરસ મીટરની ગ્રાન્ડ સીડી પણ છે, જે છ માળની ઊંચાઈ સુધી છે. આ સીડીઓ ઇજિપ્શિયન કલા અને ઇતિહાસના પ્રદર્શનોથી ભરેલી છે. મ્યુઝિયમમાં 12 મુખ્ય પ્રદર્શન હોલ, એક કામચલાઉ ગેલેરી અને બાળકો માટે એક મ્યુઝિયમ છે, જે મુલાકાતીઓને ઇજિપ્તના ઇતિહાસમાં સંપૂર્ણપણે ગળાડૂબ કરે છે.

50 લાખ મુલાકાતો આવવાની અપેક્ષા

ગ્રાન્ડ ઈઝિપ્શિયન મ્યુઝિયમને આફ્રિકા અને મધ્ય પૂર્વમાં પ્રથમ 'ગ્રીન મ્યુઝિયમ' માનવામાં આવે છે. GEM ને ઉર્જા વ્યવસ્થાપન, આરોગ્ય અને સલામતી, પર્યાવરણ અને ગુણવત્તામાં આઠ ISO પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે. તેને 2024 EDGE એડવાન્સ્ડ ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેશન પણ મળ્યું છે. ગ્રાન્ડ ઈઝિપ્શિયન મ્યુઝિયમનું બાંધકામ 2005માં શરૂ થયું હતું. મુખ્ય બાંધકામ 2016 માં શરૂ થયું હતું. ઓક્ટોબર 2024માં ટ્રાયલ ઓપનિંગ થયું હતું. તેનું ભવ્ય ઓપનિંગ હવે 1 નવેમ્બર, 2025 ના રોજ થયુ છે. વાર્ષિક આશરે 50 લાખ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે.

ઈજિપ્તમાં ખૂલ્યું દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ: 57 હજાર કલાકૃતિ, ત્રણ હજાર વર્ષ તૂતનખામનની કબર અને ખજાનો મૂકાયો 3 - image