ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ: વિશ્વનું સૌથી મોટુ રેલવે સ્ટેશન, જાણો ક્યાં આવેલુ છે અને તેની ખાસિયતો
Image Source: Wikipedia
વોશિંગ્ટન, તા. 31 મે 2023 બુધવાર
રેલવે ભારત જ નહીં દુનિયાના મોટા ભાગના દેશોમાં કનેક્ટિવિટીનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. ટ્રેનથી એક દિવસમાં લાખો લોકો મુસાફરી કરે છે. દરમિયાન આપણે જો દુનિયાના સૌથી લાંબા પ્લેટફોર્મની વાત કરીએ તો તે ભારતના કર્ણાટકમાં હુબલી રેલવે સ્ટેશન પર હાજર છે. દેશનું સૌથી મોટુ રેલવે સ્ટેશન હાવડા જંક્શન છે. ત્યાં 26 પ્લેટફોર્મ છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી મોટુ રેલવે સ્ટેશન કયુ છે.
આ રેલવે સ્ટેશનનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલુ છે. આ રેલવે સ્ટેશનની કેટલીક વાતો તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ એરિયાના મામલે નહીં પરંતુ સૌથી વધુ પ્લેટફોર્મના મામલે દુનિયાનું સૌથી મોટુ રેલવે સ્ટેશન છે.
વિશ્વનું સૌથી મોટુ રેલવે સ્ટેશન ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ છે. આ અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં સ્થિત છે. આ સ્ટેશનનું નિર્માણ વર્ષ 1903થી 1913ની વચ્ચે કરવામાં આવ્યુ. તેનુ નિર્માણ તે સમયે થયુ, જ્યારે આધુનિક મશીનો નહોતા. આ સૌથી મોટા રેલવે સ્ટેશનને બનાવવામાં બે વર્ષથી પણ વધુ સમય લાગી ગયો હતો.
બે અન્ડરગ્રાઉન્ડ લેવલ
તમને જાણીને નવાઈ લાગશે કે ન્યૂયોર્કના આ રેલવે સ્ટેશન પર કુલ 44 પ્લેટફોર્મ છે એટલે કુલ 44 ટ્રેનો એક સાથે અહીં ઊભી રહી શકે છે. આ સ્ટેશન પર દરરોજ લગભગ 660 મેટ્રો નોર્થ ટ્રેન પસાર થાય છે અને 1,25,000 મુસાફરો સફર કરે છે. આ રેલવે ટર્મિનલમાં બે અન્ડરગ્રાઉન્ડ લેવલ છે. ત્યાં 41 ટ્રેક્સ ઉપરી સ્તરે અને 26 ટ્રેક્સ નીચલા સ્તરે છે. આ સ્ટેશન 48 એકર જમીન પર બનાવવામાં આવ્યુ છે.
આ સ્ટેશન પર સિક્રેટ પ્લેટફોર્મ છે
આ રેલવે સ્ટેશન પર એક સિક્રેટ પ્લેટફોર્મ પણ છે જે સ્ટેશનના બિલકુલ બાજુમાં બનેલા વોલ્ડોર્ફ એસ્ટોરિયા હોટલની નીચે છે. પ્રેસિડેન્ટ ફ્રેંકલિન રુસવેલ્ટ હોટલથી સીધા આ સિક્રેટ પ્લેટફોર્મ પર વ્હીલચેરના સહારે ઉતર્યા હતા જેનાથી તેઓ જનતા અને મીડિયાનો સામનો કરવાથી બચી શકે. દર વર્ષે સ્ટેશન પરથી લગભગ 19 હજાર વસ્તુઓ ખોવાઈ જાય છે અને તેમાંથી લગભગ 60 ટકા તંત્ર દ્વારા પાછી આપી દેવામાં આવે છે.