Get The App

ગૂગલ, સ્ટારક્લાઉડ અને એથરફ્લક્સની સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવાની તૈયારીઓ

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
ગૂગલ, સ્ટારક્લાઉડ અને એથરફ્લક્સની સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવાની તૈયારીઓ 1 - image


- ગેલેન્ટિક બ્રેઈન 2027માં ઓપરેશનલ થશે

- ગૂગલ 'પ્રોજેક્ટ સનકેચર' સાથે એનવીડિયાના એડવાન્સ જીપીયુનું ભ્રમણકક્ષામાં ટેસ્ટિંગ કરી રહી છે

કેલિફોર્નિયા: 2025માં ડેટા સેન્ટર્સ પાછળ 61 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ઈન્વેસ્ટમેન્ટ બાદ ન્યૂક્લિયર પાવર્ડ ડેટા સેન્ટર્સ, પાણીની અંદર ડેટા સેન્ટર્સની ચર્ચાઓ શરૂ થઈ હતી. આ વચ્ચે ગૂગલ, એથરફ્લક્સ અને સ્ટારક્લાઉડ જેવી કંપનીઓ પૃથ્વી પર ડેટા સેન્ટર્સની જગ્યાએ ઓર્બિટલ ડેટા સેન્ટર્સ બનાવવાની યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સ્પેસમાં સૌર ઊર્જા છે, જમીન સંપાદન જેવા અવરોધો નથી અને પાણીના વધુ પડતા વપરાશની ફરિયાદનો છેડ ઉડી જાય છે.    

જેમ જેમ એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ ગ્રીડ પર દબાણ વધી રહ્યું છે. આ વચ્ચે મોટી કંપનીઓએ ડેટા સેન્ટર્સને સ્પેસમાં બનાવવા માટે જરૂરી પરીક્ષણો શરૂ કરી દીધા છે. ગૂગલે 'પ્રોજેક્ટ સનકેચર' સાથે સ્પેસમાં પરીક્ષણો શરૂ કરી દીધા છે. રિપોર્ટ મુજબ, તેઓ ભ્રમણકક્ષામાં એનવીડિયા જીપીયુ ચલાવી રહ્યાં છે. જે લેસર લિંક સાથે જોડાયેલું છે. 

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પ્રોજેક્ટ સનકેચર વિશે જણાવ્યું હતું કે, સ્પેસમાં આપણે સૌર ઉર્જાનો મહત્ત્મ ઉપયોગ કરી શકીએ છીએ. પૃથ્વી પરની ઉર્જા કરતા સ્પેસમાં ૧ ટ્રિલિયન ગણી વધુ ઉર્જા છે. ભવિષ્યમાં સ્પેસ-બેઝ્ડ ડેટા સેન્ટરો સામાન્ય બનશે. મળતી માહિતી મુજબ, ગૂગલ સેટેલાઈટ ઈમેજિંગ ફર્મ પ્લેનેટ સાથે ભાગીદારીમાં સ્પેસ ડેટા સેન્ટર્સ બનાવશે. આ માટે તે બે પાયલોટ સેટેલાઈટ પણ લોન્ચ કરશે. 

ગૂગલ એકલી કંપની નથી જે સ્પેસ ડેટા સેન્ટર્સ બનાવવાની તૈયારીઓ કરી રહી છે. એનવિડિયા દ્વારા સમર્થિત સ્ટાર્ટઅપ સ્ટારક્લાઉડે તેનો પહેલો એઆઈ સજ્જ સેટેલાઈટ સ્પેસમાં મોકલ્યો છે. સીઈઓ ફિલિપ જ્હોનસ્ટને કહ્યું કે, સ્પેસ ડેટા સેન્ટર્સ ૧૦ ગણું ઓછું કાર્બન ઉત્સર્જન કરશે. સ્પેસ એનર્જી સ્ટાર્ટઅપ એથરફ્લક્સ ઓર્બિટલ ડેટા સેન્ટર ગેલેન્ટિક બ્રેઈન બનાવી રહી છે.   છેલ્લા ઘણા સમયથી સ્પેસમાં ઉપયોગમાં લેવામાં આવતા એઆઈ હાર્ડવેર એવા સેટેલાઈટ્સના ખર્ચમાં ભારે ઘટાડો થયો છે.મેકકિન્સેના અહેવાલ મુજબ, ૨૦૩૦ સુધીમાં પૃથ્વી પરના ડેટા સેન્ટર્સ ચલાવવા માટે ૫ ટ્રિલિયન ડોલરથી વધુ ખર્ચ કરવો પડશે.