Get The App

મોબાઈલમાં લોકેશન બંધ હોય તો પણ ગૂગલ તમને ટ્રેસ કરી શકે છે

Updated: Nov 18th, 2022

GS TEAM


Google News
Google News
મોબાઈલમાં લોકેશન બંધ હોય તો પણ ગૂગલ તમને ટ્રેસ કરી શકે છે 1 - image


- અમેરિકામાં ચાર વર્ષની તપાસ પછી ઘટસ્ફોટ થયો

- યુઝર્સના લોકેશન જાણવા બદલ ગૂગલ અમેરિકાની 40 રાજ્ય સરકારોને 39.2 કરોડ ડોલર ચૂકવશે

વોશિંગ્ટન : આપણા મોબાઈલ ફોનમાં લોકેશન બંધ કર્યા પછી પણ ગૂગલ આપણું લોકેશન ટ્રેસ કરી શકે છે. અમેરિકામાં ચાર વર્ષ સુધી ચાલેલી તપાસ પછી ગૂગલના આ કરતૂતોની જાણ થઈ છે. 

અમેરિકન સરકારની તપાસમાં એ પણ જણાયું કે વર્ષ ૨૦૧૮ પહેલા સુધી ગૂગલ અમેરિકામાં ગૂગલ એપથી લોગઆઉટ થયા પછી પણ યુઝર્સનું લોકેશન ટ્રેસ કરી લેતું હતું. યુઝર્સના લોકેશનની ૨૪ કલાક માહિતી રાખવાના કેસમાં ગૂગલ અમેરિકાની ૪૦ રાજ્ય સરકારોને ૩૯.૨ કરોડ ડોલર આપશે. નાણાકીય ચૂકવણી ઉપરાંત ગૂગલ નવા વર્ષથી સ્પષ્ટ રીતે એ જણાવશે કે તે લોકેશનનો ડેટા કેવી રીતે એકત્ર કરે છે. 

આ સિવાય ગૂગલ એમ પણ જણાવશે કે લોકેશન ટ્રેકિંગ ઓફ થયા પછી પણ કેવા પ્રકારનો ડેટા લઈ શકાય છે. ગૂગલ યુઝર્સને લોકેશન ટ્રેકિંગને નિષ્ક્રિય કરવાની રીતોની સાથે સેટિંગ દ્વારા એકત્ર કરેલા ડેટાને ડિલિટ કરવા તથા ડેટા રાખવાની સમય મર્યાદા નિશ્ચિત કરવાનું પણ શીખવશે. લોકેશન ટેક્નોલોજી અંગે પણ ગૂગલ નવા વર્ષથી અમેરિકન યુઝર્સને વિસ્તૃત માહિતી આપશે. 

નિષ્ણાતોના જણાવ્યા મુજબ યુઝર્સના લોકેશનનો ડેટા કંપનીઓને યુઝર્સની ટેવો, ખરીદીની રીતો અને યુઝર્સની ખરીદ ક્ષમતાની માહિતી મળે છે. ત્યાર પછી કંપનીઓ યુઝર્સને તેમની જરૂરિયાતો મુજબ જાહેરાત મોકલે છે. અનેક નાણાકીય કંપનીઓ લેવડ-દેવડની બાબતમાં પણ યુઝર્સના લોકેશનના ડેટા જૂએ છે, જેનાથી તેની ખર્ચ ક્ષમતાનો પણ ખ્યાલ આવી શકે છે. 

Tags :