World

અફઘાનિસ્તાનમાંથી આવતો માલ અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે

By GS TEAM
25 Oct 20252 mins read
અફઘાનિસ્તાનમાંથી આવતો માલ અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે

- અફઘાનિસ્તાનમાંથી આવતા શાકભાજી પણ બંધ થતા પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા નીચેના કાશ્મીરમાં શાકભાજીના ભાવ આસમાને

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં એક વિશિષ્ટ પરિમાણ ઉમેરાયું છે. યુદ્ધ શરૂ થયું તે પહેલાં તો અફઘાનિસ્તાનમાંથી શાકભાજી અને ફળો છૂટથી પાકિસ્તાન અને પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીરમાં મળી શકતા હતા પરંતુ પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાંથી આવતી કોઈ પણ ચીજવસ્તુ હવે પ્રતિબંધિત કરાઈ છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહીર હુસૈન અંદ્રાવીએ કહ્યું હતું કે, 'જ્યાં સુધી સરહદ ઉપર પરિસ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી અફઘાનિસ્તાનમાંથી આવતો દરેક પ્રકારનો માલ હવે પ્રતિબંધિત જાહેર કરાયો છે. જ્યાંથી માલ આવવા દેવાતો જ નથી કારણ કે જે જે જગ્યાઓએથી અને માર્ગેથી માલ આ તરફ આવે છે તે સલામતીના કારણોસર બંધ કરવો પડયો છે કારણ કે અફઘાનો પાકિસ્તાનીઓને મારી રહ્યા છે. અમારે મન ચીજ- વસ્તુઓના વ્યાપાર કરતા માનવીઓનું જીવન વધુ મહત્ત્વનું છે.'

તાહીર હુસૈને તેમના પ્રેસ-બ્રિફિંગમાં આ પ્રમાણે જણાવ્યું હતું સાથે તેમ પણ કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનમાં આવતી 'કુન્તાર' નદી ઉપર અફઘાનો તેમની બાજુએ બંધ બાંધી રહ્યા છે તેથી સુકા તેવા ખૈબર પખ્તુન્વા વિસ્તારમાં વધુ મુશ્કેલી ઉભી થવાની છે.

મહત્ત્વની વાત એ છે કે અફઘાનિસ્તાન વચ્ચે સરહદી છમકલા ચાલ્યા જ કરે છે અને તે પણ કતાર અને તુર્કીએ યુદ્ધ વિરામ કરાવ્યા પછી પરિણામ તે આવ્યું છે કે અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં તેમની પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીરના ફળો અને શાકભાજીના ભાવ આસમાને ગયા છે. ટમેટા, ડુંગળી, કેળા, દ્રાક્ષ અને સફરજનના ભાવ આસમાને ગયા છે.

પી.ઓ.કે.ના એક વેપારી હમઝાએ કહ્યું હતું કે, પહેલા ટમેટા ૧૦૦ રૂપિયે કિલો મળતા હતા તે હવે ૫૦૦ રૂપિયે કિલો મળે છે તેવી જ રીતે સબ્જીમંડીની દરેક ચીજોનો ભાવ પાંચથી છ ગણા થઈ ગયા છે. આથી આની એક અસર તે થઈ છે કે લોકો તે ખરીદી શકે તેમ નથી. ખરીદે તો પણ બહુ ઓછા પ્રમાણમાં ખરીદે છે. તેથી વેપારીઓને બેવડો માર પડે છે એક તરફ ઉંચા ભાવે માલ ખરીદવો પડતો હોય પૈસાનું રોકાણ વધુ થાય છે તો બીજી તરફ માલની ખપત ઓછી થઈ જતા વકરો અને નફો બંને ઘટી જાય છે. આથી પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંત તથા પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીર અને છેક પંજાબ સુધી માલની અછત જોવા મળે છે. આથી પાક કબ્જા નીચેના કાશ્મીરમાં શાકભાજી અને ફળોનો વ્હોલસેલ વેપારીઓને ૨.૫ લાખ જેટલા રૂપિયા (પાક. રૂપિયા) જેટલું નુકસાન વેઠવું પડયું છે. જ્યોર નાના કે મધ્યમ વેપારીને ઓછામાં ઓછું ૪૦,૦૦૦નું નુકસાન વેઠવું પડયું છે.

એક તરફ અનાજ, લોટ, કઠોળના ભાવ આસમાને જઈ રહ્યા છે ત્યાં શાકભાજી અને ફળોના ભાવ સીધા પાંચ ગણા થઈ જતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.