Get The App

ખુશખબર: ટ્રમ્પ ટેરિફ નાંખી જ ના શકે: સુપ્રીમ

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
ખુશખબર: ટ્રમ્પ ટેરિફ નાંખી જ ના શકે: સુપ્રીમ 1 - image

- અમેરિકાની સર્વોચ્ચ અદાલતનો ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવતો શકવર્તી ચુકાદો

- સુપ્રીમનો ચુકાદો અત્યંત નિરાશાજનક છતાં મારી પાસે ટેરિફ ઝીંકવા 'બેક અપ પ્લાન' તૈયાર: ટ્રમ્પની તુમાખી

- ટ્રમ્પે ટેરિફ હેઠળ વસૂલેલા 133 અબજ ડોલર હવે પાછા આપવા પડશે પણ ક્યારે તે અંગે અટકળો

- અમેરિકાની સુપ્રીમ કોર્ટનો 6-3ના બહુમતથી પ્રમુખ ટ્રમ્પની ટેરિફ નીતિને મોટો ફટકો

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળ્યા પછી નેશનલ ઈમર્જન્સી પાવર એક્ટ હેઠળ દુનિયાના લગભગ બધા દેશો પર 'રેસિપ્રોકલ' ટેરિફનું શસ્ત્ર ઉગામીને આખા વિશ્વને હચમચાવી નાંખ્યું હતું. પરંતુ હવે એક વર્ષ પછી અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે આદેશ આપ્યો કે અમેરિકન બંધારણમાં ટેરિફ નાંખવાનો અધિકાર માત્ર સંસદને અપાયેલો છે. પ્રમુખ ટ્રમ્પને ટેરિફ નાંખવાનો કોઈ કાયદાકીય અધિકાર જ નથી. આથી, ટ્રમ્પે દુનિયાના દેશો પર નાંખેલા રેસિપ્રોકલ સહિતના ટેરિફ ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ૬-૩ની બહુમતીથી આ ચૂકાદો આપતા ટ્રમ્પની આક્રમક વિદેશ અને વેપાર નીતિને મોટો ફટકો પહોંચાડયો છે. જોકે, ટ્રમ્પે ટેરિફ મારફત દુનિયાભરમાંથી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ૧૩૩ અબજ ડોલર અમેરિકાના ખજાનામાં ઠાલવ્યા છે. આ રકમ કંપનીઓને રીફન્ડ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કોઈ ફોડ પાડયો નથી. બીજીબાજુ અમેરિકાના નાના ઉદ્યોગોએ ઝડપથી રીફન્ડ મળવાની આશા વ્યક્ત કરી છે. આ ચૂકાદાથી અમેરિકાના આયાતકારોને લાભ થયો છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે, પ્રમુખ ટ્રમ્પે જે કાયદાના આધાર પર ટેરિફ નાંખ્યા છે, તે કાયદો પ્રમુખને ટેરિફ નાંખવાની મંજૂરી નથી આપતો. મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સે લખ્યું, પ્રમુખ પોતાના અસાધારણ અધિકારનો દાવો કરે છે કે તેઓ એકતરફી રૂપે અમર્યાદિત રકમ, અવધી અને દાયરાના ટેરિફ લગાવી શકે છે, પરંતુ આ દાવાના અધિકારની વ્યાપક્તા, ઈતિહાસ અને બંધારણીયતાના સંદર્ભને જોતા તેમણે ટેરિફ નાંખવા માટે કોંગ્રેસની મંજૂરી બતાવવી પડે, જે તેમની પાસે નથી. સુપ્રીમે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા આખી દુનિયા સાથે યુદ્ધ નથી કરી રહ્યું. બંધારણ ઘડનારાઆઓએ ટેક્સ લગાવવાની સત્તા સરકારને આપી નથી.

વ્હાઈટ હાઉસમાં પુનઃ સત્તા પર આવ્યા પછી પ્રમુખ ટ્રમ્પે એપ્રિલ ૨૦૨૫માં લગભગ દરેક દેશને અસર કરતા 'રેસિપ્રોકલ' ટેરિફ નાંખ્યા હતા અને તેને 'લિબરેશન ડે' અમેરિકાના જૂના વ્યાપારિક સંબંધોને ઝડપથી નવું રૂપ આપ્યું હતું. પ્રમુખ ટ્રમ્પે ઈન્ટરનેશનલ ઈમર્જન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ (આઈઈપીએ)ની નવી વ્યાખ્યા હેઠળ આખી દુનિયા પર ટેરિફ નાંખ્યા હતા. જોકે, ટ્રમ્પના ટેરિફના નિર્ણયને અમેરિકન નાના આયાતકારો અને અનેક રાજ્યોની સરકારોએ કોર્ટમાં પડકાર્યા હતા. 

સુપ્રીમ કોર્ટે ઉમેર્યું કે, આઈઈપી કાયદો પ્રમુખને અસામાન્ય અને અસાધારણ જોખમોનો સામનો કરવા માટે રાષ્ટ્રીય ઈમર્જન્સી જાહેર કર્યા પછી વિદેશી સંપત્તિની આયાત લેવડ-દેવડને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. ટ્રમ્પ સરકારનો તર્ક હતો કે ૧૯૭૭ના આઈઈપી કાયદાની આ ભાષા પ્રમુખને વિદેશી વસ્તુઓ પર ટેરિફ લગાવવાનો અધિકાર આપે છે. પરંતુ ટ્રમ્પના નિર્ણયને કોર્ટમાં પડકારનારાઓની દલીલ હતી કે, આ કાયદો પ્રમુખને કોઈપણ દેશ પર કોઈપણ સમયે એકતરફી ટેરિફ નાંખવાની મંજૂરી આપતો નથી. એક ફેડરલ ટ્રેડ કોર્ટ અને ફેડરલ એપેલેટ કોર્ટે અગાઉથી જ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ઠરાવી ચૂકી હતી, જેથી આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.જોકે, સુપ્રીમ કોર્ટની નવ જજોની બેન્ચમાંથી ત્રણ જજો સેમ્યુઅલ અલિટો, ક્લેરેન્સ થોમસ અને બ્રેટ કેવનોએ બહુમત ચૂકાદા અંગે અસહમતી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના ચૂકાદા છતાં ટ્રમ્પ સરકારના સૂત્રોએ કહ્યું કે, આ ચૂકાદો ટ્રમ્પને અન્ય કાયદાઓ હેઠળ ટેક્સ લગાવતા રોકતો નથી. જોકે, તેમાં ટ્રમ્પના કામોની ગતિ અને ગંભીરતા પર વધુ નિયંત્રણો આવશે. ટ્રમ્પ સરકારના અધિકારીઓનું કહેવું છે કે તેઓ અન્ય ઓથોરિટી હેઠળ ટેરિફ ફ્રેમવર્ક જાળવી રાખવાની આશા રાખી રહ્યા છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને નિરાશાજનક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, દંડાત્મક ટેરિફ માટે તેમની પાસે 'બેકઅપ પ્લાન' છે. ફેડરલ સરકારના અધિકારીઓએ પ્રમુખ ટ્રમ્પને સુપ્રીમનો ચૂકાદો વિપરિત આવવાની સંભાવનાઓ માટે તૈયાર રાખ્યા હતા અને તેમને ખાતરી આપી હતી કે સુપ્રીમ કોર્ટ ટેરિફને ગેરકાયદે ઠેરવે તો તેમની પાસે તેમના ટ્રેડ એજન્ડાને આગળ વધારવા માટે વૈકલ્પિક માર્ગો છે.