માથામાં વાળના સ્થાને સોનાની ચેઇન ઇમ્પ્લાન્ટ કરતો મેક્સિકન રેપર
મેક્સિકોનો ગોલ્ડન રેપર ડેન સુર
આ પ્રકારને વાળ કઢાવીને સોનું કે કોઈ ધાતુ ઇમ્પ્લાન્ટ કરવી જોખમી પ્રક્રિયાઃ નિષ્ણાતો
નવી દિલ્હીઃ સેલિબ્રિટીઓ તેમની હેરસ્ટાઇલ અંગે જાત-જાતના અખતરા કરતા હોય છે. તેમા મેક્સિકન રેપર ડેન સુર એક ડગલું આગળ વધી ગયો છે. તેણે તેના માથાના વાળ બધા કઢાવી નાખીને તેના સ્થાને સોનાની ચેઇન ઇમ્પ્લાન્ટ કરાવી છે. તેના નવા મ્યુઝિક વિડીયોમાં તેનો આ લૂક જબરજસ્ત લાગે છે.
સોનાની ચેઇન સાથેનો તેનો આ વિડીયો ટિકટોક પર આવવાની સાથે તેને લઈને જબરજસ્ત ગણગણાટ જોવા મળ્યો છે. તેની ગોલ્ડ ચેઇનમાં હીરા અને મોતી પણ ફિટ કર્યા છે. ૨૩ વર્ષના આ રેપરનો દાવો છે કે તે માનવ ઇતિહાસનો પ્રથમ રેપર છે જેણે ગોલ્ડ ચેઇનનો હેર તરીકે ઉપયોગ કર્યો છે. તેણ માથામાં વાળ કાઢીને અને ખોપરીમાં ચેઇન ઇમ્પ્લાન્ટ કરાવીને આ રીતે તેના ગોલ્ડન ચેઇનવાળા વાળ કરાવ્યા છે.
આ માટે તે એપ્રિલમાં એક સર્જિકલ પ્રક્રિયામાંથી પસાર થયો હતો. તેણે આ રીતે ગોલ્ડ ચેઇન ફિટ કરાવવા માટે કયા પ્રકારની સર્જરી કરાવી છે તે હજી સુધી જાણી શકાયું નથી. તેણે તેના આવા લૂકમાં જ નવું સોંગ રિલીઝ કર્યુ છે, તેમા તે આ પ્રકારની ગોલ્ડ ચેઇનની સાથે ગોલ્ડ બાર અને ગોલ્ડન ગરોળી સાથે દેખાયો છે.
તેણે જણાવ્યું હતું કે હકીકત એ છે કે હું પોતે કંઇક અલગ કરવા માંગતો હતો, દરેક જણ વાળને કલર કરાવે છે. મારે તેવું કરાવવું ન હતું. હું આશા રાખું કે કોઈ મારી નકલ નહી કરે. જો કે ઘણા લોકોએ ઓનલાઇન પર તેની ચેઇન વાસ્તવિક હોવા અંગે શંકા વ્યક્ત કરી છે. તેઆએ તેના દાવા સામે પણ સવાલ ઉઠાવ્યો છે. તેની સાથે તેઓએ ચિંતા પણ વ્યક્ત કરી છે કે તે આમ કરીને બીજાઓને આમ કરવા પ્રેરશે. આ પ્રકારની પ્રક્રિયા ઘણી જોખમી હોય છે. પ્લાસ્ટિક સર્જન ડો. ફ્રેન્ક અગુલોએ જણાવ્યું હતું કે આ પ્રકારના ઓપરેશન અત્યંત જોખમી હોય છે અને બને ત્યાં સુધી કરાવવા ન જોઈએ. તેના લીધે બહારના બેક્ટેરિયા શરીરમાં સરળતાથી ઘૂસી જાય છે. આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ પ્રકારની ચેઇનના વજન અથવા અકસ્માત કે સોનાની આ ચેઇન ક્યાંક ભરાઈ જાય તો તેના માથાને નુકસાન થઈ શકે છે અથવા તો તેનું માથું ફાટી પણ શકે છે. ફક્ત એટલું જ નહીં આ પ્રકારના મેટલિક હેર સાથે ઊંઘવું પણ અઘરું હોય છે. જો કે આવુ કરનારો ડેન સુર એકલો જ નથી. રેપર લિલ ઉઝી વર્ટે પણ તેના કપાળમાં કુદરતી પિન્ક ડાયમંડ ફિટ કરાવવા માટે ૨.૪ કરોડ ડોલરનો ખર્ચ કર્યો હતો.