World

'જાવ પ્રેમ કરો' : વસંતની રજાઓમાં પ્રેમ કરવા ચીનની યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને આપેલું એલાન

By GS TEAM
24 Mar 20262 mins read
'જાવ પ્રેમ કરો' : વસંતની રજાઓમાં પ્રેમ કરવા ચીનની યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને આપેલું એલાન

- ચીનમાં સતત ચોથાં વર્ષે પણ વસ્તી વધારો ઘટી રહ્યો છે

- સિચુયાન, જિયાંગ-સૂ, સૂઝો તથા નાનજિંગમાં એપ્રિલના અંતે કે મેના પ્રારંભમાં વસંતની રજાઓ માટે ખાસ પ્લાન બનાવવો શરૂ કર્યો

બૈજિંગ : ચીનની સરકારે તાજેતરમાં સ્કૂલો અને કોલેજો માટે પરંપરાગત ઉનાળુ કે શિયાળુ રજાઓને બદલે વસંત અને શરદ ઋતુમાં રજાઓ આપવા નિર્ણય કર્યો છે. સિચુયાન, જિયાંગ-સૂ સૂઝો અને નાન જિંગ જેવાં શહેરોની શાળાઓ અને કોલેજોમાં હવે, એપ્રિલના અંતથી અને મેની શરૂઆતથી વસંત દરમિયાન રજા રાખવાની યોજના ઘડી કાઢી છે.

આ એલાન એવા સમયે અપાયું છે કે જ્યારે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ઊંચો ગ્રેડ મેળવવા અભ્યાસમાં વ્યસ્ત હોય. ચીનમાં છેલ્લાં ચાર વર્ષથી ૨૦૨૫ના અંત સુધી વસ્તી વધારામાં સતત ઘટાડો થઇ રહ્યો છે તેથી સરકાર ચિંતિત બની છે.

સિચુયાન સાઉથ વેસ્ટ વૉકેશનલ કોલેજ ઓફ એવીએશને પોતાના ઓફીશ્યલ વી-ચેટ એકાઉન્ટ ઉપર મહત્વની જાહેરાત કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ૧ એપ્રિલથી ૬ એપ્રિલ સુધી ચાલનારી વસંતની રજાઓનાં થીમ રહેશે ફૂલો જુઓ અને રોમાન્સનો આનંદ લેતા રહો.

મંગળવારે પ્રસિધ્ધ કરાયેલી આ નોટિસમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓન કહેવામાં આવ્યું છે કે પુસ્તકોને એક તરફ રાખી પ્રકૃતિનો આનંદ માણો અને રોમાન્ટિક પળોનો આસ્વાદ માણો.

આ નિર્ણય શિક્ષણનું દબાણ ઘટાડવા તથા યુવાનો અને યુવતીઓને રસસભર જીવન જીવવા પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત કર્મચારીઓ માટે પેઇડ લીવની પણ વ્યવસ્થા વિચારાઈ છે જેથી ઓફ સીઝનમાં લોકો પ્રવાસ કરી શકે.

આ પાછળનો સરકારનો હેતુ ૧.૪ અબજની વસ્તીવાળા આ દેશમાં જ રહેલાં પર્યટન અને મનોરંજનની ગતિવિધિઓને પુષ્ટિ આપવાનો છે અને તે દ્વારા અર્થતંત્રને પણ ગતિ આપવાનો હેતુ છે.