- અમેરિકાની લોકહીડ-માર્ટીન નોર્થ-રોપ ગ્રૂમાન અને જનરલ ડાયનેમિકસની આવકમાં 334 બિલિયન ડોલરનો જંગી વધારો અમેરિકા એફ-35 વહેતા મૂકવાનું છે
સ્ટોકહેમ : દુનિયાભરમાં ચાલી રહેલા અનેક સશસ્ત્ર સંઘર્ષને લીધે શસ્ત્રાસ્ત્ર ઉત્પાદક કંપનીઓની આવકમાં જંગી વધારો થયો છે. ૨૦૨૪માં ૧૦૦ જેટલી શસ્ત્ર ઉત્પાદક કંપનીઓએ તેમના નફામાં ૫.૯ ટકાનો વધારો ગત વર્ષ કરતાં વધુ કર્યો છે, તે કંપનીઓનું એકીકૃત વેચાણ ૨૦૨૪માં ૬૭૯ બિલિયન ડોલર જેટલું થયું છે જે હજી સુધીમાં નોંધાયેલા વેચાણના આંકમાં સૌથી વધુ છે.
આ માહિતી આપતાં સ્ટોકહેમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ (સીપી)એ સોમવારે જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ અને ગાઝા યુદ્ધ સહિત દુનિયાના અનેક દેશોમાં થઈ રહેલા નાના-મોટા સંઘર્ષોને લીધે શસ્ત્ર ઉત્પાદક કંપનીઓનો નફો ઘણો વધી ગયો છે. કારણ કે વેચાણમાં જંગી વધારો થયો છે.
ઉલ્લેખનીય તે છે કે, આ શસ્ત્ર ઉત્પાદન વધારો યુરોપીય અને અમેરિકી કંપનીઓ દ્વારા કરાયો છે. તેમનો નફો પણ વધ્યો છે.
આ કંપનીઓ પૈકી લોકહીડ-માર્ટીન નોર્થહોપ ગુમાન અને જનરલ ડાયનેમિકસનો નફો તો સૌથી ઊંચો ગયો છે. તેઓની સંયુક્ત આવકમાં ૩.૮ ટકાનો વધારો, ૨૦૨૪માં નોંધાયો હતો. ટકાવારી ઘણી નીચી દેખાય છે પરંતુ રકમ ૩૩૪ બિલિયન ડોલર્સ જેટલી પહોંચી ગઈ છે. તેવામાં અમેરિકા હવે તેના અત્યંત આધુનિક યુદ્ધ વિમાનો એફ-૩૫ બજારમાં મુકવાનું છે. પરિણામે શસ્ત્ર ઉત્પાદન આંક વધીને ક્યાં પહોંચશે તે કહી શકાય તેમ નથી.
કેટલીક શસ્ત્ર ઉત્પાદક કંપનીઓએ સારો એવો વિસ્તાર કર્યો છે. તેમ નોંધતાં આ રીપોર્ટ જણાવે છે કે ઝેક રીપબ્લિકના ઝેકોસ્લોવાક ગ્રૂપે તો ૧૯૩ ટકા જેટલો વધારો હાંસલ કર્યો છે. તેનું કારણ તે છે કે, ઝેક સરકારે યુક્રેનને આર્ટિલરી શેલ્સ (તોપ-ગોળા) આપવા બહુ મોટો સોદો કર્યો છે. જ્યારે યુક્રેનની જ 'જેએસસી ડીફેન્સ ઈન્ડસ્ટ્રી'એ ૪૧ ટકા વધારો કર્યો છે. રશિયાની કંપની 'રોસટેક' અને 'યુનાઈટેડ શિપબિલ્ડીંગ કોર્પોરેશન'ની રેવન્યુમાં ૨૩ ટકાનો વધારો થયો છે. તેનું એકંદર ઉત્પાદન વધીને ૩૧.૨ બિલિયન ડોલર્સ પહોંચ્યું છે, તેનું કારણ તેની આંતરિક જરૂરિયાતો જ છે. તેથી નિકાસમાં થયેલી ઘટ સરભર થઈ છે.
ઈઝરાયલી કંપનીઓએ ૧૬ ટકા ઉત્પાદન વૃદ્ધિ કરી છે. તેનું કુલ ઉત્પાદન ૧૬.૨ બિલિયન ડોલર્સ પહોંચ્યું છે.
જોકે ચાઈનાની કંપનીઓનું ઉત્પાદન ૧.૨ ટકા જેટલું ઘટયું છે, ત્યાં ભ્રષ્ટાચારે આ ઘટાડામાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેમ પણ આ રીપોર્ટ જણાવે છે.


