Get The App

ઇરાન સાથે ધંધો કરવા અમેરિકાને 25% ટેરિફ આપો

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાન સાથે ધંધો કરવા અમેરિકાને 25% ટેરિફ આપો 1 - image

- પીએમ મોદીને મિત્ર અને ભારતને જરૂરી સાથી ગણાવતા અમેરિકાનો ભારત પર કુલ 75 ટકા ટેરિફ

- ટ્રમ્પના નવા ટેરિફથી  બ્રાઝિલ પર કુલ 75 ટકા, ચીન પર 50.8 ટકા ટેરિફ લાગુ થશે : યુએઈ, તુર્કી જેવા દેશોની પણ મુશ્કેલી વધશે

- ઈરાન અંગે ટ્રમ્પના નવા ફતવાથી ભારતની નિકાસને ખાસ અસર નહીં થાય : નિષ્ણાતો

વોશિંગ્ટન : અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે અમેરિકા માટે ભારતને સૌથી જરૂરી સાથી અને પીએમ મોદી તથા પ્રમુખ ટ્રમ્પને સાચા મિત્રો ગણાવ્યાના ૨૪ કલાક પણ નથી થયા ત્યાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ટેરિફ બોમ્બ ફોડયો છે. ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરનારા ભારત સહિતના બધા જ દેશો પર તાત્કાલિક અસરથી વધારાનો ૨૫ ટકા ટેરિફ ઝિંક્યો છે. પ્રમુખ ટ્રમ્પે અગાઉ ભારત પર ૨૫ ટકા રેસિપ્રોકલ, રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બદલ દંડ સ્વરૂપે ૨૫ ટકા ટેરિફ નાંખેલા હતા, જેથી હવે અમેરિકામાં ભારતીય સામાનની નિકાસ પર કુલ ટેરિફ ૭૫ ટકા થઈ ગયો છે. ટ્રમ્પના ટેરિફની અસર ચીન, યુએઈ, બ્રાઝિલ, સહિતના દેશો પર પણ થશે.

ઈરાનમાં આર્થિક કટોકટી, સામાજિક નિયંત્રણોના પગલે ઈસ્લામિક શાસન વિરુદ્ધ દેખાવો અતિ ઉગ્ર બન્યા છે તેવા સમયે ઈરાનની મુશ્કેલીઓમાં વધારો કરવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી હતી કે, ઈરાન સાથે કોઈપણ પ્રકારનો વેપાર કરનારા 'કોઈપણ' દેશના અમેરિકા સાથે બધા જ વેપાર પર ૨૫ ટકા ટેરિફ નાંખવામાં આવશે, જેનો અમલ તાત્કાલિક અસરથી થશે. આ આદેશ અંતિમ અને નિર્ણાયક છે. ટ્રમ્પની આ જાહેરાતથી દુનિયામાં ફરી એક વખત ટ્રેડ વોર શરૂ થવાની આશંકા છે. 

ટ્રમ્પની ૨૫ ટકા ટેરિફની જાહેરાતની અસર ભારત, ચીન, બ્રાઝિલ, યુએઈ, પાકિસ્તાન, આર્મેનિયા જેવા ઈરાનના વેપારી ભાગીદાર દેશો પર પડી શકે છે. અમેરિકાના પ્રતિબંધો છતાં ઈરાન અનેક દેશો સાથે ક્રૂડ ઓઈલ અને ગેસનો વેપાર કરે છે, જે મોટાભાગે સ્થાનિક કરન્સી મારફત થાય છે. કેટલાક અહેવાલો મુજબ ઈરાનના ક્રૂડ ઓઈલની કુલ નિકાસમાં ૭૦થી ૮૦ ટકા ચીનમાં જાય છે.  ચીન ઈરાનનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે અને ઈરાનીયન ઓઈલનું દુનિયામાં સૌથી મોટું ખરીદદાર છે. અમેરિકાના પ્રતિબંધ છતાં ઈરાન ડાર્ક શિપિંગ મારફત તેનું ક્રૂડ ઓઈલ ચીન મોકલે છે.

ગયા વર્ષે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ફાટી નીકળ્યું હતું, જેમાં બંને દેશોએ એકબીજા પર રેસિપ્રોકલ ટેરિફ નાંખ્યા હતા. જોકે, ઓક્ટોબર ૨૦૨૫માં જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે વાટાઘાટો થયા પછી અમેરિકાએ ચીનના સામાન પરના ટેરિફ ૪૦.૮ ટકાથી ઘટાડીને ૩૦.૮ ટકા કરી દીધા હતા. હવે વધુ ૨૫ ટકા ટેરિફથી ચીન પર અમેરિકાના કુલ ટેરિફ ૫૦.૮ ટકા થઈ જશે, જેને પગલે અમેરિકા અને ચીન વચ્ચે ફરી એક વખત ટ્રેડ વોર શરૂ થવાની ભીતિ સેવાઈ રહી છે. એ જ રીતે ટ્રમ્પે બ્રાઝિલ પર પણ કુલ ૫૦ ટકા ટેરિફ નાંખેલા છે. ઈરાન સાથે વેપાર બદલ બ્રાઝિલ પર પણ કુલ ટેરિફ ભારત જેટલો જ ૭૫ ટકા થઈ જશે. યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા પછી રશિયાએ પણ ઈરાન સાથે વેપાર વધાર્યો છે. 

જો કે ચોખાની નિકાસની બાબતમાં ભારતને તાત્કાલિક ખલેલ પડવાની શકયતા જોવાતી નથી કારણ કે આ નિકાસ માનવતાના ધોરણે થઈ રહી છે, એમ સ્થાનિક નિકાસકારો દાવો કરી રહ્યા છે.

ઈરાન પર આ અગાઉ જ લગાવાયેલા પ્રતિબંધોનું ભારત સંપૂર્ણ રીતે પાલન કરતું હોવાથી ઈરાન ખાતે તેની નિકાસ મુખ્યત્વે ખાધ્ય પદાર્થો તથા ઔષધો સુધી સીમિત રહેલી છે. આ હકીકતને ધ્યાનમાં રાખતા ભારતની ઈરાન નિકાસને કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે એમ ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું.અમેરિકાના નાણાં મંત્રાલયની ધ ઓફિસ ઓફ ફોરેન એસેટસ કન્ટ્રોલે આ અગાઉ જ ઈરાન પર અનેક આર્થિક પ્રતિબંધો જાહેર કરેલા છે. મોટાભાગના આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહાર અમેરિકન ડોલરમાં થતા હોવાથી આવા પ્રકારના પ્રતિબંધો વિદેશની કંપનીઓ તથા નિકાસકારોને અસર કરતા હોય છે.વિવિધ દેશો દ્વારા ઈરાનમાં ખાધ્ય પદાર્થો માનવતા ધોરણે મોકલવામાં આવતા હોવાથી નવેસરની ટેરિફની ચીમકી આ દેશોની અમેરિકા તથા ઈરાન ખાતેેની નિકાસ પર અસર નહીં કરે એમ પણ હોદ્દેદાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.જો કે અમેરિકા દ્વારા આ મુદ્દે હજુ ખાસ સ્પષ્ટતા આવી નથી. ઈરાનને આર્થિક રીતે નબળુ પાડી દેવાના ભાગરૂપ અમેરિકાએ નવા ટેરિફની જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે.

ઈરાનના ટોચના પાંચ બિઝનેસ પાર્ટનરમાં ભારત સામેલ

ઈરાન જતા રૂ. 12 હજાર કરોડના બાસમતી ચોખા બંદર પર અટવાયા

- વર્ષ 2025ના પહેલા 10 મહિનામાં ભારત અને ઈરાનનો દ્વિપક્ષીય વેપાર 1.34 અબજ ડોલરે પહોંચ્યો

તહેરાન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર તાત્કાલિક અસરથી નાંખેલા ૨૫ ટકા એક્સ્ટ્રા ટેરિફના પગલે ભારતથી ઈરાન જતા બાસમતી ચોખા સહિત અનેક વસ્તુઓની નિકાસ અટવાઈ ગઈ છે. ટ્રમ્પે તાત્કાલિક અસરથી નાંખેલો ૨૫ ટેરિફ ભારતીય નિકાસકારો વિશેષરૂપે બાસમતી ચોખા માટે મુસીબત બની શકે છે. ભારત પ્રત્યેક વર્ષે ઈરાનમાં અંદાજે રૂ. ૧૨,૦૦૦ કરોડના મૂલ્યના બાસમતી ચોખાની નિકાસ કરે છે. અમેરિકાના ટેરિફથી ચોખાની નિકાસ સંકટમાં મુકાઈ શકે છે. તહેરાનમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ ભારત અને ઈરાન મોટા કારોબારી ભાગીદાર છે. તાજેતરના વર્ષોમાં ઈરાનના પાંચ મોટા વેપાર ભાગીદારોમાં ભારતનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૫ના પહેલા ૧૦ મહિનામાં ભારત અને ઈરાનનો દ્વિપક્ષીય વેપાર ૧.૩૪ અબજ ડોલરે પહોંચ્યો હતો. કેટલાક રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પના ટેરિફ તેમજ ઈરાનમાં અરાજક્તાના પગલે અંદાજે રૂ. ૨,૦૦૦ કરોડના મૂલ્યના કન્સાઈનમેન્ટ ઈરાન જવા માટે પોર્ટ્સ પર ફસાયા છે.

વાણિજ્ય વિભાગના આંકડા પર નજર કરીએ તો નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર અંદાજે ૧.૬૮ અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો, જેમાં ભારતે ૧.૨૪ અબજ ડોલરના સામાનની નિકાસ કરી હતી જ્યારે ૦.૪૪ અબજ ડોલરની આયાત કરી હતી, જે ૨૦૨૨-૨૩ના ૨.૩૩ અબજ ડોલરથી ઘટીને ૨૦૨૩-૨૪માં ૧.૮૫ અબજ ડોલર રહ્યો હતો. આમ, ઈરાન સાથે ભારતની ૦.૮૦ અબજ ડોલરની ટ્રેડ સરપ્લસ હતી. ૨૦૨૩માં ભારતમાંથી ઈરાનમાં કુલ ૧.૧૯ અબજ ડોલરની નિકાસ થઈ હતી જ્યારે ઈરાનથી આયાત ૧.૦૨ અબજ ડોલર રહી હતી. આ સિવાય ઈરાન અને અમેરિકા વચ્ચે સંકટ વધશે તો ઈરાનના ચાબહાર પોર્ટ પર સંચાલન મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

ભારત ઈરાનમાં ચોખા, ચા, ખાંડ, દવાઓ,  સ્ટેપલ ફાઈબર્સ, ઈલેક્ટ્રિકલ મશીનરી, આર્ટિફિશિયલ જ્વેલરી વગેરેની નિકાસ કરે છે જ્યારે ભારત ઈરાનમાંથી સુકા મેવા, ફળ, ઈનઓર્ગેનિક-ઓર્ગેનિક કેમિકલ, કાચનો સામાન વગેરેની આયાત કરે છે. જોકે, અમેરિકાના પ્રતિબંધો પછી ૨૦૧૯થી ભારતે ઈરાનમાંથી ક્રૂડ ઓઈલની આયાત બંધ કરી દીધી છે. જોકે, ભારત ક્રૂડ ઓઈલ સિવાય અનેક વસ્તુઓની આયાત કરે છે.