This Airport in New Zealand Has Trains Running Across Its Runway : એરપોર્ટના રન-વે પર કયું વાહન દોડે? એવો સવાલ કોઈ પૂછે તો એનો સીધો ને સટ જવાબ છે- વિમાન. પણ જો કોઈ એમ કહે કે એરપોર્ટના રન-વે પર ટ્રેન દોડે, તો વિશ્વાસ કરી શકો ખરા? માન્યામાં ન આવે એવી વાત છે, પણ આ હકીકત છે. દુનિયામાં એક એવું એરપોર્ટ પણ છે જ્યાં રન-વે પર વિમાનની સાથે ટ્રેનો પણ દોડે છે. ચાલો જાણીએ કે કયા દેશના કયા શહેરમાં આ અનોખું એરપોર્ટ આવેલું છે.
એરપોર્ટની અનોખી રચના
વાહનવ્યવહારનું અનોખું સહઅસ્તિત્વ ધરાવતું આ સ્થળ ન્યૂઝીલેન્ડમાં આવેલું છે. ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડના પૂર્વ દરિયાકાંઠે આવેલા ગિસબોર્ન શહેરનું એરપોર્ટ ટુ-ઈન-વન કહી શકાય એવું છે, કેમ કે અહીંનું રન-વે માત્ર વિમાનો નહીં પરંતુ ટ્રેનો માટે પણ ખુલ્લું છે. આ એરપોર્ટ વિશ્વનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં રન-વે પરથી ટ્રેનો પસાર થાય છે. લગભગ 160 હેક્ટર વિસ્તાર ધરાવતા એરપોર્ટના રન-વેને પાલ્મર્સ્ટન નોર્થ-ગિસબોર્ન રેલવે લાઇન બે ભાગમાં વિભાજિત કરે છે.
એરપોર્ટનું સંચાલન કઈ રીતે થાય છે?
એરપોર્ટ તથા રેલવે લાઇન બંને સવારે 6:30થી રાત્રે 8:30 સુધી કાર્યરત રહે છે. આ સમયગાળામાં ખૂબ જ ચોકસાઈપૂર્વક વિમાનોની અને ટ્રેનોની અવરજવર નિયંત્રિત કરાય છે. ટ્રેન આવવાનો સમય થયો હોય તો વિમાને ઉડાન ભરવાની રાહ જોવી પડે છે અને કોઈ ફ્લાઈટના લેન્ડિંગ કે ઉડાનનો સમય થયો હોય તો ટ્રેનને અટકાવવી પડે છે. આ રીતના ટ્રાફિકનું સંપૂર્ણ સંચાલન એરપોર્ટ મેનેજમેન્ટના હાથમાં છે.
આવી વ્યવસ્થા શા માટે કરાઈ?
આ એરપોર્ટ જ્યાં છે, તે સ્થળે પહેલેથી જ એક રેલવે લાઇન હતી. 1940ના દાયકામાં ગિસબોર્ન શહેરમાં એરપોર્ટ બનાવવાની જરૂરિયાત સર્જાઈ ત્યારે આખા શહેરમાં આ એકમાત્ર સ્થળે સમથળ જમીન હતી જ્યાં એરપોર્ટ બનાવી શકાય. તેથી અહીં રેલવે લાઈનને જેમની તેમ જાળવી રાખીને એરપોર્ટ અને રન-વેનું બાંધકામ કરાયું હતું.
ખાસ્સું વ્યસ્ત છે આ એરપોર્ટ
કદની દૃષ્ટિએ નાનું લાગતું આ એરપોર્ટ વાસ્તવમાં ઘણું વ્યસ્ત રહે છે. અહીં દર અઠવાડિયે 60થી વધુ સ્થાનિક વિમાનોની અવરજવર થાય છે. દર વર્ષે અંદાજે 1.5 લાખ લોકો અહીંથી મુસાફરી કરે છે. એરપોર્ટ પર ત્રણ નાના રન-વે પણ છે, જેના પરથી નાના વિમાનો ઉડે છે.
ટ્રેન ટ્રાફિક કેવો છે?
ગિસબોર્ન એરપોર્ટ સોંસરવી પસાર થતી રેલવે લાઇન ગિસબોર્ન શહેરને 17 કિલોમીટર દૂરના મુરિવાઈ શહેર સાથે જોડે છે. અહીં બહુ બધી ટ્રેનો નથી દોડતી. ભૂતકાળમાં અહીં પેસેન્જર અને માલવાહક ટ્રેનો નિયમિત દોડતી, પણ છેલ્લા થોડા વર્ષોથી એ સેવા બંધ છે. હવે આ રેલવે લાઇન પર ફક્ત ‘ગિસ્બોર્ન સિટી વિન્ટેજ ટ્રેન’ દોડે છે જે વર્ષમાં લગભગ 15 વખત રન-વે પાર કરે છે. સ્ટીમ એન્જિન ધરાવતી આ વિન્ટેજ ‘છુકછુક ગાડીઓ’ મોટા ભાગે ઉનાળામાં દરમિયાન દોડે છે, જ્યારે ક્રુઝ જહાજો ગિસ્બોર્ન લાંગરે છે અને પ્રવાસીઓના ધાડેધાડા શહેરમાં ઉમટી પડે છે. પ્રવાસીઓને રન-વે પર ટ્રેનમાં ફરવાનો રોમાંચક અને અનોખો અનુભવ આપવા માટે આ ટ્રેન દોડાવવામાં આવે છે. રન-વે પરથી પસાર થવા માટે ટ્રેને એરપોર્ટ ઓથોરિટી પાસેથી મંજૂરી લેવી પડે છે.
આવું ટુ-ઇન-વન એરપોર્ટ બીજે ક્યાં હતું?
વિમાન અને ટ્રેન બંને પસાર થતાં હોય એવી દુર્લભ લાક્ષણિકતા ધરાવવાનું બહુમાન એકમાત્ર ગિસબોર્ન એરપોર્ટના નામે નથી. ન્યૂઝીલેન્ડના જ પાડોશી દેશ ઓસ્ટ્રેલિયામાં પણ આવું એક એરપોર્ટ હતું. ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા પ્રાંતમાં આવેલા ‘વિનયાર્ડ એરપોર્ટ’ પર પણ આવી વ્યવસ્થા હતી. વર્ષ 2005 માં ત્યાં ટ્રેન સેવા બંધ થઇ ગઈ હતી. ત્યારથી ગિસબોર્ન વિશ્વનું એકમાત્ર એવું એરપોર્ટ છે જ્યાં હજુ પણ સક્રિય રન-વે પરથી ટ્રેન પસાર થાય છે.
ગિસબોર્નમાં પ્રવાસન ભરપૂર ખીલ્યું છે
એન્જિનિયરિંગની દૃષ્ટિએ એક અનોખી સિદ્ધિ ધરાવતું ગિસબોર્ન એરપોર્ટ પ્રવાસીઓને હંમેશા આકર્ષતું રહ્યું છે, પણ સોશિયલ મીડિયાના લીધે આ એરપોર્ટને ખૂબ પ્રસિદ્ધિ મળી છે, જેને લીધે અહીં પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. આ ઉપરાંત અહીંની ખીણો અને દરિયા કિનારા પણ અત્યંત રમણીય હોવાથી ગિસબોર્નમાં પ્રવાસન ભરપૂર ખીલી ઊઠ્યું છે, જેને લીધે સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળ્યો છે.


