ઘાનામાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટર ક્રેશ થતાં સંરક્ષણ મંત્રી અને પર્યાવરણ મંત્રી સહિત 8 લોકોના ગયા જીવ
Ghana Helicopter Crash: ઘાનામાં બુધવાર સાંજે એક મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ઘાનાના સંરક્ષણ મંત્રી અને પર્યાવરણ મંત્રીનું મોત થયું. આ માહિતી ઘાનાના રાષ્ટ્રપતિ કાર્યાલયે આપી. જણાવાયું છે કે આ દુર્ઘટના એવા સમયે બની છે જ્યારે સેનાનું હેલિકોપ્ટર રડારથી લાપતા થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરના પાયલટ ટીમના ત્રણ લોકો અને પાંચ મુસાફર સવાર હતા.
સંરક્ષણ મંત્રીને લઈ જઈ રહ્યું હતું હેલિકોપ્ટર ક્રેશ
ઘટનાના થોડા સમય બાદ સ્થાનિક ટીવી ચેનલે એક વીડિયો બતાવ્યો, જેમાં ગાઢ જંગલો વચ્ચે હેલિકોપ્ટરનો કાટમાળ સળગતો નજરે આવી રહ્યો હતો. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં મંત્રી એડવર્ડ ઓમાન બોઆમાહ અને ઇબ્રાહિમ મુર્તલા મુહમ્મદ પણ સામેલ છે. બોઆમાહે આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ જોન મહામાના શપથ લીધા બાદ સંરક્ષણ મંત્રી પદ સંભાળ્યું હતું. ત્યારે, મુહમ્મદ પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી તરીકે કામ કરી રહ્યા હતા.
2 મંત્રીઓ સહિત 8 લોકોના મોત
અધિકારીઓએ જણાવ્યું કે, હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો આ દુર્ઘટનામાં માર્યા ગયા. ઘાનાની મીડિયાના અનુસાર, આ હેલિકોપ્ટર ગેરકાયદે ખનનથી જોડાયેલા એક કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા, જે દેશમાં એક મોટો પર્યાવરણીય મુદ્દો છે. મહામાના ચીફ ઓફ સ્ટાફ જૂલિયસ ડેબરાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ અને સરકાર દેશની સેવામાં શહીદ થયેલા આપણા સાથીઓ અને સૈનિકોના પરિવારો પ્રત્યે દુઃખ વ્યક્ત કરીએ છીએ.