World

ઇરાનમાંથી બને તેટલા વહેલા બહાર નીકળી જાવ : સીઝ ફાયરના થોડા કલાકોમાં જ ભારતે ભારતીયોને આપેલો હાઈ એલર્ટ

By GS TEAM
8 Apr 20262 mins read
ઇરાનમાંથી બને તેટલા વહેલા બહાર નીકળી જાવ : સીઝ ફાયરના થોડા કલાકોમાં જ ભારતે ભારતીયોને આપેલો હાઈ એલર્ટ

- ઇરાનમાં ભારતીય દૂતાવાસે જાહેર કરેલી એડવાઈઝરીમાં તેવી પણ ચેતવણી આપવામાં આવી છે કે દૂતાવાસ કે ઉપદૂતાવાસને જાણ કર્યા સિવાય આંતરરાષ્ટ્રીય સીમા પાસે ન જવું

તહેરાન : સીઝ ફાયર જાહેર થયા પછી પણ ઇરાનમાં રહેતા ભારતીયોને ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે જલ્દીમાં જલ્દી ઇરાન છોડી જાવ બને તો સ્વદેશ પાછા ફરી જાવ. મહત્ત્વની વાત તે છે કે આ પૂર્વે જાહેર કરાયેલી એડવાઇઝરીમાં ૪૮ કલાક સુધી સતર્ક રહેવાની વાત કરવામાં આવી હતી. દરમિયાન ઇરાન અને અમેરિકા બે સપ્તાહ સુધી હુમલા રોકવા સહમત થયા હતા.

આ રીતે સીઝફાયર જાહેર થયા પછી માત્ર થોડા જ કલાકોમાં ભારતીય દૂતાવાસ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ૭મી એપ્રિલે જાહેર કરેલી એડવાઇઝરીને આગળ વધારતાં કહેવાનું કે તાજેતરની પરિસ્થિતિ જોતાં ઇરાનમાં રહેતા ભારતીયોને સખ્ત સલાહ આપવામાં આવી છે કે તેઓ સતત દૂતાવાસના સંપર્કમાં રહે, અને તેના દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગોનો ઉપયોગ કરી જલ્દીમાં જલ્દી ઇરાનમાંથી બહાર નીકળી જાય.

આ સાથે દૂતાવાસ દ્વારા આંતરરાષ્ટ્રીય સીમા અંગે પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે તે ફરી વખત કહેવામાં આવે છે કે દૂતાવાસને જાણ કર્યા વિના કે તેની સાથે સમન્વય સાધ્યા વિના કોઈએ આંતરરાષ્ટ્રીય સીમા પાસે ન જવું.

આ પૂર્વે મંગળવારે ભારતીય નાગરિકોને કહ્યું હતું કે તેમણે સૈન્ય મથકો, બહુમાળી ઇમારતોના ઉપરના માળથી દૂર રહેવું. થોડા સમય માટે ઇરાન આવનારા ભારતીયોએ દૂતાવાસે જ બૂક કરેલી હોટલોમાં ઉતરવું. બને ત્યાં સુધી અકારણ બહાર ન જવું. તેમજ તે વિસ્તારમાં રહેલી દૂતાવાસની વિશેષ ટીમોના સંપર્કમાં રહેવું. સાથે પરિસ્થિતિની અદ્યતન માહિતી ઉપર સતત ધ્યાન આપવું.

પીટીઆઈ જણાવે છે કે જ્યારે ૨૭મી ફેબુ્રઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારે ઇરાનમાં વિદ્યાર્થીઓ સહિત કુલ ૯૦૦૦ ભારતીયો હતા તેમાંથી ૧,૮૦૦ તો સ્વદેશ પાછા ફરી ગયા છે.