તહેરાન,૧૩ જાન્યુઆરી,૨૦૨૬,મંગળવાર
ઇરાનમાં વધતા જતા સરકાર વિરોધી પ્રદર્શનોના પગલે અમેરિકાએ એડવાઇઝરી બહાર પાડીને પોતાના નાગરિકોને ઇરાન છોડી દેવાનો આદેશ આપ્યો છે. જો બહાર નિકળી શકાય તેવી સ્થિતિના હોયતો ખોરાક, પાણી અને દવાઓ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ સાથે રાખીને કોઇ સુરક્ષિત સ્થળે રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા અને ઇરાનની બેવડી નાગરિકતા લોકોની પુછપરછ,ધરપકડ અથવા તો કેદ કરવાનો ગંભીર ખતરો છે.
આથી ખાસ કરીને બેવડી નાગરિકતાવાળા લોકોને ઇરાની પાસપોર્ટ પર ઇરાનમાંથી વહેલી તકે નિકળી જવાની ચેતવણી ઇરાન ખાતેની અમેરિકાની વર્ચુઅલ એમ્બેસીએ આપી છે. એડવાઇઝરીમાં પણ ઉલ્લેખ કર્યો છે કે ઇરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન હિંસક બની શકે છે. વ્યાપક પ્રમાણમાં ધરપકડ થવાથી અરાજકતા સર્જાવાથી શારીરિક ઇજજા થઇ શકે છે. સુરક્ષાના કારણોસર રસ્તા બંધ કરવા,પબ્લિક ટ્રાંસપોર્ટમાં અવરોધ અને ઇન્ટરનેટ બ્લોકેજની કાર્યવાહી ચાલું છે. ઇરાન સરકારે મોબાઇલ,લેન્ડલાઇન અને નેશનલ ઇન્ટરનેટ નેટવર્ક મર્યાદિત કરી નાખ્યું છે.]

વધુમાં એમ પણ જણાવાયું છે કે એરલાઇન્સ ઇરાન પણ પોતાની ફલાઇટ ઘટાડી રહી છે અથવા તો રદ કરી રહી છે. કેટલાક એરલાયન્સે ૧૬ જાન્યુઆરી સુધી કેટલીક ઉડાણ સ્થગિત કરી છે. અમેરિકી નાગરિકોએ ઇન્ટરનેટ આઉટેજ માટે તૈયાર રાખવી પડશે. કોમ્યુનિકેશનના વિકલ્પની પણ યોજના તૈયાર રાખવી જોઇએ. જો સુરક્ષિત રીતે રહેવા મળતું હોયતો આર્મેનિયા કે તુર્કીના રસ્તે ઇરાન છોડવા પર વિચાર કરવો જોઇએ. ઇરાનમાં છેલ્લા કેટલાક સપ્તાહથી પ્રદર્શનો ચાલી રહયા છે જેમાં મોંઘવારી ઉપરાંત પાંચ દાયકાથી શાસન કરી રહેલા ધાર્મિક નેતૃત્વ માટે ગુસ્સો છે. હ્નુમન રાઇટ્સ ન્યુઝ એજન્સી અનુસાર કમસેકમ ૫૪૪ લોકો માર્યા ગયા છે. ૧૦૬૮૧થી વધુ લોકોને પકડીને જેલમાં પુરવામાં આવ્યા છે.


