જર્મની ઇન્ડો-પેસિફિકમાં ભારતને મહત્વનું સહભાગી માને છે, બંને દેશો વચ્ચે ગાઢ વ્યૂહાત્મક સંબંધો સ્થાપવા ઇચ્છે છે
- બે દિવસની ભારત યાત્રા દરમિયાન વેડફુલ બેંગ્લોરમાં ઇસરો કેન્દ્રની મુલાકાત લીધી : 3જીએ જયશંકરને મળશે
નવી દિલ્હી : જર્મનીના વિદેશમંત્રી જોહાન વેડ ફૂલ ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આજે તા. ૨જીએ તેઓ સીધા બેંગ્લોર પહોંચ્યા જ્યાં તેઓએ ઇસરો સ્પેસ મિનના મથકની મુલાકાત લઇ તારીખ ત્રીજીએ દિલ્હી જવા રવાના થશે જ્યાં તેઓ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરને મળશે. વિદેશ મંત્રી એસ.જયશંકરની સાથે બંને દેશોના પારસ્પરિક સંબંધો તેમજ ટેકનોલોજીની આપ લે વિષે મંત્રણા કરશે.
ભારતનાં વિદેશ મંત્રાલયે વેડફૂલની ભારતની મુલાકાત વિષે પ્રસિદ્ધ કરેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે વેડફૂલની ભારતની મુલાકાતનો મુખ્ય હેતુ બહુવિધ ક્ષેત્રે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકાર વધારવાનો છે. બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી રાજકીય દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ તેમજ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ મહત્ત્વની છે. બંને દેશો વચ્ચેની ભાગીદારી સલામતી સહકાર નવીનીકરણ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ મહત્ત્વની છે. ભારતમાંથી કૌશલ્યયુક્ત શ્રેષ્ઠ કારીગરોને પણ જર્મની મોકલવા વિચારણા ચાલી રહી છે.
એસ.જયશંકર સાથેની મુલાકાત પૂર્વે તેઓને કહ્યું હતું કે ભારત અને જર્મની બંને આ સદીમાં અંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને નવું રૂપ આપી શકે તેમ છે. લોકશાહીને અનુસરતા બંને દેશો નૈસર્ગિક રીતે જ સહભાગી બની રહ્યા છે. ઇન્ડો-પેસિફિકમાં ભારત જર્મનીનું મહત્વનું સહભાગી છે. અત્યારના બહુવિધ ભૂ-રાજકીય પડકારો સામે આપણે સાથે મળી સિદ્ધાંત આધારિત અંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સ્થાપવા પ્રયત્નો કરવા જોઇએ. નિરીક્ષકો કહે છે. તેઓએ ઇસરો કેન્દ્રની સૌથી પહેલાં મુલાકાત લીધી તે ભારતની વિજ્ઞાાન ટેકનોલોજી ક્ષેત્રની સરાહના સમાન છે.