ગાઝામાં ભૂખમરાંની એવી સ્થિતિ કે લોકોએ રાહત સામગ્રી ટ્રકો લૂંટી, ઈઝરાયલે હુમલા પણ વધાર્યા
Gaza Starvation: ગાઝામાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ઇઝરાયલી હુમલાઓ કરતાં ભૂખમરાથી વધુ લોકો મરી રહ્યા છે. આ અંગે યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, ગાઝા તેના સૌથી ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે. લાંબા પ્રતિબંધ પછી જ્યારે ઇઝરાયલે ગાઝા માટે રાહત સામગ્રી લઈ જતી ટ્રકોને પસાર થવા દીધી, ત્યારે રસ્તામાં ડઝનબંધ ટ્રક ભૂખમરા અને તંગીથી પીડાતા લોકોએ લૂંટી લીધી.
ઇઝરાયલે ફરી ગાઝા પર કરેલા હુમલામાં 71 લોકોના મોત
એવામાં ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પર આક્રમક હુમલો શરૂ કરી દીધો છે. ગાઝા સિવિલ ડિફેન્સ એજન્સીના અધિકારી મોહમ્મદ અલ-મુગાયરે જણાવ્યું હતું કે, 'શુક્રવારે ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. આ ઉપરાંત, ઘણા લોકો હજુ પણ ગુમ છે.'
આ ક્રુરતાની હદ છે: યુએન ચીફ
આ અંગે યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, 'ઇઝરાયલે રાહત સામગ્રી બંધ ન કરવી જોઈએ. આ ક્રૂરતાની એક હદ છે જેનો સામનો હાલ ગાઝાના લોકો કરી રહ્યા છે. તાજેતરમાં ઇઝરાયલે 400 ટ્રકોને મંજૂરી આપી હતી. જોકે, તેમાંથી માત્ર 115 જ ગાઝા પહોંચ્યા. હાલ ઇઝરાયલે ગાઝામાં નરસંહાર તીવ્ર બનાવ્યો છે અને મોટા પાયે વિનાશ કરવાનું શરૂ કર્યું છે.'
દક્ષિણ ગાઝામાં લગભગ 15 ટ્રક લૂંટાઈ ગઈ
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે શુક્રવારે જણાવ્યું હતું કે, 'જો કે 2 માર્ચ પછી સોમવારે ગાઝામાં ટ્રકોની અવરજવર ફરી શરૂ થઈ. એવામાં ગઈકાલે રાત્રે દક્ષિણ ગાઝામાં લગભગ 15 ટ્રક લૂંટાઈ ગઈ હતી. લોકોમાં ભૂખમરો છે. આવી સ્થિતિમાં, લોકોને ખાતરી નથી કે રાહત સામગ્રી લઈને જતી વધુ ટ્રકો આવશે કે નહીં.'
આ પણ વાંચો: અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ શુક્રવારે આપેલી જાણકારી અનુસાર, શુક્રવારે ઇઝરાયલી વાયુસેનાએ ગાઝા પટ્ટીમાં 75 થી વધુ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ શુક્રવારે આ અંગે જાણકારી આપી હતી. આ હુમલાઓમાં આતંકવાદીઓ, રોકેટ લોન્ચર્સ, લશ્કરી સંકુલ, શસ્ત્રો સંગ્રહ સુવિધાઓ અને અન્ય લશ્કરી માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા.