ઈઝરાયલની ધમકી છતાં ગાઝાના લોકો મક્કમ, શહેર છોડવા ઈનકાર, યહૂદી સૈન્યના હુમલામાં 50ના મોત
Israel-Hamas War: ઈઝરાયલની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું કે, શુક્રવારે ગાઝામાં લશ્કરી કાર્યવાહીમાં 50 લોકોના મોત નિપજ્યા છે.. સેનાએ ગાઝા શહેર પર હુમલાઓ વધુ તીવ્ર બનાવી દીધા છે. ગાઝા પટ્ટીના સૌથી મોટા શહેર ગાઝા શહેરમાં રહેતા લાખો લોકોએ પોતાના ઘર છોડીને ઇઝરાયલી સેના દ્વારા નિર્ધારિત સલામત સ્થળે જવાનો ઇનકાર કર્યો છે.
ઈઝરાયલી સેનાની કાર્યવાહીમાં 50 લોકોના મોત
હમાસનો ગઢ ગણાતા આ શહેરમાં ઈઝરાયલી સેના સતત ગોળીબાર અને બોમ્બમારો કરી રહી છે. એટલું જ નહીં, અહીં ખાદ્ય પદાર્થોનો પુરવઠો પણ બંધ થઈ ગયો છે. આ દરમિયાન, શુક્રવારે ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સેનાની કાર્યવાહીમાં 50 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે.
આ પણ વાંચોઃ 'શાંતિ અને સ્થિરતા વધશે...', નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાના PM બનતાં ભારતની પ્રતિક્રિયા
ઈઝરાયલી સરકારે ગાઝા શહેર પર કબજો કરવાની અને તેને જાળવી રાખવાની જાહેરાત કરી છે. ઈઝરાયલી બંધકો આ શહેરમાં હમાસના પ્રભાવ હેઠળ હોવાની શંકા છે. એવું માનવામાં આવે છે કે હમાસ અહીં નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે જેથી ઈઝરાયલી કાર્યવાહીને કારણે થયેલા રક્તપાતને કારણે ઈઝરાયલને વૈશ્વિક ટીકાનો સામનો કરવો પડે.
ઈઝરાયલ 23 મહિનામાં હમાસના ગઢ પર કબજો કરી શક્યું નથી
ગાઝા શહેર એ શહેર છે જેને ઈઝરાયલી સેના 23 મહિનાના હુમલાઓ પછી પણ કબજો કરી શકી નથી. ઈઝરાયલી સેના દ્વારા તેના ઉપનગરોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે પરંતુ ગીચ વસ્તીવાળા શહેરમાં જમીની કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં નથી આવી.
આ પણ વાંચોઃ હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર જશે, વિપક્ષે ઊઠાવ્યા સવાલ
ઈઝરાયલી સેના હાલ હવાઈ હુમલાઓ દ્વારા શહેરની ઊંચી ઇમારતોનો નાશ કરી રહી છે જેથી સ્નાઇપર્સ ત્યાંથી હુમલો ન કરી શકે અને ઈઝરાયલી સેનાની ગતિવિધિઓ પણ જોઈ ન શકે. ઈઝરાયલી સેનાએ તાજેતરના દિવસોમાં આવા 500થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. આ દરમિયાન, ગાઝા પટ્ટીમાં તૈનાત ઈઝરાયલના રિઝર્વ સૈનિકોએ તેમના લક્ષ્યોને છોડવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, તેઓ ગાઝા પર કબજો કરશે અને અહીં જ રહેશે.
તીક્ષ્ણ હથિયારના હુમલામાં બે ઈજાગ્રસ્ત
શુક્રવારે જેરુસલમમાં એક હોટલની બહાર તીક્ષ્ણ હથિયારના હુમલામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 50 વર્ષીય ઈજાગ્રસ્ત વ્યક્તિની સ્થિતિ ગંભીર છે જ્યારે 25 વર્ષીય ઈજાગ્રસ્ત વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. ઈઝરાયલી પોલીસે તેને આતંકવાદી ઘટના ગણાવી છે.