ગાઝામાં યુદ્ધવિરામ સંકટમાં : ઇઝરાયેલના હુમલામાં 104નાં મોત

- હમાસનો ઇઝરાયેલ પર યુદ્ધવિરામ ભંગનો આરોપ
- હમાસે ઇઝરાયેલના સૈનિકની હત્યા કરતા આઇડીએફ વિમાનો અને ટેન્કો લઈ તૂટી પડી, આખી રાત હુમલા ચાલ્યા
- ગાઝામાં પેલેસ્ટાઇનીઓનો મૃત્યુઆંક 70,000ની નજીક પહોંચ્યો છતાં શાંતિ હજી પણ જોજનો દૂર
ગાઝા : ગાઝામાં યુદ્ધવિરામ જાણે ખતમ જ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઇઝરાયેલના દાવા મુજબ હમાસે તેના એક સૈનિકને ખતમ કર્યા પછી વડાપ્રધાન નેતન્યાહુએ ઇઝરાયેલના લશ્કરને પૂરી તાકાત સાથે ગાઝામાં ત્રાટકવાનો આદેશ આપતા છેલ્લા ૧૨ કલાકમાં એરસ્ટ્રાઈક્સ, ટેન્કો વડે કરાયેલા હુમલામાં ૧૦૪ના મોત થયા છે અને ૨૫૩ ઇજા પામ્યા છે. મૃતકોમાં ૪૬ તો બાળકો છે.
ઘાયલોને થયેલી ઇજાની ગંભીરતા જોતાં મૃત્યુઆંક વધે તો પણ આશ્ચર્ય નહીં થાય. બીજી બાજુએ હમાસે જણાવ્યું હતું કે અમે યુદ્ધવિરામના કરારનું પાલન કરી રહ્યા છીએ. અમે કોઈ ઇઝરાયેલી સૈનિકને ઉઠાવી ગયા નથી, ઉપરથી ઇઝરાયેલે આ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
ઇઝરાયેલના આ હુમલાના લીધે યુદ્ધવિરામ ભયમાં મૂકાયો છે. ઇઝરાયેલના હવાઈહુમલા અને ટેન્કો વડે આખી રાત ચાલેલી બોમ્બાર્ડિંગના કારણે આખું ગાઝા શહેર થરથરતું રહ્યું હતું. ઇઝરાયેલના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે હમાસે અમારા બંધકોના અવશેષો પરત ન કરીને અને અમારા પર હુમલો કરીને યુદ્ધવિરામના કરારનો ભંગ કર્યો છે. ઇઝરાયેલના લશ્કરે ગાઝામાં ચાલેલા બે વર્ષના યુદ્ધ દરમિયાન લગભગ ૫૧ બંધકોના મૃતદેહ મેળવ્યા હતા. ગાઝામાં હજી પણ ૧૩ બંધકોના મૃતદેહ પરત કરવાના બાકી છે.
ગાઝામાં પેલેસ્ટાઇનીઓનો મૃત્યુઆંક ૭૦,૦૦૦ની નજીક પહોંચવા આવ્યો છે. આમ છતાં શાંતિ હજી પણ જોજનો દૂર છે.
અલઝઝીરાના જણાવ્યા મુજબ ઇઝરાયેલે ગાઝામાં ૧૦મી ઓક્ટોબરના રોજ અમલી બનેલા યુદ્ધવિરામ પછી પણ કરેલા હુમલામાં અત્યાર સુધીમાં કુલ ૨૧૧ના મોત થઈ ચૂક્યા છે. હમાસનું કહેવું છે કે તે યુદ્ધથી ખતમ થયેલા ગાઝામાં મૃતદેહોને શોધવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આટલા ઝડપથી તે મૃતદેહ મળી શકે તેમ નથી. હમાસે જણાવ્યું હતું કે તેણે વધુ એક બંધકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો, પરંતુ ઇઝરાયેલના હુમલાના લીધે તેનો મૃતદેહ આપવાનું ટાળી દીધું છે.
ગાઝામાં ૧૦મી ઓક્ટોબરના રોજ યુદ્ધવિરામ થયો હતો. આ સમજૂતી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ૨૦ પોઇન્ટવાળી યોજના હેઠળ કરાઈ હતી. તેને કેટલાય તબક્કામાં અમલમાં મૂકવાની છે, પરંતુ ગાઝામાં ફરીથી યુદ્ધ ભડકી ઉઠતા યુદ્ધવિરામ પર સંકટના વાદળ છવાઈ ગયા છે.

