'ગાઝા-યુદ્ધ વિરામ' સ્વીકાર્ય પરંતુ ઈઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે : ટ્રમ્પ

- બધી બનાવટ છે, યુ.એસ. ગાઝાપટ્ટી લઈ લેવા માગે છે
- તાજેતરમાં ઈઝરાયેલી એર સ્ટ્રાઈકને લીધે ગાઝામાં ૨૬ના મોત થયા યુદ્ધ વિરામ ભંગ માટે ઈઝરાયેલ- હમાસ એકબીજા પર આક્ષેપો કરે છે
જેરૂસલેમ : ગાઝામાં ૨૬ના મૃત્યુ ઈઝરાયલી એરસ્ટ્રાઇકને લીધે થયા હોવા છતાં દ.કોરિયા જતા માર્ગમાં 'એરફોર્સ-વન' વિમાનમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે, આવી ઘટના છતાં ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધ વિરામને આંચ આવે તેમ નથી.
બીજી તરફ ફરી થયેલાં આ છમકલાં માટે હમાસ અને ઈઝરાયલે એકબીજા ઉપર આક્ષેપબાજી શરૂ કરી હતી.
ટ્રમ્પે ત્રણ સપ્તાહ પૂર્વે મહામહેનતે કરાવેલા યુદ્ધ વિરામ પછી ફરી આવી હિંસક ઘટના બની હતી.
ગાઝાનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઈઝરાયલી હુમલામાં મધ્ય ગાઝાપટ્ટીમાં આવેલી બરૂજી નિર્વાસિત છાવણી અને ગાઝા શહેરની બાજુમાં આવેલાં સબ્રામાં અનુક્રમે પાંચ અને ૪ના નોંધાયેલા મૃત્યુ સાથે કુલ ૨૬ના મૃત્યુ થયા હતાં. ખાન યુનીસમાં પણ એક કારમાં પાંચના મોત થયા હતા.
આ અંગે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, મારા જાણવા પ્રમાણે તેઓ (હમાસ) એક ઈઝરાયલી સૈનિકને ઉઠાવી ગયા હતા તે પછી ઈઝરાયલે આ આક્રમણ કર્યું હતું. ઈઝરાયલે વળતો પ્રહાર કર્યો હતો. વાસ્તવમાં તેને પોતાનો બચાવ કરવાનો પૂરેપૂરો અધિકાર છે જ. દરેકને હોય.
અમેરિકાના પ્રમુખની આ વાત સ્વીકારી લઈએ તો પણ તેના નેતૃત્વ નીચે ગાઝાપટ્ટીમાં અંતરિમ સરકાર રચવાની તેની યોજના સ્પષ્ટત: દર્શાવે છે કે, અમેરિકા પોતે જ ગાઝાપટ્ટી પર કબ્જો જમાવવા માંગે છે. વાત સીધી અને સાદી છે પછી સમગ્ર ચીનાઇ દ્વિપકલ્પ કબ્જે કરી સુએઝ નહેરના પૂર્વ તટ સુધી સત્તા જમાવવા માગે છે તેમાં ફ્રાંસ અને બ્રિટનનો તેને સાથ છે.








