Get The App

અમેરિકામાં ફ્રોડનો કેસ: ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા તૈયાર, ટ્રમ્પના વકીલ લડશે કેસ

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકામાં ફ્રોડનો કેસ: ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા તૈયાર, ટ્રમ્પના વકીલ લડશે કેસ 1 - image


Adani an US SEC Notice News : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા સિવિલ ફ્રોડ કેસમાં એક મહત્વના કાનૂની સમાચાર સામે આવ્યા છે. અદાણી પરિવારે અમેરિકન શેરબજાર નિયામક SEC (Securities and Exchange Commission) ની નોટિસ સ્વીકારવા સંમતિ દર્શાવી છે, જેનાથી આ કેસમાં હવે કાનૂની કાર્યવાહી આગળ વધશે.

શું છે સમગ્ર મામલો?

નવેમ્બર 2024માં SEC એ ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે સિવિલ દાવો દાખલ કર્યો હતો. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ના રોકાણકારોને લાંચ (Bribery Scheme) બાબતે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આ સિવાય ન્યૂયોર્કના ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતમાં સોલર કોન્ટ્રાક્ટ મેળવવા માટે $265 મિલિયનની લાંચ આપવાના કાવતરાના પણ આરોપ લગાવ્યા છે.

શા માટે આ નિર્ણય મહત્વનો છે?

છેલ્લા એક વર્ષથી આ કેસ અટકેલો હતો કારણ કે બંને અદાણી ભારતમાં હતા અને તેમને કાનૂની નોટિસ બજાવી શકાતી નહોતી. SEC એ તાજેતરમાં જ કોર્ટ પાસે વૈકલ્પિક રીતે એટલે કે ઈમેલ દ્વારા નોટિસ મોકલવાની પરવાનગી માંગી હતી. જોકે, હવે અદાણીના યુએસ સ્થિત વકીલોએ જાતે જ નોટિસ સ્વીકારવાની તૈયારી બતાવી છે, જેથી જજ દ્વારા સમન્સ બજાવવાની પદ્ધતિ પર ચુકાદો આપવાની જરૂર રહેશે નહીં.

ટ્રમ્પના વકીલ બચાવમાં ઉતર્યા

ગૌતમ અદાણીએ તેમના બચાવ માટે વોલ સ્ટ્રીટના પ્રખ્યાત વકીલ રોબર્ટ જિયુફ્રા જુનિયરને હાયર કર્યા છે, જેઓ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પણ વકીલ રહી ચૂક્યા છે. જિયુફ્રાએ કોર્ટને જણાવ્યું કે તેઓ નોટિસ સ્વીકારવા સંમત છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ ન્યૂયોર્ક કોર્ટના ન્યાયક્ષેત્ર (Jurisdiction) ને સ્વીકારે છે.

આગામી કાનૂની ટાઈમલાઈન

કોર્ટની મંજૂરી બાદ કેસની કાર્યવાહી નીચે મુજબ આગળ વધશે:

90 દિવસ: અદાણી પરિવાર પાસે કેસ રદ કરવાની અરજી અથવા બચાવ પક્ષ રજૂ કરવા માટેનો સમય.

60 દિવસ: SEC ને તેનો વિરોધ નોંધાવવા માટેનો સમય.

45 દિવસ: પ્રતિવાદીઓ (અદાણી) ને ફરીથી જવાબ આપવા માટેનો સમય.

અદાણી ગ્રુપનું સ્ટેન્ડ

અદાણી ગ્રુપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. AGEL એ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક પ્રક્રિયાગત પગલું (Procedural Step) છે. કંપનીએ ફરીથી ભારપૂર્વક કહ્યું છે કે ગૌતમ અને સાગર અદાણી પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ હેઠળ લાંચ કે ભ્રષ્ટાચારના કોઈ ફોજદારી (Criminal) આરોપો નથી, આ કાર્યવાહી માત્ર સિવિલ પ્રકૃતિની છે.