Get The App

કેનેડામાં ગેંગવોર : ખાલિસ્તાની સુખ્ખા દુનેકેને 15 ગોળી ધરબી દેવાઈ

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News
કેનેડામાં ગેંગવોર : ખાલિસ્તાની સુખ્ખા દુનેકેને 15 ગોળી ધરબી દેવાઈ 1 - image


- નિજ્જરની હત્યાના વિવાદ વચ્ચે વધુ એક ખાલિસ્તાની ઠાર

- ગોલ્ડી બ્રારના ભાઈ ગુરલાલની હત્યાનો બદલો લીધાનો લોરેન્સ બિશ્નોઈનો દાવો : સુખ્ખાના માથે રૂ. 10 લાખનું ઈનામ હતું

ઓટ્ટાવા/નવી દિલ્હી : કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો વિવાદ હજુ શમ્યો નથી. તેની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના સંબંધો કથળ્યા છે. આવી સ્થિતિમાં મોગાની દવિંદર બંબીહા ગેંગના ખાલિસ્તાની સુખદૂલસિંહ ઉર્ફ સુખ્ખા દુનેકેની બુધવારે રાતે કેનેડાના વિનિપેગ શહેરમાં હત્યા કરાઈ હતી. આરોપીઓએ સુખદૂલસિંહને લગભગ ૧૫ ગોળીઓ મારી હતી, જેમાંથી ૯ ગોળી માથા પર મારવામાં આવી હતી. આ અંગે વિવાદ સર્જાય તે પહેલાં ભારતની જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈએ આ હત્યાની જવાબદારી લીધી છે.

સુખદુલ સિંહ ઉર્ફે સુખ્ખા દુનેકે ભારતનો કુખ્યાત ગેંગસ્ટર હતો. તેનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ ગૂનેગારોની યાદીમાં સામેલ હતું. હજુ ગઈકાલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ  જાહેર કરેલી ૨૦ લોકોની વોન્ટેડ યાદીમાં સુખ્ખાનું નામ હતું. તેના માથે રૂ. ૧૦ લાખનું ઈનામ રખાયું હતું. એનઆઈએએ ખાલિસ્તાની આતંકીઓની સંપત્તિ જપ્ત કરવાનું શરૂ કર્યું છે.

જોકે, સુખ્ખાની હત્યા ગેંગવોરમાં થઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. સુખ્ખા ખાલિસ્તાની આતંકી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડાલાનો ડાબો હાથ હતો. કેનેડામાં રહીને તે પોતાના ગુંડાઓ મારફત ભારતમાં ગૂના આચરતો હતો. તે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં દવિંદર બંબીહા ગેંગને મદદ કરવા સહિત ફન્ડિંગ કરતો હતો. તેની સામે પંજાબ અને આજુબાજુના રાજ્યોમાં હત્યા અને અન્ય ગંભીર ગૂનાઓના ૨૦થી વધુ કેસ નોંધાયેલા હતા. 

સૂત્રોએ જણાવ્યું કે, સુખ્ખા વિનિપેગ શહેરના હેઝલટન ડ્રાઈવ રોડ પર કોર્નર હાઉસના ફ્લેટ નં-૨૦૩માં હતો ત્યારે આરોપીઓએ કેનેડાના સમય મુજબ સવારે ૯.૩૦ કલાકે તેના ઘરમાં ઘૂસીને તેની હત્યા કરી હતી. તેમણે તેને માથામાં નવ ગોળી સહિત કુલ ૧૫ ગોળીઓ મારી હતી. હત્યા કરતાં પહેલાં આરોપીઓએ સુખ્ખાને કહ્યું હતું કે તેં ગોલ્ડીના ભાઈ ગુરલાલ બ્રારની હત્યા કરાવી હતી. તેમાં તારો હાથ હતો. સુખ્ખાની માતા અને બહેન પણ કેનેડામાં જ રહે છે જ્યારે તેના કાકા પંજાબના મોગા જિલ્લામાં રહે છે. સુખ્ખા વર્ષ ૨૦૧૭માં કેનેડા ભાગી ગયો હતો.

સુખ્ખાની મોતના સમાચાર ફેલાતાં જ ભારતની જેલમાં કેદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે ગેંગસ્ટરમાંથી આતંકી બનેલા સુખ્ખાની હત્યાની જવાબદારી લીધી હતી. લોરેન્સ બિશ્નોઈએ ફેસબૂક પર એક લાંબી પોસ્ટ નાંખી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, આ સુખ્ખા દુનેકે બંબિયા જૂથનો પ્રધાન બનતો હતો. તેની કેનેડામાં હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ લે છે. આ હેરોઈન લેનાર નશેડીએ અનેક ઘર બરબાદ કર્યા છે. અમારા ભાઈ ગુરલાલ બરાડ અને વિક્કી મિડુખેડાની હત્યા તેણે બહાર બેસીને કરાવી હતી.

પોસ્ટમાં વધુમાં જણાવાયું હતું કે, સંદી નાંગલ અંબિયાની હત્યા પણ તેણે કરાવી હતી. પરંતુ તેને હવે તેના પાપોની સજા મળી ગઈ છે. તેણે અન્ય ગેંગસ્ટરોને ચેતવણી આપતા કહ્યું હતું કે, હવે થોડાક જ બાકી રહ્યા છે. તમે ગમે તે દેશમાં જતા રહો પણ બચશો નહીં. સમય થોડો વધુ લાગી શકે છે. પરંતુ એક-એકને સજા મળશે. જોકે, આ ફેસબૂક એકાઉન્ટ લોરેન્સ બિશ્નોઈનું છે કે કેમ તેની પુષ્ટી થઈ શકી નથી.

દરમિયાન કેનેડામાં ગેંગવોરમાં સુખદુલ સુખ્ખા માર્યો ગયો હોવાના સમાચાર સાથે જ પંજાબ પોલીસે ગુરુવારે આખા રાજ્યમાં કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બરાર સાથે સંકળાયેલા ૧૨૦૦થી વધુ સ્થળો પર દરોડા પાડયા હતા. પંજાબ પોલીસમાં સ્પેશિયલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો-વ્યવસ્થા) અર્પિત શુક્લાએ જણાવ્યું કે, સવારે ૭.૦૦ વાગ્યાથી વિશેષ ઓપરેશનની કામગીરી શરૂ થઈ હતી, જે રાજ્યના બધા જ જિલ્લાઓમાં આખો દિવસ ચાલી હતી. અંદાજે ૫,૦૦૦ પોલીસ કર્મચારી દરોડાની કામગીરીમાં જોડાયા હતા.

કેનેડામાં ભારત વિરોધી કાવતરું : આતંકી પન્નુની આઈએસઆઈ સાથે ગુપ્ત બેઠક

કેનેડામાં ભારત વિરોધી કાવતરું રચાઈ રહ્યું છે. આ અંગે ખાલિસ્તાની આતંકીઓએ પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ સાથે હાથ મિલાવ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે સંબંધો કથળ્યા છે ત્યારે ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ કેનેડામાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના એજન્ટ્સ સાથે ગુપ્ત બેઠક કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ બેઠક વાનકુંવરમાં થઈ હતી. પાંચ દિવસ પહેલાં જ થયેલી આ બેઠકમાં શીખ ફોર જસ્ટિસ (એસએફજે)ના ચીફ ગુરપતવંતસિંહ પન્નુ સહિત ખાલિસ્તાની સંગઠનોના અન્ય લોકો હાજર હતા. આ બેઠકમાં ભારત વિરોધી પ્રોપેગેન્ડા ફેલાવવા મુદ્દે ચર્ચા થઈ હતી. આઈએસઆઈ પ્લાન-કે હેઠળ ખાલિસ્તાની પ્રવૃત્તિઓને વધારવા માટે ફન્ડિંગ કરી રહ્યું છે. દરમિયાન સૂત્રોએ કહ્યું કે, ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર માર્યો ગયો તે પહેલાં તે કેનેડિયન ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતો.

Tags :