ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ 100 અબજ ડોલરના માલિક બનતા વિશ્વનાં પ્રથમ મહિલા
- બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં મેયર્સ ૧૨માં નંબરે
- 2017માં માતા લિલિયન મેયર્સના નિધન પછી લોરિયલ કંપનીનો વારસો ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સને મળ્યો છે
- ફ્રેન્ચ સમકક્ષ અને વુટનના સ્થાપક બર્નાર્ડ આર્નોલ્ટ 179.8 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા નંબરે
પેરિસ : લોરિયલ સામ્રાજ્યની માલિક ફ્રેન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ ૧૦૦ અબજ ડોલર(અંદાજે ૮,૩૦,૦૦૦ કરોડ રુપિયા)ની માલિક બનનારી વિશ્વની સૌપ્રથમ મહિલા બની છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ ગુરુવારે બજાર બંધ રહ્યુ ત્યારે તેની સંપત્તિ ૧૦૦.૧ અબજ ડોલર હતી. તેની સંપત્તિનું કારણ લોરિયલ બ્યૂટી પ્રોડ્કટ્સની શાનદાર કામગીરીના પગલે તેને મળેલી સફળતા છે. તેને કંપની વારસામાં મળી છે.
હાલમાં તે બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સમાં ૧૨માં ક્રમે છે. તેણે ભારતના અબજપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેને વટાવી દીધા છે.આ સિવાય એમેન્સિયા ઓર્ટેગાને પણ પાછળ છોડી દીધા છે.
ફ્રેન્કોઈસ બેટનકોર્ટ મેયર્સેની વય હાલમાં ૭૦ની છે અને તે તેની એકાંતપ્રિય જીવનશૈલી માટે જાણીતી છે.
ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ લોરિયલના બોર્ડમાં વાઇસ ચેર છે. લોરિયલનું મૂલ્ય ૨૬૮ અબજ ડોલર છે. તેનું કુટુંબ તેમા ૩૫ ટકા હિસ્સો ધરાવે છે. આમ મેયર્સ ફેમિલી તેમા સૌથી મોટું શેરધારક છે.
તેના પુત્ર જીન વિક્ટર મેયર્સ અને નિકોલસ મેયર્સ પણ કંપનીમાં ડિરેક્ટર છે. મેયર્સની સંપત્તિમાં આવેલા ઉછાળાનું કારણ લોરિયલના શેરનું પર્ફોર્મન્સ છે. લોરિયલ્સના શેરે ૧૯૯૮ પછીના શ્રેષ્ઠ કામગીરી આ વર્ષે નોંધાવી છે.
સંપત્તિમાં જંગી ઉછાળા છતાં પણ તેની સંપત્તિ હાલમાં તેના ફ્રેન્ચ સમકક્ષ બર્નાર્ડ આર્નોલ્ટ કરતાં ઘણી ઓછી છે. એલવીએમએચ મોટ હેનેસી લુઇસ વુટનના સ્થાપક બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ ૧૭૯.૮ અબજ ડોલર (અંદાજે રુ. ૧૫ લાખ કરોડ) છે. તે બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં અબજપતિઓની યાદીમાં બીજા ક્રમે છે. જ્યારે ટેસ્લાના સ્થાપક ઇલોન મસ્ક ૨૩૨ અબજ ડોલરની (અંદાજે રુ. ૧૯.૦૩ લાખ કરોડ) સંપત્તિ સાથે ટોચ પર છે.
મેયર્સને ૨૦૧૭માં મૃત્યુ પામેલી તેની માતા લિલિયન બેટનકોર્ટ પાસેથી વારસો મળ્યો હતો. માપુત્રી વચ્ચેના સંબંધો વિવાદાસ્પદ હોવા છતાં પણ મેયર્સ તેમની એકમાત્ર વારસદાર તરીકે ઉભરી આવી હતી. તેના પછી ત્યારથી તેના કુટુંબની સંપત્તિની જાળવણી તે કરે છે અને લોરિયલ પર ચુસ્ત અંકુશ ધરાવે છે.
લોરિયલની સ્થાપના ૧૯૦૯માં બેટનકોર્ટ મેયર્સના કેમિસ્ટ દાદા યુજીન શૂલર દ્વારા કરવામાં આવી હતી. કંપની પડકારો અને સફળતા બંનેનો અનુભવ કરી ચૂકી છે. કોરોનાના રોગચાળા દરમિયાન કંપનીને ફટકો પડયો હતો, પરંતુ તેના પછી કંપનીએ જબરજસ્ત પુનરાગમન કર્યુ હતુ. લક્ઝરી આઇટેમોની માંગમાં ધરખમ ઉછાળાના પગલે તેનો શેર ૩૫ ટકા વધી ગયો છે.
પ્રાઇવસી માટે જાણીતી મેયર્સ તેના દિવસનો નોંધપાત્ર સમય પિયાનો વગાડવામાં આપે છે. તે જાણીતી લેખક પણ છે, તેણે બાઇબલના પાંચ વોલ્યુમ લખ્યા છે અને ગ્રીક ગોડ્સની કથાઓ લખી છે.
લોરિયલમાં તેની ભૂમિકા ઉપરાંત બેટનકોર્ટ મેયર્સ ફેમિલી હોલ્ડિંગ કંપની ટીથીસને પણ સંભાળે છે. તેના પતિ જીન પિયરે મેયર્સ તેના સીઇઓ છે.
ટીથીસ ઇન્વેસ્ટની સ્થાપના ૨૦૧૬માં કરવામાં આવી હતી. તેનું ધ્યેય લાંબા ગાળા માટેના પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, જે લોરિયલ સાથે સ્પર્ધા કરતાં ન હોય. હાલમાં તો ૧૦૦ અબજ ડોલરની માલિક બનનારી વિશ્વની પ્રથમ મહિલા તરીકે વિશ્વના અખબારોમાં ચમકી રહી છે.