Social Media Ban: ફ્રાન્સ સરકારે બાળકો અને સગીરોના ડિજિટલ સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટું અને કડક પગલું ભર્યું છે. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીએ એક નવો કાયદો પસાર કર્યો છે, જે હેઠળ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
ઓનલાઇન બુલિંગ એટલે કે માનસિક પજવણી, વધતી હિંસા અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પડતી નકારાત્મક અસરોને રોકવા માટે આ નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને અગાઉ પણ સોશિયલ મીડિયાને યુવાનોમાં વધતી આક્રમકતા માટે જવાબદાર ગણાવ્યું હતું. મેક્રોન ઈચ્છે છે કે આગામી શૈક્ષણિક સત્ર એટલે કે સપ્ટેમ્બર પહેલા આ કાયદો દેશભરમાં લાગુ થઈ જાય.
એક સ્પષ્ટ સીમા નક્કી કરવામાં આવી
સંસદમાં આ બિલ રજૂ કરતા સાંસદ લોર મિલરે ચિંતા વ્યક્ત કરી હતી કે, 'બાળકો ભણવાનું ઓછું અને સોશિયલ મીડિયામાં વધુ ધ્યાન આપે છે, જેથી આ કાયદા દ્વારા સમાજમાં એક સ્પષ્ટ સીમા નક્કી કરવામાં આવી રહી છે. કારણ કે,
-બાળકો પહેલા કરતા ઘણું ઓછું વાંચી રહ્યા છે.
-તેમની ઊંઘમાં ઘટાડો થયો છે.
-તેઓ સતત પોતાની સરખામણી બીજા સાથે કરીને માનસિક તણાવ અનુભવે છે.
વિશ્વભરમાં 'ઓસ્ટ્રેલિયા મોડલ'ની ચર્ચા
ફ્રાન્સ પહેલા ઓસ્ટ્રેલિયાએ ડિસેમ્બર મહિનાથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે બ્રિટન, ડેનમાર્ક, સ્પેન અને ગ્રીસ જેવા દેશો પણ આ મોડલનો અભ્યાસ કરી રહ્યા છે. યુરોપિયન યુનિયન પણ સમગ્ર યુરોપ માટે સોશિયલ મીડિયાના ઉપયોગની લઘુત્તમ ઉંમર નક્કી કરવા પર વિચાર કરી રહ્યું છે.
ચોતરફથી મળ્યો ટેકો
ફ્રાન્સમાં આ નિર્ણયને તમામ રાજકીય પક્ષો અને લોકોનો ભારે ટેકો મળ્યો છે. દક્ષિણપંથી સાંસદ થિએરી પેરેઝે આ પરિસ્થિતિને 'હેલ્થ ઈમરજન્સી' જણાવતા કહ્યું હતું કે, સોશિયલ મીડિયાએ તમામને બોલવા માટે એક મંચ પૂરું પાડ્યું પણ સૌથી મોટી કિંમત આપણા બાળકોએ ચૂકવવી પડી રહી છે.


