ન્યૂયોર્ક સિટી ઓફિસ ટાવરમાં ગોળીબાર પોલીસ અધિકારી સહિત ચારનાં મોત
- હુમલાખોરે હુમલા બાદ આત્મહત્યા કરી
- હુમલામાં અન્ય એક વ્યકિત ઘાયલ જેની સ્થિતિ ગંભીર : હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
ન્યૂયોર્ક : ન્યૂયોર્ક સિટી ઓફિસ ટાવરમાં એક રાયફલધારી વ્યકિતએ ચાર લોકોની હત્યા કરી હતી જેમાં એક ઓફ ડયુટી ન્યૂયોર્ક પોલિસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. તેણે પાંચમાં વ્યકિતને ઘાયલ કર્યો હતો અને ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
મૃતક પોલીસ અધિકારીની ઓળખ ૩૬ વર્ષીય દીદારુલ ઇસ્લામ તરીકે કરવામાં આવી હતી. જે બાંગ્લાદેશથી એક અપ્રવાસી હતાં અને ન્યૂયોર્ક શહેરમાં સાડા ત્રણ વર્ષ સુધી પોલીસ અધિકારી રહ્યાં હતાં. પોલીસ કમિશનર જેસિકા ટિશે એક પત્રકાર પરિષદમાં આ પોલીસ અધિકારી અંગે જણાવ્યું હતું કે તે તે એવી રીતે મૃત્યુ પામ્યો જેવી રીતે જીવતો હતો. એક હીરોની જેમ. તેમણે જણાવ્યું હતું કે પરિણીત હતો અને તેના બે બાળકો હતાં. તેની પત્ની ત્રીજા બાળકથી ગર્ભવતી છે.
ટિશે જણાવ્યું હતું કે બંદૂકધારીની ઓળખ લાસ વેગાસના શેન તામુરા તરીકે કરવામાં આવી છે. તેણે હુમલો કર્યા પછી આત્મહત્યા કરી લીધી હતી. તે માનસિક બિમારીનો ઇતિહાસ ધરાવતો હતો. જો કે તેણે હુમલો કેમ કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.
મેયર એરીક એડમ્સે જણાવ્યું હતું કે ઘાયલ થયેલ પાંચમાં વ્યકિતની સ્થિતિ ગંભીર છે. અધિકારીઓ એ તપાસ કરી રહ્યાં છીએ કે ઘટના અગાઉ અને ઘટના સમયે ચોક્કસ શું બન્યું હતું જેના કારણે ચાર નિર્દોષ લોકોનાં મોત થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે.
સર્વેલન્સ વીડિયોમાં જોવા મળ્યું છે કે સાંજં ૬.૩૦ વાગ્યે એક શખ્સ એક ડબલ પાર્ક કરવામાં આવેલી બીએમડબ્લ્યુમાંથી એ-૪ રાયફલ લઇને બહાર નીકળે છે અને એક બિલ્ડિંગમાં પ્રવેશે છે.
ટિશે જણાવ્યું હતું કે ત્યારબાદ તેણે ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં ન્યૂયોર્ક પોલીસના અધિકારીને ગોળી વાગી હતી. આ ઉપરાંત એ મહિલાને પણ ગોળી વાગી હતી જે છુપવાનો પ્રયત્ન કરી રહી હતી.
હુમલાખોર એનએફએલના હેડકવાર્ટરને નિશાન બનાવવા માંગતો હતો : મેયર
ન્યૂયોર્ક : ન્યૂયોર્ક સિટી ઓફિસ ટાવરમાં ચાર લોકોની હત્યા કરનાર બંદૂકધારી હુમલાખોર નેશનલ ફૂટબોલ લીગ (એનએફએલ)ના હડકવાર્ટરને નિશાન બનાવવા માંગતો હતો જો કે તે ખોટી લિફ્ટમાં ચઢી ગયો હતો તેમ ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે એક નિવેદનમાં જણાવ્યું છે. એડમ્સે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તપાસકર્તાઓનું માનવું છે કે શેન તમુરા બિલ્ડિંગની લોબીમાં અનેક લોકોને ગોળી માર્યા પછી એનએફએલ ઓફિસ પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જો કે તે ભૂલથી ખોટી લિફ્ટમાં ચઢી ગયો હતો.
આ હુમલામાં એક ઓફ ડયુટી ન્યૂયોર્ક સિટી પોલીસ ઓફિસર સહિત ચાર લોકોનાં મોત થયા છે. તમુરા માનસિક બિમારીનો ઇતિહાસ ધરાવતો હતો. તેના શરીર પર મળેલા એક અસ્પષ્ટ નોટથી ખબર પડે છે કે તેણે એનએફએલની વિરુદ્ધ એક નિરાધાર દાવા અંગે ફરિયાદ કરી હતી કે તે ક્રોનિક ટ્રોમેટિક એન્સેફેલોપેથી (સીટીઇ)થી પીડિત છે. તેણે લગભગ બે દાયકા અગાઉ કેલિફોર્નિયાની સ્કૂલમાં ફુટબોલ રમ્યું હતું.